વર્મા, પવન કે. (જ. 5 નવેમ્બર 1953, નાગપુર, મહારાષ્ટ્ર) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. (ઓનર્સ) અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર, ન્યૂયૉર્કમાં ભારતીય કાયમી મિશનમાં; મૉસ્કોમાં જવાહરલાલ નહેરુ કલ્ચરલ સેન્ટર, ભારતીય એલચી કચેરીના નિયામક તરીકે ભારતના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી તરીકે સેવા આપી છે. હાલ તેઓ ભારત સરકારના વિદેશી બાબતોના મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવે છે.
તેમની માતૃભાષા હિંદી હોવા છતાં તેમણે અંગ્રેજીમાં 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગાલિબ : ધ મૅન, ધ ટાઇમ’ (1989) ચરિત્રગ્રંથ છે. ‘મૅન્શન્સ ઍટ ડસ્ક : ધ હવેલીઝ ઑવ્ ઑલ્ડ દિલ્હી’ (1991) ઐતિહાસિક કૃતિ છે. ‘ક્રિશ્ર્ન ધ પ્લેફુલ ડિવાઇન’ (1993) પૌરાણિક કૃતિ છે. જ્યારે ‘યુધિષ્ઠિર ઍન્ડ દ્રૌપદી’ (1996) મહાકાવ્ય છે. ‘ગ્રેટ ઇન્ડિયન મિડલ ક્લાસ’ (1998) નામક દિલ્હી પરનો સમાજવિદ્યા-વિષયક અભ્યાસગ્રંથ તેમણે રઘુરાય સાથે રહી રચ્યો છે.
બળદેવભાઈ કનીજિયા