રાવળ, રસિક દુર્ગાશંકર (જ. 21 ઑગસ્ટ 1928; સાર્દોઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાના સ્નાતક થયા. સ્નાતક થયા પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની ભીંતચિત્ર માટેની એક વર્ષની શિષ્યવૃત્તિ (સ્કૉલરશિપ) મળતાં એક વર્ષ વધુ અભ્યાસ કર્યો.
રસિક રાવળની ચિત્રશૈલી પર બંગાળ શૈલીની કલા અને રવિશંકર રાવળની અસર છે. તેમની આકૃતિઓ લંબીકૃત (elongated) હોય છે. ઘોડા અને ગ્રામનારી એ તેમના પ્રિય વિષય છે.
રસિક રાવળે 1954થી 1975 લગી મુંબઈમાં અસંખ્ય વૈયક્તિક પ્રદર્શનો કર્યાં; 1967માં અમેરિકામાં કનેક્ટિકટ ખાતે વૈયક્તિક પ્રદર્શન યોજ્યું. કેન્દ્રીય લલિત કલા અકાદમીના રાષ્ટ્રીય પ્રદર્શનમાં 1955, ’56, ’57 અને ’58માં ભાગ લીધો. કોલકાતાની એકૅડેમી ઑવ્ ફાઇન આટર્સના વાર્ષિક પ્રદર્શનમાં 1957માં તેમણે ભાગ લીધો હતો.
રસિક રાવળને મુંબઈની બૉમ્બે આર્ટ સોસાયટીનો ઍવૉર્ડ 1952માં, ભારતીય લલિત કલા અકાદમીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ 1955માં તથા કોલકાતાની એકૅડેમીનો ફાઇન આર્ટ્સનો ઍવૉર્ડ 1957માં મળ્યા હતા.
દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ અને ચંડીગઢ મ્યુઝિયમમાં રસિક રાવળનાં ચિત્રો સંગ્રહાયેલાં છે.
અમિતાભ મડિયા