રાષ્ટ્રધ્વજ : દેશના સ્વાભિમાનના પ્રતીકરૂપ ધજા, જેની ગરિમા જાળવતાં રાષ્ટ્રજનો પ્રાણ આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ ધ્વજ કે ધજામાં રેશમી, ઊની, સુતરાઉ એમ વિવિધ કાપડ વપરાય છે. માપ દોઢ x એકના વ્યાપક માપ કરતાં કોઈ વાર ભિન્ન હોય છે. કપડા ઉપર રંગબેરંગી પટા અને ઘણી વાર વિશેષ ચિત્ર અંકિત હોય છે. ડાબેથી તથા જમણેથી તથા આગળથી તેમજ પાછળથી એકસરખી દેખાય તેવી આકૃતિ પસંદ કરાય છે. રંગો તથા આકૃતિઓ રાષ્ટ્રની વિશેષતાનાં પ્રતીકો હોય છે.
રાષ્ટ્રધ્વજ સરકારી ભવનો તથા રાષ્ટ્રપતિ આદિનાં નિવાસસ્થાનો ઉપર ઊંચાઈએ ફરકાવવામાં આવે છે. આ સિવાય રાષ્ટ્રીય પર્વોમાં નાગરિકોનાં ઘરો પર પણ ફરકાવવામાં આવે છે. યુદ્ધ-સમયે શત્રુની જીતી લીધેલી ભૂમિ ઉપર રાષ્ટ્રધ્વજ રોપીને વિજેતાઓનો અંકુશ દર્શાવવામાં આવે છે. પર્વપ્રસંગે ધ્વજવંદનમાં વચ્ચે ઊંચા સ્તંભના ઉપલા છેડે મોટો રાષ્ટ્રધ્વજ બાંધી રાખીને વિધિવત્ દોરી છોડીને ફરકતો કરી તેને સલામ કે વંદન કરવામાં આવે છે. રમતોત્સવોમાં, વિદેશી અતિથિના સ્વાગતમાં – એમ વિવિધ પ્રસંગે રાષ્ટ્રધ્વજ વિધિ અનુસાર ફરકાવાય છે.
ધ્વજનો ઉપયોગ પ્રાચીન ભારતમાં થયો. અહીંથી પશ્ચિમ એશિયા તથા ચીનમાં થઈ તે યુરોપના તથા બીજા દેશોમાં પ્રચાર પામ્યો. ભારતીય ધ્વજ ત્રિકોણાકારના અને મોટેભાગે સૂર્યચંદ્રનાં ચિત્રોવાળા હતા ત્યારે રાજધ્વજ અને રાષ્ટ્રધ્વજ એક જ હતા. ઇસ્લામના ઉદય અને ફેલાવા પછી મુસલમાન દેશોના ધ્વજોમાંથી ચિત્રાત્મક પ્રતીકો અદૃશ્ય થયાં. મોટેભાગે લીલો અને ક્યાંક રાતો રંગ તથા ચંદ્રતારાનું પ્રતીક પ્રતિષ્ઠિત થયાં. સામાન્ય રીતે ધ્વજ પર લખાણો લેવાતાં નથી, પણ સાઉદી અરેબિયાના ધ્વજ ઉપર અરબી લખાણ મુખ્ય છે. યુરોપમાં નવજાગૃતિના સમયે રાષ્ટ્રધ્વજો પ્રચલિત બન્યા. મોટેભાગે તે ખ્રિસ્તી ધર્મના ઇષ્ટ સંતના ધ્વજ કે પ્રતીક ઉપરથી રચવામાં આવ્યા હતા. ઇંગ્લૅન્ડમાં સંત જ્યૉર્જના વધસ્તંભ-ચિહ્નને અંકિત કરેલો ધ્વજ રખાયો. પાછળથી તેમાં સ્કૉટલૅન્ડ તથા આયર્લૅન્ડના સંતોના વધસ્તંભો ઉમેરી તેને યુનિયન જૅક નામ અપાયું.
ભારતને તેનાં આધુનિક રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત સ્વતંત્રતા પૂર્વે પ્રાપ્ત થયાં. અંગ્રેજી શાસનમાં ભારતના રાષ્ટ્રધ્વજ રૂપે અંગ્રેજી ધ્વજ વપરાતો. રાષ્ટ્રીય ભાવનાવાળા લોકોને આ ઉચિત ન લાગ્યું. બ્રિટન તથા યુરોપના બીજા દેશોમાં વસી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા દેશભક્તો સ્વતંત્ર ભારતને શોભે તેવો ધ્વજ હોય તેમ ઇચ્છતા હતા. ત્યારે ભારતમાં સ્વતંત્રતા-આંદોલનનો આરંભ થઈ ચૂક્યો હતો. પણ, હજુ રાષ્ટ્રીય સભા-સરઘસોમાં બ્રિટિશ ધ્વજ વપરાતો હતો. પરદેશોમાં વસતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા ઉગ્ર વિચારોવાળા યુવાનોને ભારતને પોતાનો સ્વતંત્ર રાષ્ટ્રને હોય છે તેવો ધ્વજ રચવાનો પ્રસંગ 1905માં પ્રાપ્ત થયો. 1907માં જર્મનીમાં સ્ટટગાર્ટમાં ક્રાંતિકારીઓની સભામાં મુંબઈનાં ક્રાંતિવીરાંગના માદામ ભિકાજી કામાએ તેમની કલ્પના પ્રમાણેનો ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેમાં ઉપર લીલો, વચ્ચે કેસરી અને નીચે રાતો એમ ત્રણ આડા પટ્ટા હતા. ઉપર લીલા પટ્ટામાં આઠ કમળનાં ચિત્રો હતાં. વચ્ચે કેસરી પટા ઉપર નાગરી લિપિમાં वन्दे मातरम् લખેલું હતું અને નીચેના રાતા પટ્ટામાં ડાબે દંડ બાજુ સૂર્યનું તથા જમણે છેડા બાજુ બીજના ચંદ્રનું ચિત્ર હતું. આ સમયે બ્રિટનથી પૂર્ણ સ્વતંત્ર થવાની વાત હજુ સ્વીકારાઈ નહોતી. હોમરૂલ અથવા આંતરિક સ્વરાજ્યથી તુષ્ટ નેતાઓનો પ્રભાવ વિશેષ હતો. આથી આ ધ્વજ ફરી ફરકી શક્યો નહિ. 1916માં સ્વરાજવાળાઓએ તેમની ભાવના વ્યક્ત કરતો જે ધ્વજ રચ્યો તેમાં છેડાના ભાગે મંદિરની ધજા જેવો બે અણીવાળો ઘાટ રખાયો. મથાળે દંડ પાસે પા ભાગમાં બ્રિટિશ ધ્વજ રખાયો. બાકીના ભાગમાં વારાફરતી પાંચ આડા રાતા અને પાંચ આડા લીલા પટ્ટા રખાયા. નીચેના આડા અડધા ભાગમાં સપ્તર્ષિ તારામંડળ મુકાયું. ઉગ્ર વિચારોવાળાઓએ આ ધ્વજ નપાસ કર્યો. 1921 સુધી રાષ્ટ્રીય સભાઓમાં બ્રિટિશ ધ્વજ ફરકતો રહ્યો.
