રાષ્ટ્રપતિ : ભારતીય સંઘરાજ્યના બંધારણીય વડા. તેમની ચૂંટણી, તેમનો કાર્યકાળ, તેમના પદ માટેની લાયકાતો તથા ભારતના બંધારણમાં તે પદ ધરાવતી વ્યક્તિને આપવામાં આવેલા વિશેષાધિકારની વિગતો ભારતીય પ્રજાતંત્રના બંધારણના અનુચ્છેદ 52થી 75માં દર્શાવવામાં આવેલી છે.

દેશના જે નાગરિકની ઉંમર 35 અથવા તેના કરતાં વધારે હોય તથા જે વ્યક્તિ લોકસભાની સદસ્યતા ધરાવવાની લાયકાત ધરાવતી હોય તે વ્યક્તિને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી કરવા પાત્ર ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી ભારતની સંસદનાં બંને ગૃહો  લોકસભા અને રાજ્યસભા – ના ચૂંટાયેલા સભ્યો તથા ઘટક-રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ ચૂંટણી ગુપ્ત મતદાન તથા એકમત પ્રમાણસર પરિવર્તનીય પદ્ધતિ (single proportional transferable vote) દ્વારા યોજાતી હોય છે. તેમના હોદ્દાની મુદત પાંચ વર્ષની હોય છે, પરંતુ એક વાર આ પદ પર રહેલ વ્યક્તિ બીજી વાર તે પદ માટે ઉમેદવારી કરી શકે છે. અલબત્ત, પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જો તે રાજીનામું આપે અથવા પીઠાસીનનું તેમના કાર્યકાળ દરમિયાન અવસાન થાય અથવા બંધારણમાં સૂચવેલ કાર્યપદ્ધતિ મુજબ પીઠાસીન વ્યક્તિ પર કામ ચલાવવામાં આવે અને તેના અંતે તેમને પદભ્રષ્ટ કરવામાં આવે તો રાષ્ટ્રપતિનું પદ રિક્ત થયેલું ગણાય છે અને ત્યારબાદ તે પદ માટે નવેસરથી ચૂંટણી યોજવાનું પ્રાવધાન સંઘરાજ્યના બંધારણમાં કરવામાં આવ્યું છે.

પીઠાસીન રાષ્ટ્રપતિ પર કામ ચલાવવાની વિધિ પણ બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલી છે : (1) સંસદનાં બે ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં તે અંગેના આરોપપત્રને લગતો ઠરાવ ઓછામાં ઓછા 14 દિવસની પૂર્વસૂચના (notice) દ્વારા રજૂ થઈ શકે છે. ઠરાવ રજૂ થતા પહેલાં ઉપર્યુક્ત સભાગૃહના એક-ચતુર્થાંશ સભ્યોએ તેને લેખિત ટેકો આપેલો હોવો જોઈએ અને તેના પર તે ગૃહમાં મતદાન થાય ત્યારે ગૃહના બે-તૃતીયાંશ સભ્યો તેના પક્ષમાં મતદાન કરે તો જ તે ઠરાવ તે ગૃહ દ્વારા પસાર થયેલો ગણાય. (2) જે ગૃહમાં રાષ્ટ્રપતિ સામેનું આરોપપત્ર રજૂ થાય તે ગૃહમાં તે 2/3 બહુમતીથી પસાર થાય તો સંસદના બીજા ગૃહમાં તે ઠરાવ મોકલવામાં આવે છે જ્યાં આરોપોની તપાસ થાય છે. આ તપાસ દરમિયાન ઉપર્યુક્ત ગૃહમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર પીઠાસીન રાષ્ટ્રપતિને હોય છે. તપાસ કરનાર ગૃહની કુલ સદસ્યસંખ્યાના બે-તૃતીયાંશ સભ્યો ઠરાવના પક્ષમાં મત આપે તો પીઠાસીન રાષ્ટ્રપતિ પદભ્રષ્ટ થયેલા ગણાય છે.

રાષ્ટ્રપતિનું પદ બંધારણીય વડાનું હોવા છતાં પ્રજાસત્તાક બંધારણે તેમને આપેલી સત્તાઓ બહોળી છે : (1) સંસદમાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તેઓ સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે અને આ રીતે નિમાયેલા પ્રધાનમંત્રીની સલાહથી તેઓ કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે. પ્રધાનમંત્રી અને મંત્રીમંડળના સૌ સભ્યો રાષ્ટ્રપતિનો વિશ્ર્વાસ (pleasure) ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા પર ચાલુ રહી શકતા હોય છે. (2) રાષ્ટ્રપતિ એ ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા અને તે રૂએ ભારતીય સેનાના સર્વોચ્ચ વડા (commander-in-chief) હોય છે. કોઈ પણ દેશ સામે યુદ્ધ જાહેર કરવાની સત્તા દેશના રાષ્ટ્રપતિ ધરાવે છે. (3) ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયાધીશોની તથા દેશની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિ તથા અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની હોય છે. તેવી જ રીતે ભારતીય લશ્કરની ત્રણેય પાંખના વડાની નિમણૂક કરવાની સત્તા પણ બંધારણીય રીતે રાષ્ટ્રપતિ પાસે હોય છે. (4) કોઈ પણ ગુના હેઠળ સજા પામેલી વ્યક્તિને ક્ષમા આપવાની, તેની સજામાં કાપ મૂકવાની, સજાની ફેરબદલી કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ ધરાવે છે. (5) દેશમાં કટોકટી જાહેર કરવાની તથા કટોકટી દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો નિલંબિત કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે. (6) સંસદનાં બંને ગૃહોની બેઠકો યોજવાની, સંસદની બેઠક નિલંબિત કરવાની તથા સંસદને બરખાસ્ત કરવાની સત્તા પણ બંધારણે રાષ્ટ્રપતિને બહાલ કરી છે. (7) કેટલીક વિશેષ સત્તા ધરાવતા હોદ્દેદારોની નિમણૂકો કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિની હોય છે. દા.ત., કમ્પ્ટ્રૉલર અને ઑડિટર જનરલ ઑવ્ ઇન્ડિયા, ચૂંટણી પંચના સભ્યો, વિદેશમાં દેશની સરકારનું પ્રતિનિધિત્વ કરતા એલચીઓ વગેરે.

રાષ્ટ્રપતિને બંધારણે આપેલી આ બધી જ સત્તાઓ નામની અથવા બંધારણીય સત્તાઓ ગણવામાં આવે છે. હકીકતમાં તેમાંથી મોટાભાગની સત્તાઓનો ઉપયોગ કરતી વેળાએ રાષ્ટ્રપતિને કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ મુજબ જ વર્તવાનું હોય છે; તેમ છતાં બંધારણે તેમને કેટલીક એવી પણ સત્તાઓ બહાલ કરી છે જેનો ઉપયોગ તે સ્વતંત્ર રીતે અને પોતાની વિવેકબુદ્ધિ મુજબ કરી શકે છે; દા. ત., પ્રધાનમંત્રીની પસંદગી, સંસદે પસાર કરેલ ખરડાઓને મંજૂરી આપવી કે તેના પર પુનર્વિચાર માટે તે સરકારને પરત કરવો વગેરે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે