વસિષ્ઠ, સરોજ

January, 2005

વસિષ્ઠ, સરોજ (જ. 17 નવેમ્બર 1932, જલંધર, પંજાબ) : હિંદી લેખિકા અને અનુવાદક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી તથા ફ્રેન્ચ અને જાપાનીમાં ડિપ્લોમા મેળવ્યાં. તેઓ દૂરદર્શનનાં અનુવાદક, ઉદ્ઘોષક તરીકે સેવાનિવૃત્ત થયાં. 1964-89 દરમિયાન તેઓ દૂરદર્શનમાં ઉદ્ઘોષક, નાટ્યકલાકાર અને અનુવાદક; યુનિસેફ, આગાખાન ફાઉન્ડેશન, આઈએનએફએ વગેરેનાં અનુવાદક; 1975-77 સુધી લેખિકા સંઘનાં જનસંપર્ક અધિકારી; એસ. એલ. ડબ્લ્યૂ. એ. કાલાકરમ, તિહાર જેલ, નવી દિલ્હી અને કૈથુ જેલ સિમલાનાં જનરલ સેક્રેટરી. કલા-સાહિત્ય અને રંગભૂમિ-ક્ષેત્રે પ્રૉજેક્ટ કર્યો તથા અનેક સામાજિક સેવા ચળવળો સાથે સંકળાયેલાં રહ્યાં છે. 1991-92 દરમિયાન સાહિત્ય-કલા પરિષદનાં રંગભૂમિ મૂલ્યાંકનકાર પણ રહ્યાં હતાં.

તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં હિંદીમાં ‘અપને અપને કારાવાસ’ (1982) વાર્તાસંગ્રહ, ‘મૈં હૂં ના’ (1996) નવલકથા, ‘હજાર સારસ’ (1992, 1994) યાસુનારી કાવાબાતાની કૃતિનો અનુવાદ અને ‘તિહાર જેલ મેં ઐસે જૈસે કુછ હુઆ હીં નહીં’ જેલજીવન પરની કૃતિ ઉલ્લેખનીય છે.

અંગ્રેજીમાં તેમના ગ્રંથોમાં ‘હૂ વૉક્સ વિથ મી ?’ (1982) અને ‘સિંગ મિ નો સૉંગ્ઝ’ (1982), બંને (હિંદીમાંથી અનૂદિત નવલકથાઓ) તેમજ ‘રોશોમન ઍન્ડ અધર સ્ટોરિઝ’ (1996) અનુવાદનો સમાવેશ થાય છે. હાલ તેઓ ‘લૉગોસ’ નામક ભાષાંતર કાર્યાલયનું સંચાલન કરે છે.

આ માટે તેમને વિજય ગુજરાલ ફાઉન્ડેશન તરફથી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા