લૉસેન (Lausanne) : પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40°36´ ઉ. અ. અને 6°40´ પૂ. રે.. તે જિનીવા સરોવરને ઉત્તર કાંઠે વસેલું છે. આ શહેરને વૌદ (Vaud) રાજ્યના પાટનગર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. વિશેષે કરીને આ શહેર અહીંના વિસ્તારનું મુખ્ય પ્રવાસી મથક હોવા ઉપરાંત વાણિજ્ય અને ઔદ્યોગિક કેન્દ્ર પણ છે.

લૉસેન પહાડોના ઊંચાણ-નીચાણવાળા ભાગોમાં વસેલું હોવાથી તેના માર્ગો ઉગ્ર ઢોળાવવાળા છે. કેટલીક ટેકરીઓ તો મોટા પુલો મારફતે અન્યોન્ય જોડાયેલી છે. લૉસેનની ઓળખ માટેનાં વિશિષ્ટ ભૂમિચિહ્નો તરીકે એક મધ્યકાલીન કિલ્લાની તેમજ સુંદર કોતરણી અને રંગોથી સજાવેલી કાચની બારીઓવાળા ગૉથિક શૈલીના મધ્યકાલીન કથીડ્રલની ગણના થાય છે. અહીંના ઉદ્યોગોમાં પ્રિન્ટિંગ, કાષ્ઠકામ, રસાયણો, ધાતુપેદાશો અને રેડિયોઘરનો સમાવેશ થાય છે.

આજે જ્યાં લૉસેન છે ત્યાં ઈ. પૂ. 50ના અરસામાં રોમન સૈનિકોએ એક વસાહત સ્થાપેલી. સ્વિટ્ઝર્લૅન્ડના બર્ન શહેરે 1536માં લૉસેન અને વૌદના બાકીના ભાગને જીતી લીધેલાં. અઢારમી સદીના અંતિમ ગાળામાં વૌદ સ્વતંત્ર થયું. 1803માં તે સ્વિસ સમવાય તંત્ર તરીકે ઓળખાતાં સ્વિસ રાજ્યોના સંઘમાં જોડાયું છે. વસ્તી : 1999માં શહેરની 1,45,500 અને મહાનગરની 2,88,100 હતી.

જાહનવી ભટ્ટ