લૉરેલ, સ્ટૅન (જ. 16 જૂન 1890, અલ્વર્સ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 23 ફેબ્રુઆરી 1965) : અભિનેતા, નિર્માતા, પટકથાલેખક. મૂળ નામ : આર્થર સ્ટૅનલી જેફરસન. હૉલિવુડનાં ચિત્રોમાં દંતકથારૂપ બની ગયેલા હાસ્ય-અભિનેતા સ્ટૅન લૉરેલની જોડી ઑલિવર હાર્ડી સાથે હતી. આ બંને અભિનેતાઓ વર્ષો સુધી અનેક ચિત્રોમાં કામ કરી પ્રેક્ષકોને હસાવતા રહ્યા હતા. સ્ટૅન લૉરેલનાં માતા-પિતા પણ બ્રિટિશ રંગભૂમિનાં કલાકારો હતાં.
1912માં અમેરિકા જઈને ચાર્લી ચૅપ્લિન સાથે કામ શરૂ કરતા પહેલાં લૉરેલે 16 વર્ષની ઉંમરે બ્રિટનમાં જ રંગભૂમિ પર કામ શરૂ કરી દીધું હતું. નાટકોમાં નાની નાની વિવિધ ભૂમિકાઓ ઉપરાંત કૉમેડિયનની ભૂમિકા તેમને મળતી. 1917માં મૂક ચિત્રોમાં તેમણે કામ શરૂ કર્યું એ પહેલા પોતાનું નામ બદલીને સ્ટૅન લૉરેલ રાખ્યું હતું; પણ પહેલી વાર નોંધપાત્ર સફળતા 1917માં બે રીલની એક લઘુ કૉમેડી ‘લકી ડૉગ’માં મળી હતી. આ લઘુચિત્રમાં અનાયાસ જ તેમણે ઑલિવર હાર્ડી સાથે કામ કર્યું હતું. જોકે આ ચિત્રમાં હાર્ડીની માત્ર નાનકડી ભૂમિકા જ હતી, જ્યારે લૉરેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એ પછી બંને જણાએ છેક 1926માં ફરી એક વાર સાથે કામ કર્યું હતું. એ પહેલાં લૉરેલે કેટલાંક ચિત્રોમાં કૉમેડિયનની ભૂમિકાઓ ભજવી હતી. ચિત્રોમાં મોટા ભાગે તેમનો પહેરવેશ વિદૂષક જેવો રહેતો. આમાંનાં કેટલાંક ચિત્રોમાં પોતાનું પાત્રાલેખન તથા પ્રસંગો તેઓ જાતે જ લખતા. અંતે 1926માં તેમણે હૉલ રૉચ સાથે એક કરાર કર્યો અને પછી જે ચિત્રનું નિર્માણ થયું એમાં તેમણે ઑલિવર હાર્ડી સાથે કામ કર્યું. એ વખતે આ બંને કલાકારોએ પહેલી વાર નોંધ્યું કે પડદા પર એકસાથે તેમની જોડી હાસ્ય નિષ્પન્ન કરવામાં વધુ સફળ છે. એ પછી બંનેએ સાથે જ કામ કરવાનો નિર્ણય કર્યો અને તેમની જોડી અત્યંત સફળ હાસ્ય-અભિનેતાઓ તરીકે ઇતિહાસમાં સ્થાન પામી ગઈ. એક જાડો અને એક દૂબળો એવા આ કૉમેડિયનોની જોડીને ચમકાવતા ત્રણ રીલના લઘુચિત્ર ‘ધ મ્યૂઝિક બૉક્સ’(1932)ને શ્રેષ્ઠ લઘુચિત્રનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો. લૉરેલ આ બંનેમાં વધુ સર્જનાત્મક હતા. નિર્માતા હૉલ રૉચ સાથે મળીને તેમણે ઘણાં ચિત્રોનું નિર્માણ પણ કર્યું. 1957માં હાર્ડીનું અવસાન થતાં આ જોડી ખંડિત થઈ હતી. એ પછી લૉરેલે પણ ચિત્રોમાં અભિનય કરવાનું છોડી દીધું હતું. જોકે 1965માં તેમનું અવસાન થયું ત્યાં સુધી ચલચિત્રો માટે પટકથા લખવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. 1960માં તેમને ચલચિત્રોમાં કૉમેડીના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ખાસ ઑસ્કર ઍવૉર્ડ એનાયત કરાયો હતો.
નોંધપાત્ર ચિત્રો : ‘અ લકી ડૉગ’ (1917), ‘45 મિનિટ્સ ફ્રૉમ હૉલિવુડ’ (1926), ‘ડૂ ડિટેક્ટિવ્ઝ થિંક ?’ (1927), ‘શુડ મૅરિડ મૅન ગો હોમ ?’ (1928), ‘બર્થ માર્કસ’ (1929), ‘ધ લૉરેલ-હાર્ડી મર્ડર કેસ’ (1930), ‘ચિકન્સ કમ હોમ’, ‘પાર્ડન અસ’ (1931), ‘ધ મ્યૂઝિક બૉક્સ’, ‘પૅક અપ યૉર ટ્રબલ્સ’ (1932), ‘બોહીમિયન ગર્લ્સ’ (1936), ‘વે આઉટ વેસ્ટ’ (1937), ‘સ્વિલ મિસ’ (1938), ‘એ ચમ્પ ઍટ ઑક્સફર્ડ’ (1940), ‘ગ્રેટ ગન્સ’ (1941), ‘ધ ડાન્સિંગ માસ્ટર્સ’ (1943), ‘ધ બિગ નૉઇઝ’ (1944), ‘ધ બુલ ફાઇટર્સ’ (1945), ‘ધ ગોલ્ડન એજ ઑવ્ કૉમેડી’ (1957), ‘વ્હેન કૉમેડી વૉઝ કિંગ’ (1960), ‘ધ ફર્ધર પેરિલ ઑવ્ લૉરેલ ઍન્ડ હાર્ડી’ (1968), ‘ફૉર ક્લાઉન્સ’ (1970),
હરસુખ થાનકી