રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા)

January, 2003

રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા) : દેશમાં બનતી ફિલ્મોનો અને તે સંબંધિત સાહિત્યનો સંગ્રહ કરતી સંસ્થા. સ્થાપના 14 ફેબ્રુઆરી, 1964ના દિવસે કરવામાં આવી. ભારતીય ફિલ્મકળા અને સંસ્કૃતિના વિકાસની કથાનું સંરક્ષણ કરવાનો તેનો ઉદ્દેશ રહ્યો છે. ભારત સરકારે 1954માં ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કારો શરૂ કર્યા ત્યારે ફિલ્મો માટે રાષ્ટ્રીય સંગ્રહસ્થાન (આર્કાઇવ્ઝ) ઊભું કરવાનો વિચાર કરાયો હતો. એ સમયે તેને રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (નૅશનલ ફિલ્મ લાઇબ્રેરી) નામ અપાયું હતું. 1961માં પુણેમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયાની રચના થયા બાદ ત્રણ વર્ષે તેના એક ભાગ તરીકે 1964માં આર્કાઇવ્ઝની રચના થઈ. પ્રારંભે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય આર્કાઇવ્ઝની વ્યવસ્થા સંભાળતા હતા, પછી આર્કાઇવ્ઝ માટે સહાયક ક્યુરેટરની નિમણૂક કરાઈ.

એશિયાઈ દેશોમાં આ સૌથી મોટું ચલચિત્ર-સંગ્રહાલય છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીનાં સંગ્રહાલયો સાથે વ્યાપક પત્રવ્યવહાર કર્યા બાદ ભારતના આ સંગ્રહાલયની રચના કરાઈ હતી. મૂળ હેતુ ભારતમાં ઊતરતાં ચલચિત્રોની મૂળ નેગેટિવ અથવા નકલ અથવા આધારરૂપ પ્રિન્ટ સાચવી રાખવાનો હતો.

1967માં સંગ્રહાલય સ્વાયત્ત બન્યું. શરૂઆતમાં તેમાં રાષ્ટ્રીય ચિત્ર ફિલ્મ પુરસ્કાર યોજના હેઠળ નિર્માતાઓના ખર્ચે જમા થયેલાં માત્ર 123 ચલચિત્રો હતાં. 1974થી સંસ્થા પોતાના ખર્ચે પ્રિન્ટ બનાવતી થઈ. સંસ્થાની સ્થાપના થઈ તે પહેલાં ચિત્રો સંબંધી ઘણી સામગ્રી પૂરતી તકેદારીના અભાવે નાશ પામી કે ગુમ થઈ ચૂકી હતી; પણ સંસ્થાએ પોતાનું કામ શરૂ કર્યા બાદ કેટલાંયે દુર્લભ ચિત્રો, હસ્તપત્રો, તસવીરો અને પ્રચારસામગ્રી તેમજ વિવિધ ચલચિત્રોને લગતું સાહિત્ય શોધી કાઢ્યું. સંસ્થાના પ્રથમ નિયામક પી. કે. નાયરે તેને વ્યવસ્થિત રૂપ આપવામાં મોટો ફાળો આપ્યો. તેમના નિરીક્ષણ હેઠળ ચિત્રસંરક્ષણ માટે અત્યાધુનિક વાતાનુકૂલિત કક્ષ બનાવાયો. જે ફિલ્મોની મૂળ નકલો ખરાબ થઈ ગઈ હતી, તેની નવી પ્રિન્ટો બનાવી. 1998 સુધીમાં સંસ્થા પાસે 13 હજારથી વધુ ચિત્રો એકત્ર થયાં, જેમાં 8,000 ભારતીય ભાષાઓનાં હતાં. આ ઉપરાંત મોટી સંખ્યામાં પુસ્તકો, સામયિકો, તસવીરો અને પોસ્ટરોનો સંગ્રહ છે. સંગ્રહાલયનું મુખ્ય કેન્દ્ર પુણેમાં છે; જ્યારે બૅંગલોર, કોલકાતા અને તિરુવનંતપુરમમાં તેનાં પ્રાદેશિક કાર્યાલયો છે. 1992માં સંગ્રહાલયને અત્યાધુનિક ઉપકરણો અને અન્ય સુવિધાઓથી સજ્જ નવા મકાનમાં ખસેડવામાં આવ્યું. ત્યાં આઇ.ટી.આઇ. ક્લીનિંગ મશીન, પ્રોજેક્ટર, અવલોકન ટેબલની સુવિધા છે. આ સંગ્રહાલય ફિલ્મ-ક્લબો, ચિત્ર-સમીક્ષકો, ફિલ્મસોસાયટીઓ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થાઓને અધ્યયન માટે ફિલ્મો આપે છે. ચલચિત્રકળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય એવાં ચલચિત્રોને વિડિયો કેસેટોમાં ઉતારી આપવાની સુવિધા પણ તેની પાસે છે.

હરસુખ થાનકી