વાઝદા, આન્દ્રે (જ. 6 માર્ચ 1926, સુવાલ્કી, પોલૅન્ડ) : ચલચિત્રકળાને સમર્પિત પોલિશ સર્જક અને પટકથાલેખક. પૂર્વ યુરોપના આ પ્રતિનિધિ સર્જકે પોતાના દેશ પોલૅન્ડની સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓને ખૂબ જ વિચારોત્તેજક રીતે પડદા પર અભિવ્યક્ત કરી છે. પોતાની વૈચારિક પ્રતિબદ્ધતાને કારણે વાઝદા માત્ર વિવાદાસ્પદ જ ન રહ્યા, પણ તેમને રાજકીય સતામણીના શિકાર પણ બનવું પડ્યું. પોલૅન્ડના બહુચર્ચિત સૉલિડારિટી આંદોલન સાથે તેઓ સક્રિય રીતે જોડાયેલા રહ્યા હતા. ‘હન્ટિંગ ફાઇલ્સ’, ‘લૅન્ડ ઑવ્ ધ પ્રોમિસિસ’, ‘મૅન ઑવ્ આયર્ન’ જેવાં અસરકારક રાજકીય ચિત્રોના માધ્યમથી વાઝદાએ પોતાની વિચારસરણી પ્રસ્તુત કરી હતી. આ તમામ ચિત્રોનું કથ્ય એક ગંભીર ઉદ્દેશ્ય સાથે સંકળાયેલું હતું. વિશ્વના સમીક્ષકોની નજરે વાઝદા એક હિંમતવાન અને અસામાન્ય સર્જક બની રહ્યા.
યુરોપના અનેક ચિત્રસર્જકોએ બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની વિભીષિકાને ખૂબ જ નજીકથી જોઈ હતી અને પોતાનાં ચલચિત્રો દ્વારા તે રજૂ કરી હતી. વાઝદા પોતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલૅન્ડની સેનામાં સામેલ હતા. ચલચિત્રકળાનો ઊંડો શોખ તેમને બાળપણથી હતો. પોલિશ દિગ્દર્શક ઍલેક્ઝાન્ડર ફૉર્ડનું સાંનિધ્ય તેમને ચલચિત્રો તરફ ખેંચી ગયું. 1954માં વાઝદાએ દિગ્દર્શક તરીકે પોતાના પહેલા ચિત્ર ‘અ જનરેશન’નું સર્જન કર્યું હતું. આ ચિત્ર વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિમાં પોલૅન્ડના નાગરિકોની વ્યથા પર કેન્દ્રિત હતું. એ શૈલી પર જ તેમણે બીજાં બે ચિત્રો ‘કૅનાલ’ (1956) અને ‘ઍશિઝ ઍન્ડ ડાયમન્ડ્ઝ’(1958)નું નિર્માણ કર્યું હતું. યુદ્ધની અસરો દર્શાવતી આ ચલચિત્રમયી વાઝદાની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મહત્વની બની રહી.
માનવજાતને યુદ્ધના ખતરાઓ અંગે સાવધ કરવા વાઝદા પોતાનાં સર્જનોમાં હંમેશાં સચેત રહ્યા. ‘લોલા’ આ વિષય સંબંધિત તેમનું એક મહત્વનું ચલચિત્ર છે. ‘લૅન્ડસ્કેપ્સ ઑવ્ બૅટલ’માં વાઝદાએ વિશ્વયુદ્ધ દરમિયાન યાતનાશિબિરોમાં માનવઅધિકારોના હનનનો મુદ્દો ઉઠાવ્યો હતો. સિત્તેરના દાયકામાં વાઝદા મુખ્યત્વે પ્રશિષ્ટ સાહિત્યિક કૃતિઓને પડદા પર ઉતારવામાં સક્રિય રહ્યા. ‘ધ બિર્ચ-વુડ’, ‘ધ વેડિંગ’, ‘ઑરકેસ્ટ્રા કન્ડક્ટર’ (1980), ‘મૅન ઑવ્ માર્બલ’ (1977) અને ‘મૅન ઑવ્ આયર્ન’ (1980) આ ગાળા દરમિયાન બનેલાં તેમનાં ચલચિત્રો હતાં. તે પૈકી ‘મૅન ઑવ્ આયર્ન’(1980)ને કાન ચલચિત્ર મહોત્સવમાં ‘ગોલ્ડન પામ’ ઍવૉર્ડ મળ્યો હતો. આ ચલચિત્ર રાજસત્તા સામે ઝૂઝતી એક વ્યક્તિના સૈદ્ધાંતિક જંગનું ચિત્રણ કરતું વિવાદાસ્પદ સર્જન હતું. પોલિશ સરકારના શત્રુવત્ વ્યવહારથી વાજ આવીને વાઝદાએ પોતાનું એ પછીનું ચલચિત્ર ‘દાન્તે’ (1982) ફ્રાન્સમાં બનાવ્યું હતું. 1989માં આન્દ્રે વાઝદા પોલૅન્ડમાં સામ્યવાદી સરકારના પતન બાદ વિપક્ષના સત્તારૂઢ થતા સંસદના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા. ‘લવ ઍટ ટ્વેન્ટી’, ‘વિધાઉટ નેસ્થેશિયા’(1962)નો સમાવેશ તેમનાં નોંધપાત્ર અને ચર્ચાસ્પદ ચલચિત્રોમાં થાય છે.
તેમનાં અન્ય નોંધપાત્ર ચલચિત્રોમાં ‘એવરીથિંગ ફૉર સેલ’ (1968), ‘એ લવ ઇન જર્મની’ (1984), ‘કોર્કઝેક’ (1990) અને ‘ધ રિંગ વિથ અ ક્રાઉન ઈગલ’(1993)નો સમાવેશ થાય છે.
હરસુખ થાનકી