1921માં આંધ્રના એક યુવકે ગાંધીજી સમક્ષ ત્રણ આડા પટ્ટા અને ઉપર વચ્ચે ઊભા રેંટિયાનું ચિત્ર એવો ધ્વજ પ્રસ્તુત કર્યો. તેમાં આડા પટાના ત્રણ રંગો – રાતો, ધોળો અને લીલો – હિંદુ, અન્ય અને મુસલમાન એમ ત્રણ સંપ્રદાયો દર્શાવતા હતા. ગાંધીજીએ સાદા ધ્વજનો આગ્રહ રાખતાં રાષ્ટ્રધ્વજની આકૃતિ સૂચવવા સમિતિ નિમાઈ. સમિતિએ સંપૂર્ણ ભગવા રંગનો ધ્વજ સૂચવ્યો. ખૂણામાં ઉપર ઊભા રેંટિયાનું નાનું ચિત્ર મૂકેલું. આ ધ્વજ પણ સ્વીકૃતિ પામ્યો નહિ. ફરી આ પૂર્વેના ધ્વજ ઉપર મંથન કરાયું. છેવટે, ઉપર કેસરી, વચ્ચે શ્ર્વેત અને નીચે લીલો રંગ એવો ત્રણ પટાવાળો અને વચ્ચે વાદળી રંગમાં ઊભા રેંટિયાના ચિત્ર સાથેનો ધ્વજ માન્ય રખાયો. તે સાથે જ તેનાં માપ, કાપડનો પ્રકાર, રંગોની ચોકસાઈ, ફરકાવવાના નિયમો, તેની શિસ્ત, તેનું ગૌરવ આદિ વિષયોમાં નિયમો ઘડાયા; જેમ કે, જાતે કાંતેલી-વણેલી ખાદીનું કાપડ એમાં વાપરવું જોઈએ.
1947માં દેશ સ્વતંત્ર થયો એટલે દેશનો સત્તાવાર રાષ્ટ્રધ્વજ ઠરાવવાનો પ્રસંગ આવ્યો. દેશના હજારો સ્વાતંત્ર્યસૈનિકોને પ્રેરણા આપનાર ધ્વજ તૈયાર હતો; પણ, તે એક રાજકીય પક્ષનો ધ્વજ હતો. વળી, તેમાં મધ્યમાં રેંટિયાનું ચિહ્ન નિયમાનુસારનું નહોતું. નિયમ એવો છે કે ચિહ્નની ડાબી-જમણી બાજુઓ ભિન્ન હોવી જોઈએ નહિ. તેમાં દ્વિસમમિતિ જળવાય તે જોવું જોઈએ. આથી, ધ્વજ-સમિતિએ રેંટિયાના સ્થાને સારનાથના અશોક સ્તંભના મથાળાના શિલ્પમાં દર્શાવેલા 24 આરાવાળા ધર્મચક્રની આકૃતિ મૂકવા સૂચવેલો સુધારો સ્વીકારી લઈ ભારતના રાષ્ટ્રધ્વજને તા. 14-8-1947ની મધરાતે 12ના ટકોરે રાજધાનીની પ્રતિનિધિ સભામાં ફરકાવવામાં આવ્યો. તેના રંગોને નવું અર્થઘટન અપાયું. કેસરી શૌર્ય માટે, શ્ર્વેત પવિત્રતા માટે અને લીલો સમૃદ્ધિ માટે.
રાષ્ટ્રધ્વજ દેશનું પ્રતીક છે. તેની સાથે રાષ્ટ્રના કરોડો લોકોની લાગણી અને ગૌરવ જોડાયેલાં છે; તેથી તેનો ઉપયોગ આ વાત ધ્યાનમાં રાખીને કરાય તે માટે નિયમો ઘડવામાં આવ્યા છે. રાષ્ટ્રધ્વજની શાન સચવાય તે માટેના નિયમોનું પાલન ન કરવું તે દંડપાત્ર અપરાધ છે.
બંસીધર શુક્લ