વર્બિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બેન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી; ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – લેમિએલીસ (Lamiales), કુળ – વર્બિનેસી.
આ કુળનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. વર્બિનાની કેટલીક જાતિઓ ઠંડા પ્રદેશમાં પણ થાય છે. આ કુળમાં આશરે 98 પ્રજાતિઓ અને 2,614 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાઇટેક્સ (269 જાતિઓ), ક્લેરોડેન્ડ્રમ (383 જાતિઓ), વર્બિના (231 જાતિઓ) અને લેન્ટેના (155 જાતિઓ) તેની મુખ્ય પ્રજાતિઓ છે. નગોડ (Vitex negundo), કડવી મેંદી (Clerodendrum inerme), અરણી (C. multiflorum), ઇન્દ્રધનુ કે ગંધાતુ (Lantana camara), સાગ (Tectona grandis), દમયંતી (Duranta repens) વગેરે ગુજરાતમાં મળી આવતી જાણીતી જાતિઓ છે.
આ કુળની વનસ્પતિઓ શાકીય, ક્ષુપ, વૃક્ષ કે કેટલીક વાર લતા-સ્વરૂપે મળી આવે છે. તેનું પ્રકાંડ ચોરસ હોય છે. પર્ણો મોટેભાગે સાદાં, ક્યારેક પાણિવત્ (palmate) કે પિચ્છાકાર (pinnate) સંયુક્ત, સંમુખ કે ભ્રમિરૂપ (whorled) અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પુષ્પવિન્યાસ દ્વિશાખી (biparous) પરિમિત (cyme) પ્રકારનો જોવા મળે છે. પુષ્પ અનિયમિત, ક્વચિત્ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી (hypogynous), મોટાભાગે પંચાવયવી (pentamerous) [ફાઇસોપ્સિસ પ્રજાતિમાં ચતુર્વયવી (tetramerous)] અને નિપત્રી (bracteate) હોય છે. કેટલીક જાતિઓમાં નિપત્રિકાઓ(bracteoles)ની હાજરી હોય છે.
વજ્ર 5 વજ્રપત્રોનું બનેલું, યુક્ત હોય છે અને ધારાસ્પર્શી (valvate) કલિકાન્તરવિન્યાસ (aestivation) ધરાવે છે. દલપુંજ 5 અસમાન દલપત્રોનો બનેલો, યુક્ત અને દ્વિઓષ્ઠી (bilipped) હોય છે અને પંચકી (quincuncial) કે કોરછાદી (imbricate) કે કલિકાન્તરવિન્યાસ ધરાવે છે. પુંકેસરચક્ર મોટેભાગે 4 પુંકેસરોનું બનેલું હોય છે. પુંકેસરો દલલગ્ન (epipetalous) અને દલપત્રો સાથે એકાંતરિક અને દ્વિદીર્ઘક (didynamous) હોય છે. સાગમાં 5 પુંકેસરો હોય છે. ઑક્ઝેરામાં બે ફળાઉ અને ત્રણ વંધ્ય પુંકેસરો હોય છે. પરાગાશય દ્વિખંડી જોવા મળે છે. સ્ત્રીકેસરચક્ર બે યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ હોય છે. તે ચતુષ્કોટરીય કે દ્વિકોટરીય હોય છે અને અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ ધરાવે છે. ચતુષ્કોટરીય બીજાશયના પ્રત્યેક કોટરમાં એક અંડક હોય છે; જ્યારે દ્વિકોટરીય બીજાશયના પ્રત્યેક કોટરમાં બે અંડકો હોય છે. બીજાશયમાં ક્વચિત્ એકકોટરીય ચર્મવર્તી (parietal) જરાયુવિન્યાસ જોવા મળે છે. પરાગવાહિની સાદી અને પરાગાસન સમુંડ (capitate) કે દ્વિશાખી હોય છે. ફળ સામાન્યત: અષ્ઠિલ (drupe) કે કેટલીક જાતિઓમાં વેશ્મસ્ફોટક (schizocarpic) પ્રકારનું હોય છે.
સાગ તેના બહુમૂલ્ય કાષ્ઠને લીધે પ્રખ્યાત છે. નગોડ, કડવી મેંદી, અરણી અને જલપિપ્પલી ઔષધીય વનસ્પતિઓ છે. દમયંતી અને વર્બિના જેવી જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. ઇન્દ્રધનુ મૂળભૂત રીતે વિદેશી જાતિ છે; છતાં ભારતમાં હવે પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ‘અપતૃણ’ (weed) તરીકે વર્તવા લાગી છે. આબુ પર્વતનાં જંગલોમાં તેના ઉપદ્રવને કારણે ત્યાંની કુદરતી જાતિઓના અસ્તિત્વનો ભય ઊભો થયો છે.
મીનુ પરબીઆ, દિનાઝ પરબીઆ