લૉરેન્ઝેતી, પિયેત્રો

January, 2005

લૉરેન્ઝેતી, પિયેત્રો (જ. આશરે 1290પછી, સિયેના ?, ઇટાલી; અ. આશરે 1349, સિયેના, ઇટાલી) (કાર્યશીલ સમય 1306થી 1345) : સિયેનીઝ શાખાનો ગૉથિક ચિત્રકાર. એ ડુચિયોનો શિષ્ય હતો તેવું આજે માનવામાં આવે છે; કારણ કે ડુચિયોની માફક તેનાં ચિત્રોમાં પણ લાવણ્યમય રેખાઓ જોવા મળે છે. એના જીવન અંગેની જૂજ માહિતી મળે છે.

પિયેત્રો લૉરેન્ઝેતીએ ચીતરેલું ચિત્ર : બર્થ ઑવ્ ધ વર્જિન

ઍરેત્ઝો ખાતે આવેલા સાન્તા મારિયા કથીડ્રલમાં વેદી પરનું ભીંતચિત્ર લૉરેન્ઝેતીની મળી આવેલી પહેલી કૃતિ છે. તે 1320માં ચિત્રિત થઈ હોવાનું મનાય છે. ત્રણ ચિત્રખંડોમાં વહેંચાયેલા એ ચિત્રનો વચ્ચેનો ‘મેડૉના ઍન્ડ ચાઇલ્ડ’ નામનો ખંડ ડુચિયોથી અલગ પડી જાય છે. તેમાં માતા મેડૉનાને ડુચિયોના ચિત્રમાં છે તેમ અક્કડ દૈવી આકૃતિના રૂપમાં નહિ, પણ પાર્થિવ, માનવીય હૂંફ ધરાવતી મહિલાના રૂપમાં ચીતરવામાં આવી છે અને મોં પર લુચ્ચા સ્મિત સાથે તે બાળ ક્રાઇસ્ટને આંગળીઓ વડે ગલીપચી  કરતી બતાવવામાં આવી છે. પ્રકાશ અને છાયાના આલેખન વડે આ બંને આકૃતિઓને આભાસી ત્રિપરિમાણ મળે છે. તેમ છતાં તેમાં ગૉથિક ચિત્રકારો સિમોની માર્તિની અને જિયોવાની પિઝાનોનો પ્રભાવ  પણ સ્પષ્ટ છે.

1330થી 1340 દરમિયાન આસિસી ખાતે સેંટ ફ્રાન્સેસ્કો ચર્ચમાં પણ લૉરેન્ઝેતીએ ભીંતચિત્રો ચીતર્યાં. તેમાં જ્યોત્તોની માફક કંડારેલી હોય તેવી દેખાતી કપડાંની ગડીઓ અને કરચલીઓ જોવા મળે છે. પણ આ ભીંતચિત્રોમાં ‘લાસ્ટ સપર’માં લૉરેન્ઝેતી જ્યોત્તોના ‘લાસ્ટ સપર’ને અનુસરતો નથી; સ્પષ્ટતા અને સ્થળસમયની એકવાક્યતાને સ્થાને લૉરેન્ઝેતી સ્વપ્નિલ દૃશ્ય રજૂ કરે છે. એણે સિયેનાના કથીડ્રલ સેંટ ફ્રાન્ચેસ્કો અને કૉર્તોનાના મ્યુઝિયો ડાયોસેસારોમાં ક્રૂસારોહણ દર્શાવતાં ‘ક્રૂસિફિકેશન્સ’ ચીતર્યાં. તેમાં જ્યોત્તો જેવી જ શિલ્પાભાસી આકૃતિઓ અને બારીક વિગતોનું આલેખન જોવા મળે છે.

લૉરેન્ઝેતીનો માસ્ટરપીસ ‘બર્થ ઑવ્ વર્જિન’ (1342) ગણાય છે. તે  ત્રણ ચિત્રોનો સમૂહ (triptych) છે અને સિયેના ખાતેના મ્યુઝિયો દેલોપેરા દેલ દુઓમામાં સચવાયો છે. તેમાં પરિપ્રેક્ષ્યનું આલેખન સૌથી વધુ નોંધપાત્ર લક્ષણ બની રહે છે. અવકાશમાં ગોઠવવામાં આવેલી  આકૃતિઓ પણ તુરત જ ધ્યાન ખેંચે છે. એ સમયમાં આ ચિત્ર પરિપ્રેક્ષ્યનું સૌથી વધુ પરિષ્કૃત અને વિકસિત આલેખન ધરાવે છે. વળી, ત્રણ કમાન ધરાવતી ચિત્રની ફ્રેમ ચિત્રનો જ અંતર્ગત ભાગ બની રહે છે. ત્રણ કમાનને કારણે પરિણમતા બે થાંભલામાંથી એક થાંભલા પાછળ એક માનવાકૃતિને અડધી ઢાંકી દઈને લૉરેન્ઝેતીએ અદભુત સાતત્ય સિદ્ધ કર્યું છે.

અમિતાભ મડિયા