વાઇલ્ડ, ઑસ્કર
January, 2005
વાઇલ્ડ, ઑસ્કર (જ. 16 ઑક્ટોબર 1854, ડબ્લિન; અ. 30 નવેમ્બર 1900, પૅરિસ) : બ્રિટિશ નાટ્યકાર, હાસ્યલેખક અને વિવેચક. પિતા ડૉક્ટર અને માતા કવિ હતાં. ડબ્લિનમાં શિષ્ટ ગ્રંથોના અભ્યાસમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે ગયા અને ક્લાસિકલ મોડરેશન્સમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. એમને એમના કાવ્ય ‘રેવેના’ માટે ન્યુડિગેટ પ્રાઇઝ એનાયત થયું હતું. તેમણે ઇટાલી અને ગ્રીસનો પ્રવાસ કર્યો. ‘ધ હૅપી પ્રિન્સ ઍન્ડ અધર ટેલ્સ’ 1888માં પ્રસિદ્ધ થઈ. ‘આર્થર સેવિલ્સ ક્રાઇમ ઍન્ડ અધર સ્ટૉરિઝ’ 1891માં અને ‘ધ હાઉસ ઑવ્ પોમેગ્રેનેટ્સ’ 1892માં પ્રકાશિત થયાં. પરીકથાઓ અને લોકકથાઓમાં વાઇલ્ડને પોતાની લેખનશક્તિને અનુરૂપ સાહિત્યિક સ્વરૂપ સાંપડ્યું.
‘ધ પિક્ચર ઑવ્ ડૉરિયન ગ્રે’ (1890) તેમની એકમાત્ર નવલકથા છે. વાઇલ્ડના અંગત જીવનની જેમ આ કૃતિનો નાયક પણ ભોગવિલાસમાં રમમાણ રહેતો હોવાથી જીવનના નકારાત્મક અને વિનાશક પાસાંનો ભોગ બને છે. તેમનું ખ્યાતનામ હાસ્યપ્રધાન નાટક ‘લેડી વિન્ડરમિયર્સ ફેન’ (1892) છે. ‘અ વુમન ઑવ્ નો ઇમ્પૉર્ટન્સ’ (1893), ‘એન આઇડિયલ હસ્બન્ડ’ (1895) અને ‘ઇમ્પૉર્ટન્સ ઑવ્ બિઇંગ અર્નેસ્ટ’ (1895) તેમનાં લખેલાં હાસ્યપ્રધાન નાટકો છે. આ નાટકોના બૌદ્ધિક તણખાઓએ તખ્તાને જકડી રાખ્યો. વાઇલ્ડના બાઇબલ પર આધારિત એકાંકી ‘સલોમા’ને બ્રિટનમાં પરવાનો ન મળતાં તે ફ્રેંચ ભાષામાં લખાયું અને પૅરિસમાં ભજવાયું, ત્યારબાદ ઇંગ્લૅન્ડમાં તે સ્વીકારાયું. એમની હાસ્યપ્રધાન કૃતિઓમાં વિક્ટોરિયન સમાજના દંભ પરના તીવ્ર કટાક્ષો છે. એમનું છેલ્લું નાટક ‘ધી ઇમ્પૉર્ટન્સ ઑવ્ બિઇંગ અર્નેસ્ટ’ અંગ્રેજી ભાષાનું સર્વોત્તમ પ્રહસન ગણાય છે. રમૂજ, કટાક્ષ અને વક્રોક્તિથી છલકાતાં એમનાં નાટકો એમના વ્યક્તિત્વની અભિવ્યક્તિરૂપ હતાં. નાણાભીડ નિવારવા તેમણે પ્રવચન-પ્રવાસ ખેડ્યો; સાથે-સાથે ‘વિમેન્સ વર્લ્ડ’ સામયિકના તેઓ તંત્રી બન્યા. ‘De Profundis’ (1898) આત્મકથનાત્મક લખાણ છે. ‘ધ ડીકે ઑવ્ લાઇંગ’ અને ‘ધ ક્રિટિક ઍઝ આર્ટિસ્ટ’ તેમનાં વિવેચનાત્મક ગદ્ય-લખાણો છે.
અંગત અનીતિના આક્ષેપસર અદાલતી વિવાદમાં સપડાયા અને એમને 2 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી હતી. કારાવાસના અમાનુષી ત્રાસના અનુભવોના આધારે એમની શ્રેષ્ઠ કાવ્યકૃતિ ‘ધ બેલડ ઑવ્ રીડિંગ ગેલ’ 1898માં પ્રસિદ્ધ થઈ. એની લીટીએ લીટી એમની સંવેદનશીલતાની સાખ પૂરે છે. જિંદગીનાં અંતિમ ત્રણ વર્ષો પૅરિસમાં ગુજારી ત્યાં જ 46 વર્ષની યુવાન વયે તેઓ અવસાન પામ્યા. તેમણે જેલમાં પોતાના જીવનની ક્ષમાયાચના ‘ઍપોલૉજી’ લખી હતી, જે તેમના અવસાન બાદ 1905માં પ્રસિદ્ધ થઈ હતી.
વાઇલ્ડ ‘કલાને ખાતર કલા’ના સિદ્ધાંતમાં માનતા હતા. વૉલ્ટર પેટરના કલાવાદને વાઇલ્ડે આત્યંતિક સ્વરૂપ આપ્યું. ગદ્યમાં પણ વર્ણન-નૈપુણ્ય અને શબ્દલાલિત્ય વાઇલ્ડમાં રહેલા કવિનાં સુભગ દર્શન કરાવી જાય છે.
સમાજનું બારીક નિરીક્ષણ, માનવસ્વભાવની વિશિષ્ટતાનું અવલોકન અને બુદ્ધિચાતુર્ય એમની કૃતિઓને વિશિષ્ટ બનાવે છે. એમનાં નાટકો અવતરણો અને વક્રોક્તિઓને લીધે નોંધપાત્ર છે. હસતાં હસતાં ગંભીર વાતો અને ગંભીર રીતે હળવી વાતો કહેવાની કળા વાઇલ્ડને વરેલી હતી.
યુવાન-વયે પરદેશમાં એકાકી હાલતમાં તેમનું મૃત્યુ થયું.
આરમઇતિ દાવર