રાવળ, પ્રતિભા રસિકલાલ (જ. 15 સપ્ટેમ્બર 1939) : ગુજરાતનાં અભિનેત્રી, નિર્માતા અને દિગ્દર્શક. તેઓ નિરાળું વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે ઇકોનૉમિક્સ અને પોલિટિક્સના વિષયો સાથે બી.એ.ની ડિગ્રી તથા નાટ્યનો ડિપ્લોમા મેળવ્યાં છે.
છેલ્લાં 40 વર્ષથી તેઓ રંગભૂમિ સાથે સક્રિય રીતે સંકળાયેલાં છે. લગભગ 15 જેટલાં નાટકોનું દિગ્દર્શન તેમણે કર્યું છે. સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક, પ્રયોગાત્મક, પ્રહસનાત્મક વગેરે વિવિધ પ્રકારનાં 100 જેટલાં નાટકોમાં તેમણે અભિનય આપ્યો છે. વળી હિંદી, ગુજરાતી, ભોજપુરી ચલચિત્રોમાં તથા માહિતીચિત્રોમાં પણ તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવી છે. તેમણે ગુજરાત સરકારની 15 દસ્તાવેજી ફિલ્મોનું સર્જન કર્યું છે. ફિલ્મ તેમજ ટીવી.નાં દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું છે. તેઓ આકાશવાણીનાં અને દૂરદર્શનનાં પૅનલ આર્ટિસ્ટ છે. ગુજરાત કૉલેજમાં તેમણે નાટ્ય વિભાગનાં વ્યાખ્યાતા તરીકે એક વર્ષ માટે સેવા આપી હતી.
નવોદિત તેમજ બાળકલાકારોને નાટકની તાલીમ આપવા તેમણે ગુજરાતનાં વિવિધ શહેરો તથા ગ્રામવિસ્તારોમાં નાટ્યશિબિરોનું આયોજન કર્યું છે. જુદી જુદી સંસ્થાઓની તેમજ ગુજરાત રાજ્યની નાટ્યપ્રવૃત્તિ સાથે પણ કોઈ ને કોઈ રીતે સંકળાતાં રહ્યાં છે. તેઓ સંગીત નાટક અકાદમીનાં સભ્ય પણ હતાં.
તેમણે પ્રીતિ થિયેટર્સના નામે પોતાની નાટ્ય સંસ્થા સ્થાપી છે. તેના દ્વારા અનેક પ્રકારના શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાય છે. હાલ તેઓ તેનાં માનાર્હ મૅનેજિંગ ટ્રસ્ટી છે.
1969થી 1979ના દાયકા દરમિયાન ગુજરાત રાજ્યની નાટ્યસ્પર્ધાઓમાં શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનાં અનેક પારિતોષિકો તેમણે પ્રાપ્ત કર્યાં છે. તેમાં ‘રાણીને ગમે તે રાજા’ (1969), ‘પાંપણ પલપલ પલકે’ (1970); ‘અલક ચલાણું’ (1971), ‘કરફ્યુ’ (1972) અને ‘હનીમની મૂન’(1973)ની તેમની શ્રેષ્ઠ ભૂમિકાઓ ઉલ્લેખનીય છે. ‘રાણીને ગમે તે રાજા’, ‘અલક ચલાણું’, ‘મૌનના પડઘા’ નાટકો માટે અખિલ ભારતીય નાટ્યસ્પર્ધાઓ(દિલ્હી)માં શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક તેમને મળ્યું છે.
અભિનયક્ષેત્રે તેમના મૂલ્યવાન પ્રદાન બદલ ગુજરાત સંગીત નાટક અકાદમી તરફથી તેમને 1991-92ના વર્ષનો ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
બળદેવભાઈ કનીજિયા