લૉરેન્ટાઇડ હિમચાદર : પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન અસ્તિત્વ ધરાવતું મુખ્ય હિમઆવરણ. આ હિમપટ વર્તમાન પૂર્વે 25 લાખ વર્ષ અગાઉ શરૂ થયેલો અને વર્તમાન પૂર્વે 10,000 વર્ષ અગાઉ પૂરો થયેલો. તેના મહત્તમ વિસ્તૃતિકાળ વખતે તે દક્ષિણ તરફ 37° ઉ. અ. સુધી ફેલાયેલો અને તેણે 1.3 કરોડ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લીધેલો. અમુક ભાગોમાં તેના થરની જાડાઈ 1,500 (કે તેથી વધુ) મીટર જેટલી થયેલી. આ હિમપટ લૅબ્રાડૉર-ઉંગાવા ઉચ્ચપ્રદેશ પરથી તેમજ કૅનેડાના આર્ક્ટિક ટાપુઓ પરના પર્વતો પરથી શરૂ થયેલો. જેમ જેમ તેનો વિસ્તાર વધતો ગયો તેમ તેમ તેમાં પૂર્વ કૅનેડામાંની તથા ઈશાન યુનાઇટેડ સ્ટેટ્સની ઉચ્ચભૂમિમાં તૈયાર થયેલાં બીજાં હિમાવરણો પણ ભળતાં ગયેલાં – એ રીતે તેનો વિશાળ વિસ્તાર રચાયેલો.
ગિરીશભાઈ પંડ્યા