રાષ્ટ્રીય આવક : કોઈ પણ એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ એક દેશમાં ઉપલબ્ધ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો પ્રવાહ. બીજી રીતે કહીએ તો દેશમાં થતી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન તે ઉત્પાદનમાં રોકાયેલાં યંત્રો, સંચા, ઓજારો, ઉપકરણો, કારખાનાનું મકાન જેવા મૂડીમાલને થતો ઘસારો (wear and tear, depreciation) બાદ કરતાં કોઈ એક દેશમાં કોઈ એક નાણાકીય વર્ષ દરમિયાન ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ અને સેવાઓનું ચોખ્ખું નાણાકીય મૂલ્ય તે દેશની તે વર્ષની રાષ્ટ્રીય આવક દર્શાવે છે. આ રીતે દેશમાં થતા કુલ ઉત્પાદનને, ઉત્પાદનનાં સાધનો પૂરા પાડનારા માલિકો વચ્ચે ભાડું, વેતન, વ્યાજ અને નફાના રૂપમાં વહેંચવામાં આવે છે. અલબત્ત, આવી વહેંચણી ભૌતિક ઉત્પાદન દ્વારા નહિ, પરંતુ તે ભૌતિક ઉત્પાદનને બજારમાં વેચવાથી સરેરાશ ભાવસપાટીને આધારે જે કુલ મળતર પ્રાપ્ત થાય છે તેને અનુલક્ષીને થતી હોય છે. એટલા માટે જ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ‘રાષ્ટ્રીય આવક’ના શબ્દપ્રયોગને બદલે ‘રાષ્ટ્રીય વહેંચણી’ (national dividend) શબ્દપ્રયોગ વધુ પ્રચલિત બનાવ્યો હતો.

રાષ્ટ્રીય આવકનો ખ્યાલ બેમાંથી એક વિકલ્પરૂપે આ રીતે રજૂ કરી શકાય : (1) કોઈ એક દેશમાં કોઈ એક વર્ષ દરમિયાન ઉત્પાદિત થયેલ ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ નાણાકીય મૂલ્ય ધ્યાનમાં લેવું. (2) કોઈ એક વર્ષ દરમિયાન દેશમાં થયેલ કુલ ઉત્પાદકીય પ્રવૃત્તિઓના બદલામાં તે પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર ઉત્પાદનનાં સાધનોને ચૂકવાયેલ વળતરનું કુલ કદ ધ્યાનમાં લેવું.

રાષ્ટ્રીય આવકના કદમાં થતાં ફેરફાર કે વધઘટનું પરિણામ ઉત્પાદન-સાધનને ચૂકવાતા વળતરમાં થતા ફેરફારમાં વ્યક્ત થતું હોય છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં, અન્ય પરિબળો યથાવત્ રહે તો, તેમાંથી ઉત્પાદનનાં સાધનોને મળતા હિસ્સામાં વધારો થાય છે; પરંતુ જ્યારે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય છે, ત્યારે તેમાંથી ઉત્પાદનનાં સાધનોને મળતા હિસ્સામાં ઘટાડો થાય છે.

રાષ્ટ્રીય આવકનાં કુલ ત્રણ ઘટક તત્ત્વો છે : (1) રાષ્ટ્રીય આવક કોઈ એક દેશની સમગ્ર આવકનો નિર્દેશ કરે છે અને તેટલે અંશે તે સમદૃષ્ટિલક્ષી (macro) ખ્યાલ છે. (2) રાષ્ટ્રીય આવકનો સંબંધ કોઈ એક વિશિષ્ટ સમયગાળા સાથે હોય છે, જે સામાન્ય રીતે એક વર્ષનો ગણવામાં આવે છે. (3) રાષ્ટ્રીય આવકની ગણતરીમાં વિનિમય મૂલ્ય ધરાવતી દરેક વસ્તુ અને સેવાનો સમાવેશ કરવામાં આવે છે અને તે દરેકનું મૂલ્ય માત્ર એક જ વાર ગણતરીમાં લેવાય છે, જેથી મૂલ્યની બેવડી ગણતરીનો દોષ ટાળી શકાય. બેવડી ગણતરીનો દોષ ટાળવા માટે ઉત્પાદન કરવામાં આવેલ ઉત્પાદનનાં ટકાઉ સાધનો જેવાં કે મૂડી, માલ તથા વપરાશી ચીજવસ્તુઓમાંથી અંતિમ વસ્તુઓ(final products)નું મૂલ્ય ગણતરીમાં લેવાય છે, પ્રાથમિક કે વચગાળાની વસ્તુઓનું મૂલ્ય નહિ, અને તે અંતિમ મૂલ્યનો સરવાળો કરવામાં આવે છે અથવા બેવડી ગણતરી ટાળવા માટેની બીજી પદ્ધતિ એ છે કે જેમાં ઉત્પાદનની જુદી-જુદી પ્રક્રિયામાં દરેક તબક્કે જે મૂલ્યવૃદ્ધિ થાય તેનું મૂલ્ય આંકવામાં આવે અને તે મૂલ્યવૃદ્ધિનો સરવાળો કરવામાં આવે, એટલા માટે જ આ બીજી પદ્ધતિને ‘મૂલ્યવૃદ્ધિ-પદ્ધતિ’ (value-added method) કહેવામાં આવે છે.

ઉત્પાદનનાં સાધનોનું કદ અને તેની ગુણવત્તા, દેશમાં ઉપલબ્ધ તકનીકી જ્ઞાનનું સ્તર અને રાજકીય તથા આર્થિક સ્થિરતા – એ ત્રણ પરિબળો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકનું બંધારણ નક્કી કરતાં હોય છે. જો આ ત્રણેય વિધેયાત્મક હોય તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, અન્યથા ઘટાડો.

ત્રણ ભિન્ન ભિન્ન પદ્ધતિઓ દ્વારા રાષ્ટ્રીય આવકની ગણતરી થઈ શકે છે : (1) ઉત્પાદનપદ્ધતિ (census or product method; (2) આવકપદ્ધતિ (income method) અને (3) ખર્ચપદ્ધતિ (expenditure method). આમાંથી પ્રથમ પદ્ધતિમાં કોઈ એક વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદન થયેલ વસ્તુઓ અને સેવાઓની ભૌતિક ગણતરી કરી તેની સરેરાશ વેચાણ-કિંમતનો સરવાળો કરવામાં આવે છે. બીજી પદ્ધતિમાં દરેક નાગરિકની વ્યક્તિગત આવક, ઉત્પાદનની પ્રક્રિયામાં ફાળો આપતી દરેક સંસ્થા, કંપની, કૉર્પોરેશન કે વ્યાપારી અને વાણિજ્ય-પ્રતિષ્ઠાનની આવક તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જેવી જાહેર સંસ્થાઓની આવકનો સરવાળો કરવામાં આવે છે. ત્રીજી પદ્ધતિમાં નાગરિકો કે પરિવારોનો વપરાશી ખર્ચ, સંસ્થાઓનો મૂડીરોકાણ-ખર્ચ તથા જાહેર સંસ્થાઓ દ્વારા તેમની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પર તેમના દ્વારા થતા ખર્ચનો સરવાળો કરવામાં આવે છે. આ ત્રણેય પદ્ધતિઓમાં પોતપોતાની કેટલીક ત્રુટિઓ હોવાથી દરેક દેશ તેની અનુકૂળતા પ્રમાણે કોઈ એક અથવા વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

કોઈ પણ દેશની આર્થિક વૃદ્ધિની સપાટી વિશે અથવા નાગરિકોના જીવનધોરણમાં થતા ફેરફારો વિશે જાણવું હોય તો રાષ્ટ્રીય આવકના ખ્યાલ પર આધારિત માથાદીઠ આવકના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે. માથાદીઠ આવકની ગણતરીનું સૂત્ર નીચે મુજબ છે :

માથાદીઠ આવક એ નાગરિકની સરેરાશ આવકનો નિર્દેશ કરે છે અને તેથી જીવનધોરણ માપવા માટે તેની ઉપયોગિતા અને વિશ્વસનીયતા મર્યાદિત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે