લૅસુસ, રોલાં દે (જ. આશરે 1532, મોન્સ, બેલ્જિયમ; અ. આશરે 1592 પછી, મ્યૂનિક, જર્મની) : સમગ્ર યુરોપનો સોળમી સદીના સૌથી વધુ મહાન સંગીતકાર. ‘ઑર્લાન્ડો દિ લાસો’, ઑર્લાન્ડુસ લાસુસ’ અને ‘ઑર્લાન્ડે લાસે’ નામે પણ તેઓ ઓળખાય છે. પરંતુ તેઓ જર્મન હતા તથા તેમની કારકિર્દીનો મુખ્ય હિસ્સો જર્મનીના મ્યૂનિક નગરમાં વીત્યો હોવાથી તેમનું જર્મન નામ રોલાં દે લૅસુસ સૌથી વધુ સ્વીકાર્ય બન્યું છે.
એક બાળક તરીકે તેમનો અવાજ એટલો બધો તો મીઠો અને સુરીલો હતો કે યુરોપના દરબારોનાં થિયેટરોના ભરતી-આડતિયા તેમનું બે વાર અપહરણ કરીને ઉપાડી ગયેલા અને બે વાર માબાપ એમને શોધીને પાછા લઈ આવેલા. પછી ત્રીજી વાર તેમનું અપહરણ થયું ત્યારે મા-બાપે થાકીને પુત્રની શોધખોળ કરવાનું માંડી વાળ્યું. વળી લૅસુસે સિસિલીના વાઇસરૉય ફર્નાન્ડો ગોન્ઝેગાના સંગીતવૃંદમાં નોકરી શરૂ કરી. આશરે 1550માં લૅસુસ સિસિલી છોડી મિલાન ગયા અને ત્યાં ફ્લૅમિન્ગ હર્મેન વેરેકોરેન પાસે એમણે સંગીતનો ઉચ્ચ અભ્યાસ કર્યો. બે વરસ પછી અભ્યાસ પૂરો કરીને લૅસુસ નેપલ્સના સૂબા માર્કિસ દ લા તેર્ઝાની સેવામાં સંગીતકાર તરીકે જોડાયા. અહીં તેઓ ત્રણ વરસ સુધી ટક્યા. એ પછી તેઓ ફ્લૉરેન્સ થઈ રોમ ગયા અને ટૂંકા ગાળા માટે સેંટ જૉન લૅટરેન કથીડ્રલના કોયરમાસ્ટર (ગાયકવૃંદ-સંચાલક) તરીકે નિમાયા. માબાપ ગંભીર માંદગીમાં પટકાયાં છે તેવા સમાચાર અચાનક આવતાં તેઓ ઘેર મોન્સ ગયા. ત્યાંથી ઇંગ્લૅન્ડ અને ફ્રાંસના પ્રવાસો કરી ઍન્ટવર્પમાં બે વરસ રહ્યા અને એમણે સંગીતલેખન કર્યું. એ દરમિયાન તેમણે લખેલા ઇટાલિયન મૅડ્રિગલ, ફ્રેંચ શૅન્સો (chansons) અને ગીતોનું પ્રકાશન ‘પ્રીમો લિબ્રો’ પુસ્તકરૂપે થયું. થોડા જ વખતમાં તેમણે વેનિસ જઈ પાંચ ગતો ધરાવતી મૅડ્રિગલનું પ્રકાશન પણ ત્યાંથી જ કર્યું.
1558માં બેવેરિયાના રાજા ઍલ્બ્રેખ્ટ પાંચમાના ગાયકવૃંદમાં મુખ્ય ‘ટેનોર’ (ઊંચા સપ્તકોમાં ગાનાર) તરીકે જોડાયા અને અહીં આમરણ રહ્યા. 1560માં એમણે રેગિના વેચિન્જર સાથે લગ્ન કર્યું. 1564માં તેઓ રાજાના ગાયકવૃંદના સંચાલક – કૅપલ્મીસ્ટર બન્યા. રાજા અને રાજાનો પુત્ર વિલિયમ પાંચમો તેમની શક્તિઓની પૂરી કદર કરતા રહેલા. વિલિયમ પાંચમા અને તેમની વચ્ચેના પત્રવ્યવહારથી ફલિત થાય છે કે તેઓ બંને વચ્ચે ખેલદિલ ઘનિષ્ઠ મિત્રતા હતી. ગાયકવૃંદમાં સામેલ કરવા માટે યોગ્ય વાદકો અને ગાયકોની ખોજમાં લૅસુસે વારંવાર પ્રવાસો ખેડ્યા. આ પ્રવાસો દરમિયાન લૅસુસની સાંગીતિક ક્ષિતિજો વિસ્તરતી ગઈ. આ રીતે નુરેમ્બર્ગ, ફ્રકફર્ટ, વેનિસ અને પૅરિસની મુલાકાતો તેમણે લીધેલી. વેનિસમાં તેઓ મહાન ઇટાલિયન સંગીતકાર આન્દ્રેઆ ગ્રૅબ્રિયેલીને મળ્યા. પૅરિસમાં તેઓ પ્રકાશક લે રોય ઍન્ડ બૅલેર્ડને મળ્યા. આ જ પ્રકાશકે તેમના મોટાભાગના સંગીતનું પ્રકાશન કર્યું. પૅરિસ અને ડ્રેસ્ડનના રાજાઓએ તેમને લોભામણી, લલચાવનારી દરખાસ્તો કરી, જેને ઠુકરાવીને લૅસુસ પોતાના મૂળ માલિકને વફાદાર રહ્યા.
એવ્રુ ખાતે 1575માં યોજાયેલા સંગીતઉત્સવમાં લૅસુસે રચેલા મોટેટ ‘ડૉમિનો જેસુ ક્રિસ્ટી’ને પ્રથમ ઇનામ મળ્યું. આઠ વરસ પછી ફરી આ જ સંગીત ઉત્સવમાં તેમના બીજા એક મોટેટ ‘કેન્ટાન્ટિબુસ ઑર્ગેનિસ’ને પ્રથમ ઇનામ મળ્યું. 1585માં ઇટાલીની છેલ્લી યાત્રા દરમિયાન ફેરારાના રાજા ડ્યૂક ઍલ્ફૉન્સો બીજાએ તેમનું ભવ્ય સન્માન કર્યું. જીવનનાં અંતિમ વર્ષોમાં તેઓ તીવ્ર ઉદ્વેગની મન:સ્થિતિથી પીડાયેલા.
લૅસુસનું સ્થાન સંગીતના સૌથી વધુ ફળદ્રૂપ (prolific) સર્જકોમાં છે. રાજવી ગાયકવૃંદની જવાબદારી નિભાવતાં નિભાવતાં તેમને વિપુલ સર્જન માટે સમય કેવી રીતે મળતો હશે તે કોયડો છે. 1,580 ધાર્મિક કૃતિઓ અને 800 ધર્મનિરપેક્ષ (secular) કૃતિઓ તેમણે રચી છે. પરંતુ માત્ર જથ્થાબંધ સર્જન માટે જ એ જાણીતા નથી, પૂર્વસૂરિ સંગીતકાર જોસક્વિનની માફક લૅસુસની કૃતિઓની લોકપ્રિયતા તેમના જીવતેજીવ જ સમગ્ર યુરોપમાં પ્રસરી હતી. આમ જનતા તેમને ‘ધ ડિવાઇન ઑર્લેન્ડો’, ‘બેલ્જિયન ઑર્ફિયસ’ અને ‘પ્રિન્સ ઑવ્ મ્યૂઝિક’ એવા હુલામણા નામે સંબોધતી. તત્કાલીન પોપે સર્વોચ્ચ ઇટાલિયન ખિતાબ ‘ગોલ્ડન સ્પુર’ વડે તેમને નવાજેલા.
પચીસ વરસની ઉંમરે લૅસુસે પોતીકી શૈલીમાં પ્રૌઢિ મેળવી લીધેલી. પોતાના મૅડ્રિગલમાં તેમણે ઇટાલિયન અને ફ્લૅમિશ શૈલીઓનો કર્ણપ્રિય યોગ કર્યો. ઇટાલિયન કવિઓ બોકાચિયો, સેનેઝારો, ફિયામા અને એરિયોસ્તોનાં કાવ્યોને તેમણે સંગીતમાં ઢાળ્યાં. તેમણે રચેલાં 140 શૅન્સોમાં મૅડ્રિગલના જેવા લય જોવા મળે છે. તેમાં સૂરાવલિઓ અને સ્વરસામંજસ્ય પણ અત્યંત મૌલિક છે અને તેમાં ઘણું જ વૈવિધ્ય છે. તેમાં મનોભાવોના નિરૂપણમાં પણ અનન્ય વૈવિધ્ય જોવા મળે છે : વિરહવેદના, વ્યથા, દુ:ખ, શાંતિ, ક્રોધ, હાસ્ય, કુતૂહલ આદિ. એમનો માસ્ટરપીસ માસ ‘ડ્રસ મેમોરી’ ફ્રેન્ચ સ્વરનિયોજક પિયેરે સેન્ડ્રીના એ જ નામના માસની પૅરડી છે. તેઓ શ્રોતાને ખૂબ જ સરળતાથી મંત્રમુગ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. કુલ ચાળીસ પૅરડી એમણે લખી છે. કેટલાકના મતે મોટેટમાં લૅસુસની શ્રેષ્ઠ સર્જકતા નીખરી આવે છે. તેમાં તેમણે એકરાગે તેમજ અલગ અલગ સ્વરમાં વારાફરતી ગોઠવીને ખૂબ જ કર્ણમધુર અવાજો ઉપજાવ્યા છે. લયના પણ અનવના પ્રયોગો તેમણે કર્યા છે. સૂરાવલિઓની વચ્ચે શાંત (silent) સમયગાળા પ્રયોજીને પણ તેમણે લાવણ્ય નિપજાવ્યું છે. આ પ્રકારની તેમની કૃતિઓમાં ‘પેનિટેન્શિયલ સામ્સ’, ‘સિબિલાઇન પ્રૉફેસિસ’, ‘સફરિન્ગ્સ ઑવ્ જોબ’ અને ‘લેમેન્ટેશન્સ ઑવ્ જેરેમિયાહ’ શ્રેષ્ઠ ગણાય છે.
અમિતાભ મડિયા