ઉત્પાદન (અર્થશાસ્ત્ર) : પ્રકૃતિએ બક્ષેલા પદાર્થોમાં માનવજરૂરિયાત સંતોષી શકે તેવા તુષ્ટિગુણનું સંવર્ધન કરવાની પ્રક્રિયા. ઉત્પાદન દ્વારા કોઈ નવી વસ્તુનું સર્જન થતું કે થઈ શકતું નથી. વૈજ્ઞાનિક ર્દષ્ટિએ વિચારીએ તો માનવ ન તો કોઈ નવી વસ્તુનું સર્જન કરી શકે છે, ન તો કોઈ વસ્તુનો નાશ કરવાની શક્તિ ધરાવે છે.
અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ માત્ર તુષ્ટિગુણના સર્જનને ઉત્પાદન કહી શકાય નહીં. જે પ્રકારના તુષ્ટિગુણની માંગ બજારમાં હોય અને તે કારણે જે વિનિમયમૂલ્ય ધરાવે તેવા તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયા એટલે ઉત્પાદન. એ ર્દષ્ટિએ ઉત્પાદન એટલે વિનિમયમૂલ્ય ધરાવતી સંપત્તિનું સર્જન.
તુષ્ટિગુણનું સર્જન મુખ્યત્વે ચાર રીતે થઈ શકે છે : (1) સ્વરૂપાંતર દ્વારા. દા. ત., દરજી કાપડમાંથી કપડાં સીવે, સુથાર લાકડામાંથી ખુરશી-ટેબલ બનાવે, લુહાર લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે, સોની સોનામાંથી ઘરેણાં બનાવે વગેરે. (2) સમયાંતર દ્વારા તુષ્ટિગુણનું સર્જન; દા. ત., યોગ્ય સમય સુધી કોઈ વસ્તુનો માત્ર સંગ્રહ કરી રાખવો અને યથાસમય તેનું વેચાણ કરવું. યથાસમય એટલે ચીજના ગ્રાહકને તેની જરૂર પડે તે સમય. આ બાબત સમયાંતર દ્વારા તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયા સૂચવે છે. (3) સ્થળાંતર દ્વારા તુષ્ટિગુણનું સર્જન; દા. ત., ખાણમાંથી કારખાનાંઓને કોલસા પૂરા પાડવા, કાપડનાં કારખાનાંઓને ખેતરમાંથી રૂ અથવા અન્ય વસ્તુઓ પૂરી પાડવી, છતવાળા વિસ્તારોમાંથી અછતવાળા વિસ્તારોમાં વસ્તુઓની હેરફેર કરવી વગેરે. (4) માલિકીના હસ્તાંતરણ દ્વારા તુષ્ટિગુણનું સર્જન; દા. ત., અભ્યાસક્રમનાં પુસ્તકો કે શિક્ષણનાં અન્ય સાધનો જરૂરિયાત ન ધરાવતી વ્યક્તિઓ જરૂરિયાત ધરાવતી વ્યક્તિઓને વેચે ત્યારે તુષ્ટિગુણનું સર્જન – ઉત્પાદન થયું તેમ કહેવાય.
વ્યક્ત (explicit) અને અવ્યક્ત (implicit) ખર્ચ : હિસાબનીશ માત્ર એવા ખર્ચને જ ગણતરીમાં લે છે, જેમાં ઉત્પાદનનાં સાધનો તથા નિક્ષેપોની ખરીદી પેટે ચુકવણી કરેલી હોય છે; દા. ત., નિયોજક કાચા માલની કિંમત ચૂકવે, મજૂરોને તેમના શ્રમ પેટે વેતન આપે વગેરે. આ પ્રકારના ખર્ચને વ્યક્ત (explicit) અથવા હિસાબી (accounting) ખર્ચ કહે છે. અર્થશાસ્ત્રી આવા તમામ ખર્ચને તો ધ્યાનમાં લે છે જ, ઉપરાંત વિશ્લેષણની ર્દષ્ટિએ અવ્યક્ત (implicit) ખર્ચ પણ ગણતરીમાં લેવાય છે. નિયોજક પોતાનાં જે સાધનો ઉપયોગમાં લે છે, દા. ત., પોતાની માલિકીની જમીન, મૂડી, પોતાના દ્વારા અપાતી વિવિધ સેવાઓ વગેરેનું મૂલ્ય પણ ગણતરીમાં લે છે, જે અવ્યક્ત ખર્ચ ગણાય. આમ, આર્થિક ઉત્પાદનખર્ચમાં વ્યક્ત અથવા હિસાબી ખર્ચ ઉપરાંત અવ્યક્ત ખર્ચનો સમાવેશ થાય છે.
ખાનગી ખર્ચ અને સામાજિક ખર્ચ : બજારતંત્ર (market mechansim) અથવા ભાવવ્યવસ્થા(price system)માં જે ખર્ચને ગણતરીમાં લેવાય છે તે ખાનગી ખર્ચ (private cost) જ હોય છે. તેમાં સામાજિક ખર્ચ (social cost) ધ્યાનમાં લેવાતું નથી. દા. ત., ઉત્પાદનપ્રક્રિયા દરમિયાન પર્યાવરણને થતા નુકસાનનું ખર્ચ, હવાપ્રદૂષણ, પાણી-પ્રદૂષણ, અવાજ-પ્રદૂષણ વગેરેને લીધે થતા નુકસાનને અહીં ધ્યાનમાં લેવાતું નથી. આ પ્રકારના ખર્ચને સામાજિક ખર્ચ કહેવામાં આવે છે, જે નાણામાં વ્યક્ત કરી શકાતું નથી.
વાસ્તવિક ખર્ચ : ઉત્પાદનખર્ચનો આ ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના અંગરૂપ ગણી શકાય. તદનુસાર જમીન નિસર્ગદત્ત છે. માત્ર તેના ઉપયોગથી, કોઈ પણ પ્રકારના માનવપરિશ્રમ વિના જે કંઈ પ્રાપ્ત થાય તેનું ઉત્પાદનખર્ચ શૂન્ય ગણાય; પણ જમીન સાથે પરિશ્રમ કરીને જે કંઈ ઉત્પન્ન થાય તેમાં શ્રમજીવીને જાતઘસારો વેઠીને થાક, કંટાળો, વગેરે સ્વરૂપે અસંતોષ અનુભવવો પડે છે, તેને વાસ્તવિક (real) ઉત્પાદનખર્ચ કહે છે.
વૈકલ્પિક ખર્ચ : ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલો આ ખ્યાલ સાચા અર્થમાં આર્થિક ખ્યાલ છે. ઉત્પાદનનાં આર્થિક સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તેમને કોઈ એક હેતુ માટે વાપરતાં અન્ય હેતુઓનો ત્યાગ કરવો પડે છે. ઉપલબ્ધ હોય તેવા ક્રમનો અન્ય બીજો શ્રેષ્ઠ વિકલ્પ (second best) જતો કરવો પડે તે ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણાય. સાધનોની અછત અને તેના વૈકલ્પિક ઉપયોગો જેવી બાબતો પર આધારિત આ ખ્યાલ આંતરિક અને આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રની સૈદ્ધાંતિક સમજૂતી આપવામાં ઉપયોગી ગણાયેલ છે. એકોપયોગી સાધનો હોય તેમજ પૂર્ણ રોજગારી અને પૂર્ણ હરીફાઈનો અભાવ હોય તે સ્થિતિમાં ઉત્પાદનખર્ચની ગણતરીમાં આ ખ્યાલની અગત્ય મર્યાદિત છે.
હસમુખરાય કેશવલાલ ત્રિવેદી
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
હર્ષદ ઠાકર