વજાહત, અસ્ઘર (જ. 5 જુલાઈ 1946, ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી નાટ્યકાર અને કથાસાહિત્યના લેખક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ. એ. અને તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે નવી દિલ્હીની  જામિયા મિલિયા ઇસ્માલિયા અને જે. એન. યુનિવર્સિટીમાં હિંદીના સહાયક પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. 1980-83 દરમિયાન જે. એન. યુનિવર્સિટી ખાતે અનુ.-ડૉક્ટરલ રિસર્ચ કર્યું, પછી 1990-92 દરમિયાન તેઓ દિલ્હી હિંદી અકાદમીના સંચાલક મંડળ તથા કારોબારી સમિતિના સભ્ય રહ્યા. વળી તેમણે હંગેરીમાં બુડાપેસ્ટ ખાતે ઇઓટ્વોસ લોરન્ડ યુનિવર્સિટીમાં સહાયક પ્રાધ્યાપક (મુલાકાતી) તરીકે ફરજ બજાવી.

તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દિલ્લી પહુંચના હૈ’ (1981); ‘સ્વિમિંગ પૂલ’ (1991); ‘સબ કહા કુછ’ (1996) તેમના વાર્તાસંગ્રહો છે. ‘ઇન્ના કી આવાઝ’ (1986); ‘વીરગતિ’ (1988); ‘સબ સે સસ્તા ગોસ્ટ’ (1990)  તે ત્રણેય તેમના ઉલ્લેખનીય નાટ્યસંગ્રહો છે અને ‘પહર દોપહર’ (1994); ‘સાત આસમાન’ (1995) બંને તેમની નવલકથાઓ છે.

તેમણે અનેક હિંદી કાવ્યો અંગ્રેજીમાં અનૂદિત કર્યાં છે. વળી ઉર્દૂમાંથી કથાસાહિત્ય હિંદીમાં અનૂદિત કર્યું છે. તેમની વાર્તાઓ ઘણી ભારતીય તેમજ વિદેશી ભાષાઓમાં અનૂદિત કરાઈ છે. તેમણે ફિચર ફિલ્મો માટેની કથાઓ પણ લખી તેમજ ટીવી શ્રેણીઓ અને દસ્તાવેજી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે.

તેમના સર્જનાત્મક લખાણ બદલ તેમને 1978માં સંસ્કૃતિ ઍવૉર્ડ અને 1992માં કૉમ્યુનલ હાર્મની ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા