લૉશબર્ગ બોગદું (Lotschberg Tunnel)
January, 2005
લૉશબર્ગ બોગદું (Lotschberg Tunnel) : દક્ષિણ-મધ્ય સ્વિટ્ઝર્લૅન્ડના બર્નેસ આલ્પ્સના પર્વતની આરપાર જંગફ્રૉથી પશ્ચિમે પસાર થતું રેલ-બોગદું. ભૌગોલિક સ્થાન : 46° 25´ ઉ. અ. અને 7° 45´ પૂ.રે.. 14.6 કિમી. લાંબું 1200 મીટરની ઊંચાઈએ બનાવેલું આ બોગદું 1913માં ખુલ્લું મૂકવામાં આવેલું. 1906થી 1911 દરમિયાન આશરે 4.5 વર્ષ તેનું નિર્માણકાર્ય ચાલેલું, તેમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થયેલી અને અકસ્માતો થયેલા, બોગદાનો થોડોક ભાગ તૂટી પડેલો અને તેમાં 24 જેટલા શ્રમિકો મૃત્યુ પામેલા. સ્પાઇઝ અને બ્રિગને સાંકળતા 74 કિમી. લાંબા સ્વિસ લૉશબર્ગ રેલમાર્ગનો તે એક ભાગ છે. તેનું ઉત્તર પ્રવેશદ્વાર કંદરસ્તેગ નજીક અને દક્ષિણ પ્રવેશદ્વાર ગોપનસ્ટાઇન નજીક આવેલું છે. કંદરસ્તેગના પ્રવેશદ્વારે ટ્રેન પહોંચે તે અગાઉ ઘણા પુલ તથા નાળાં તેમજ 38 જેટલાં અન્ય બોગદાં પસાર કરે છે. ગોપનસ્ટાઇન ખાતેથી બહાર નીકળ્યા બાદ તે રહોન ખીણમાં નીચે તરફ ઊતરે છે; અહીંથી તે ઉત્તર ઇટાલી તરફ જાય ત્યારે તે સિમ્પ્લોન બોગદાને સાંકળે છે. યુરોપિયન રેલમાર્ગમાં આ બોગદાનું મહત્વ અંકાય છે.
ગિરીશભાઈ પંડ્યા