વલ્લીઅપ્પા, આલા (જ. 1922, રૉયવરમ, જિ. પુડુક્કોટ્ટાઈ, તામિલનાડુ; અ. 1989) : તમિળ કવિ અને લેખક. તેમનું પૂરું નામ અલગપ્પા વલ્લીઅપ્પા હતું. તેમણે 40 વર્ષ સુધી બૅંક અધિકારી તરીકે સેવા આપી. યુવાનવયે તેમને ગાંધીવાદી વિચારસરણી અને વિવેકાનંદના તત્વજ્ઞાનનો પરિચય થયો. તેઓ સુબ્રહ્મણ્ય ભારતી અને દેસિકા વિનાયકમ્ પિલ્લઈનાં કાવ્યોથી પ્રભાવિત થયા. વિદ્યાર્થી-અવસ્થાથી જ તેમણે બાળકોનો નિર્દોષ આનંદ અને કુદરતી સૌંદર્ય પર કાવ્યરચના કરવા માંડેલી. બાળકો માટેનાં લખાણોના યુદ્ધોત્તર પુનરુત્થાનમાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો અને તેને લીધે તેઓ ‘કુળન્ડાઈ કવિગ્નર’ બાળકોના કવિ તરીકે ખ્યાતિ પામ્યા.
1950માં તેમણે બાળકો માટેના લેખકમંડળની ‘કુળન્ડાઈ એળુતલર સંગમ’ નામે સ્થાપના કરી. બાળદિને વાર્ષિક પુસ્તક-પ્રદર્શન અને પાછળથી બાળદિન અંગેનાં પુસ્તકોના વાર્ષિક લોકપ્રકાશન માટે તેઓ જવાબદાર હતા. તેમના પ્રયત્નો દ્વારા 1958થી બાળદિનના સાર્વજનિક ઉત્સવ પ્રસંગે જુદા જુદા લેખકો દ્વારા લખાયેલ અને જુદા જુદા પ્રકાશકોએ પ્રગટ કરેલાં પુસ્તકોનું વિમોચન કરવાની પ્રથા શરૂ થઈ.
તેમનાં 1,000 જેટલાં કાવ્યો અને જોડકણાં ‘માલારમ્ ઉલ્લમ્’ (બે ભાગમાં 1954 અને 1963); ‘સિરિક્કમ્ પુક્કલ’ (ગીતો-ઊર્મિકાવ્યોનો સંગ્રહ, 1986) જેવા અનેક ગ્રંથોમાં પ્રગટ થયાં છે. ‘પેટ્ટિલે ગાંધી કથાઈ’ (1969), તેમનું ગાંધીજીના જીવનની ઝાંખી કરાવતું કુશળ કથનાત્મક કાવ્ય છે; તો આઝાદીની કથાનું નિરૂપણ કરતાં ‘એઓસોપ કથાઈ પડલ’ અને ‘સુતાન્તિરમ્ પિરાન્ડા કથાઈ’ પણ કાવ્યોના સંગ્રહો છે. હકીકતની સ્પષ્ટતા અને સચોટતાને લીધે તેમના ‘પરિયોર વળવિલે’ (‘ઇન ધ લાઇવ્ઝ ઑવ્ ધ ગ્રેટ’), ‘ચિન્તમ ચિરુ વયડિલ’, ‘પિલ્લઇ પિરયન્તિલે’, ‘બર્મા રામાણી’ અને ‘નીલમાલા’ જેવા ચરિત્રગ્રંથો લોકપ્રિય બન્યા છે. તેમની કેટલીક વાર્તાઓ અને કાવ્યો અંગ્રેજી અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં અનૂદિત કરાયાં છે. ધ નૅશનલ બુક ટ્રસ્ટે તેમને તેમની બાળકોનાં પુસ્તકોની શ્રેણીઓ માટે દક્ષિણ ભારતીય નદીઓ વિશે પુસ્તક તૈયાર કરવા પ્રેર્યા.
તેમણે 1951-54 દરમિયાન ‘પૂન્ચોલાઈ’ અને 1982-89 સુધી ‘ગોકુલમ્’નું સંપાદન સંભાળ્યું અને યુવાલેખકો કવિઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. બાળસાહિત્યમાં તેમણે માત્ર નૈતિક બોધ ઉપરાંત સારું મનોરંજન અને વ્યક્તિગત અનુભવ-સામગ્રી પીરસી. 1957-62 દરમિયાન તેમને ધ સધર્ન લૅંગ્વેજિઝ બુક ટ્રસ્ટે દક્ષિણ ભારતની ભાષાઓમાં બાળસાહિત્યને પ્રોત્સાહન આપવા ફૉર્ડ ફાઉન્ડેશન દ્વારા પુરસ્કૃત એમના ખાસ અધિકારી તરીકે પ્રતિનિયુક્ત કર્યા.
તેમના 8 ગ્રંથોને રાજ્યકક્ષાના તથા રાષ્ટ્રીય કક્ષાના ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. તેમનાં મદ્રાસ યુનિવર્સિટી ખાતે આપેલાં કલ્કી દેણગી પ્રવચનો (1979) તમિળમાં બાળસાહિત્યની મોજણી અંગેનો સંદર્ભગ્રંથ બની રહ્યો છે.
બળદેવભાઈ કનીજિયા