વર્મા, સત્યેન્દ્ર

January, 2005

વર્મા, સત્યેન્દ્ર (જ. 15 ઑક્ટોબર 1941, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ, નવી દિલ્હીમાં રીડર(માનવવિદ્યા)-પદેથી સેવાનિવૃત્ત થયા. 1965-69 દરમિયાન તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદના સંપાદક અને 15 વર્ષ સુધી નૅશનલ પ્રાઇઝ કૉમ્પિટિશન ફૉર ચિલ્ડ્રન્સ રાઇટર્સના કન્વીનર રહ્યા.

તેમણે હિંદીમાં 5 ઉલ્લેખનીય ગ્રંથો આપ્યા છે; જેમ કે, ‘મનોરંજક કથાયેં; ‘બાલ કથાયેં’  બંને બાલસાહિત્ય છે. ‘માધવાનલ નાટક’ (નાટ્યસંગ્રહ); ‘માનક અંગ્રેજી-હિંદી શબ્દકોશ’ (હિંદી સાહિત્ય સંમેલન માટે સંપાદિત શબ્દકોશ). તેમણે નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ માટે પાઠ્યપુસ્તકોની બાલભારતી શ્રેણીનું સંપાદન કર્યું હતું.

તેમને સાહિત્ય કલા ભારતી, નવી દિલ્હી તથા નાગરી બાલસાહિત્ય સંસ્થાન બલ્લિયા તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા