ઉત્તરાયન : સૂર્યની ઉત્તર તરફ ખસવાની ક્રિયા. તે 22 ડિસેમ્બરે થાય છે.
વર્ષમાં સૂર્ય બે વાર ખરા પૂર્વબિંદુએ ઊગે છે. આ દિવસો છે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. એમને અનુક્રમે વસંતસંપાત અને શરદસંપાત કહેવામાં આવે છે. વસંતસંપાત પછીનો સૂર્યોદય ઉત્તર તરફ ખસતો રહીને થાય છે. શરદસંપાત પછી સૂર્ય દક્ષિણ તરફ ખસતો રહીને ઊગે છે. એ રીતે ત્રણ માસ દક્ષિણ તરફ ખસ્યા બાદ, સૂર્ય વધુ આગળ ન ખસતાં, પાછો ઉત્તર તરફ ખસવાનું શરૂ કરે છે.
ગુજરાતમાં 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનું પતંગપર્વ ઊજવવામાં આવે છે. (‘ઉતરાણ’ શબ્દ ઉત્તરાયણનો અપભ્રંશ છે.) 14 જાન્યુઆરીનું પર્વ ખરેખર ઉત્તરાયણનું નહિ, પણ મકરસંક્રાંતિનું છે.
ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ અલગ બાબતો છે. સૂર્યનું ઉત્તર દિશા તરફનું અયન યા ગમન ઉત્તરાયણ છે જ્યારે સૂર્યનું મકરરાશિમાં સંક્રમણ યા પ્રવેશ મકરસંક્રાંતિ છે. ઉત્તરાયણ ઋતુ-આધારિત તહેવાર છે, જ્યારે મકરસંક્રાંતિ નાક્ષત્રિક તહેવાર છે.
ઋતુદર્શક પર્વ ઉત્તરાયણના દિવસે હેમંત ઋતુ પૂરી થઈ શિશિર ઋતુ શરૂ થાય છે. મકરસંક્રાંતિને જ ઉત્તરાયણ કહેનારાં પંચાંગો તેમજ તેમને અનુસરનારા લોકો 11 જાન્યુઆરીના રોજ શિશિરઋતુને શરૂ થતી માને છે તે ખોટું છે. એમની ગણતરીના હિસાબે, 1,100 વર્ષ પછી શિશિરઋતુ જાન્યુઆરીની આખરમાં અને 3000 વર્ષ પછી ફેબ્રુઆરીના અંતમાં (કે જ્યારે વસંતઋતુ ચાલતી હશે) શરૂ થતી ગણાશે !!
ઉત્તરાયણનો એક અર્થ ‘વર્ષનો અર્ધો ગાળો’ એવો પણ છે. આ રીતે ઉત્તરાયણના છ માસ દરમિયાન શિશિર, વસંત અને ગ્રીષ્મઋતુઓ આવે છે.
ઉત્તરાયણે દિવસ ટૂંકામાં ટૂંકો અને રાત્રિ લાંબામાં લાંબી હોય છે. ઉત્તરાયણના દિવસની લંબાઈ ભલે ટૂંકામાં ટૂંકી હોય, વાસ્તવમાં ઉત્તરાયણનો આખો દિવસ (દિનરાત) વર્ષના અન્ય દિવસોની સરાસરી લંબાઈની સરખામણીમાં અર્ધી મિનિટ જેટલો લાંબો હોય છે. ઉપરાંત સૂર્યની અસમાન આકાશી ગતિને કારણે ઉત્તરાયણના દિવસે ખરા બપોરનો યા મધ્યાહનનો સ્થાનિક સમય બે મિનિટ જેટલો વહેલો હોય છે. (જુઓ છાયાયંત્ર અને વેલાંતર.)
ઉત્તરાયણ અને મકરસંક્રાન્તિ વચ્ચે એક બીજો પણ ફરક છે. ઉત્તરાયણનો દિવસ સ્થિર રૂપનો છે, જ્યારે મકરસંક્રાંતિનો દિવસ દર 72 વર્ષે એક દિવસ જેટલો આગળ ખસતો રહે છે. કેટલાંક વર્ષ પહેલાં મકરસંક્રાન્તિ 13 જાન્યુઆરીએ થતી હતી. હવે પછીનાં થોડાં વર્ષ બાદ તે 15 જાન્યુઆરીએ થશે (જુઓ વિષુવાયન). આજથી 1,600 વર્ષ પહેલાં ઉત્તરાયણ અને મકરસંક્રાન્તિ એક જ દિવસે થતાં હતાં. એમને હંમેશ માટે એક જ દિવસે થવાનું માનીને ચાલવાને કારણે અર્થ અને ક્રિયાની ર્દષ્ટિએ અલગ એવા આ બંને તહેવારોનો ગૂંચવાડો ઊભો થયો છે.
ભીષ્મ પિતામહે ઉત્તરાયણનો સૂર્ય થયા બાદ મૃત્યુ ઇચ્છ્યું હતું તે આ પર્વની વિશેષતા દાખવે છે.
છોટુભાઈ સુથાર