લૅબુઆન (Labuan) : બૉર્નિયોમાં બ્રૂનેઇના ઉપસાગરમાં સાબાહના કિનારાથી નજીક આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 6° 25´ ઉ. અ. અને 115° 25´ પૂ. રે.. મલેશિયાના સમવાયતંત્રીય પ્રદેશના એક ભાગ રૂપે તેનો મલેશિયાના પાટનગર કુઆલાલમ્પુરની સાથે વહીવટ કરવામાં આવે છે. આ ટાપુનો વિસ્તાર 91 ચોકિમી. જેટલો છે. તેનું ભૂપૃષ્ઠ નીચાણવાળું છે અને તેનો ઊંચામાં ઊંચો ભાગ 97 મીટર છે. આ ટાપુ પર મુખ્ય નગર વિક્ટૉરિયા અને ઘણાં નાનાં નાનાં કામ્પાંગ (ગામ) આવેલાં છે. ડાંગરનાં ખેતરો, રબર અને નાળિયેરીનાં વૃક્ષો ટાપુનો 30 % ભાગ રોકે છે. આ ટાપુનો અર્ધાથી વધુ ભાગ જંગલો, ઝાંખરાં અને કળણોથી છવાયેલો છે.
આ ટાપુની કુલ વસ્તી 99,500 (ઈ. સ. 2019) જેટલી છે, તે પૈકી 75 % લોકો અહીંના મૂળ વતનીઓ છે અને બાકીના 25 % લોકો ચીની છે.
આ ટાપુ ફિલિપાઇન્સ સાથેના વેપારી સોદા માટેનું મહત્ત્વનું કેન્દ્ર બની રહેલો છે. દરિયાપારની કંપનીઓ માટે તે કરમુક્ત વિસ્તાર છે. તે વિકસી શકે તે માટે તેને મુક્ત બંદર તરીકે જાહેર કરવામાં આવેલું છે. અહીંના ઊંડા જળના બારા ખાતે વિશાળ કદનાં ટૅન્કરોમાં પેટ્રોલિયમ પેદાશોને એકઠી કરવામાં આવે છે. સાબાહના કાંઠાના જળ હેઠળથી મળતા કુદરતી વાયુને લૅબુઆન ખાતે પ્રક્રિયા કરીને તેમાંથી મેથેનૉલ બનાવાય છે. 79 મૅગાવૉટનો પાવર પ્લાન્ટ ચલાવવા ઇંધન તરીકે તે ઉપયોગમાં લેવાય છે. અહીંના એક મોટા ઔદ્યોગિક સંકુલમાં નાના કદની લોખંડની ઈંટો બનાવવામાં આવે છે.
1846માં બ્રૂનેઇએ લૅબુઆન બ્રિટનને સોંપી દીધેલું. બ્રિટિશ લોકોએ ચાંચિયાઓથી તેમનાં વહાણોને રક્ષણ મળી રહે તે માટે ત્યાં નૌકામથક બાંધવાની શરૂઆત કરેલી, પણ તેઓ તેમાં સફળ રહ્યા નહિ. લૅબુઆન તે પછી ગુનેગારોની વસાહત બનેલું. તેના કેદીઓ ઓગણીસમી સદીના અંતિમ સમયમાં ત્યાંની કોલસાની ખાણોમાં કામ કરતા હતા. 1984માં આ ટાપુ મલેશિયન સમવાયતંત્રીય પ્રદેશમાં જોડાયું. 1990માં મલેશિયન સરકારે આ ટાપુને તેના વિકાસ માટે કરમુક્ત જાહેર કર્યો, જેથી આંતરરાષ્ટ્રીય કંપનીઓ અહીં આવવા પ્રેરાય અને ટાપુ સધ્ધર બને.
ગિરીશભાઈ પંડ્યા