યશ પાલ (જ. 26 નવેમ્બર 1926, ઝંગ [હાલ પાકિસ્તાનમાં]) : ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. પંજાબ યુનિવર્સિટીમાંથી 1948માં બી.એસસી. અને 1949માં એમ.એસસી. થયા બાદ યશ પાલે 1950માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. 1958માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1983 સુધી તાતા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક રહેવા દરમિયાન તેમણે નીલ બોહર ઇન્સ્ટિટ્યૂટ, કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, યુનિવર્સિટી ઑવ્ મેરીલૅન્ડ અને ડેનિશ સ્પેસ રિસર્ચ જેવી સંસ્થાઓની મુલાકાતી અધ્યાપક તરીકે મુલાકાત લીધી હતી. કૉસ્મિક કિરણો, ઉચ્ચ-ઊર્જા ભૌતિકી અને ઉચ્ચ-ઊર્જા ખગોલભૌતિકી પ્રત્યે તેમનો રસ વધુ કેન્દ્રિત થયેલો.
મૂળભૂત કણોના ક્ષેત્રે તેમણે પાયાનું સંશોધન કાર્ય કર્યું છે. તેના આધારે ઋણ K-મેસોન, મૂળભૂત કણોની જોડ-ઉત્પત્તિ (pair production), K-મેસોનના ગુણધર્મો તથા હાઇપરોનના ગુણધર્મોના અભ્યાસ માટેનો માર્ગ મોકળો થયો. ઉચ્ચ-ઊર્જા આંતરક્રિયાનું પાયોનાઇઝેશન-વિખંડન (Pionization Fragmentation) પરિરૂપ તેમણે તૈયાર કર્યું. તેઓ x-કિરણો, ગૅમા કિરણોની પશ્ર્ચભૂમિકા અને બલૂન દ્વારા ઇન્ફ્રારેડ ઍસ્ટ્રોનૉમીમાં ઝાઝો રસ ધરાવે છે.
1973માં તેઓ ટૅકનૉલૉજી, સંદેશાવ્યવહાર (communication), શિક્ષણ અને વિકાસ સાથે સંકળાયેલાં ક્ષેત્રો તરફ વળ્યા અને અમદાવાદ ખાતે આવેલ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પ્રથમ નિયામક તરીકે 1973થી 1981 સુધી તેનું સંચાલન સંભાળેલું. અહીં તેમની જવાબદારી ભારતના સૌથી પછાત એવાં કેટલાંક હજાર ગામોમાં શિક્ષણ અને વિકાસ માટે ઉપગ્રહ આધારિત સીધા ટેલિવિઝન પ્રસારણનો ઉપયોગ થઈ શકે કે કેમ તે ચકાસવા માટેનો એક સામાજિક-ટૅકનિકલ (socio-technical) પ્રયોગ કરી જોવાની હતી (1975–76). આ પછી તેમને વિવિધ જવાબદારીઓ સંભાળવાની આવી. તેઓ બાહ્ય અવકાશ(outer space)ના શાંતિમય ઉપયોગ માટેની યુનાઇટેડ નેશન્સની બીજી કૉન્ફરન્સના સેક્રેટરી જનરલ (1981–82), પ્લાનિંગ કમિશન ઑવ્ ઇન્ડિયાના મુખ્ય સલાહકાર (1983–84), ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજીના સેક્રેટરી (1984–86) અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(નવી દિલ્હી)ના અધ્યક્ષપદે રહ્યા (1986–91). આ દરમિયાન તેમણે શાળાનાં બાળકો માટે ‘ભાર વિનાના ભણતર’નો વ્યાવહારિક ખ્યાલ આપ્યો. 1995માં તેમને ભારત સરકારે નૅશનલ રિસર્ચ પ્રોફેસર નીમ્યા હતા.
1972–73 દરમિયાન તેઓ ઇન્ડિયન ફિઝિક્સ ઍસોસિયેશનના તથા 1989–90 દરમિયાન ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ હતા. 1991થી તેઓ નૅશનલ ટેલિમેટ્રિક્સ ફોરમના પણ પ્રમુખ છે. ભારત વિજ્ઞાન જથ્થા- (people’s science programme)ના તેઓ સભાધ્યક્ષ છે.
1977માં તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો તરીકે ચૂંટાયા. વળી ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સિઝ, ગુજરાત સાયન્સ એકૅડેમી તથા ઇન્ડિયન ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના પણ ફેલો છે. આ ઉપરાંત તેઓ ઇન્ટરનેશનલ એકૅડેમી ઑવ્ એરોનૉટિક્સના ફેલો, ઇન્ટરયુનિવર્સિટી સેન્ટર ફૉર એસ્ટ્રૉનોમી ઍન્ડ ઍસ્ટ્રોફિઝિક્સ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એજ્યુકેશનના માનાર્હ ફેલો છે.
1980માં તેમને માર્કોની ઇન્ટરનેશનલ ફેલોશિપ ઍવૉર્ડ, 1989માં ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑવ્ સ્પેસ એક્સપ્લોરર્સનો પાંચમો વાર્ષિક ઍવૉર્ડ, 1992માં લૉર્ડ પેરી ઍવૉર્ડ ફૉર એક્સેલન્સ ઇન ડિસ્ટંટ એજ્યુકેશન, 1994માં આર્થર સી. ક્લાર્ક એવૉર્ડ ફૉર કોમ્યુનિકેશન ઍન્ડ સ્પેસ ટૅકનૉલૉજી, 1996માં એશિયાટિક સોસાયટીનો સર વિલિયમ જૉન્સ મેમૉરિયલ સુવર્ણચંદ્રક તથા 1998માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનનો સર આશુતોષ મુકરજી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલાં છે.
1976માં તેમને ભારત સરકારનો ‘પદ્મભૂષણ’નો ઇલ્કાબ મળ્યો હતો.
તેઓ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢની જવાહરલાલ નહેરુ ચેર ઇન ટૅકનૉલૉજી સંભાળે છે. હાલ (2004) નાગાલૅન્ડ યુનિવર્સિટીના તેઓ વાઇસ-ચાન્સેલર છે.
પ્રહલાદ છ. પટેલ