મૉલિબ્ડિનાઇટ

February, 2002

મૉલિબ્ડિનાઇટ : મૉલિબ્ડિનમનું ખનિજ. રાસા. બં. : MoS2. સ્ફ. વર્ગ : હેક્સાગોનલ. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે પાતળાથી જાડા મેજઆકાર, ફલકો ઓછા પ્રમાણમાં વિકસેલા, ષટ્કોણીય દેખાવ દર્શાવે, ક્યારેક પીપડા જેવા આકારમાં પણ હોય. સામાન્યપણે પત્રબંધીવાળા, વિકેન્દ્રિત જથ્થાવાળા, શલ્ક સ્વરૂપે કે વિખેરાયેલા દાણા સ્વરૂપે મળે. અપારદર્શક. સંભેદ : (0001) પૂર્ણ વિકસિત, સરળ. પ્રભંગ : પતરીઓ નમનીય, બિનસ્થિતિસ્થાપક, છેદ્ય. ચમક : ધાત્વિક, સ્પર્શ ગ્રીઝ જેવો. રંગ : સીસા જેવા રાખોડી; ચૂર્ણરંગ : લીલાશપડતો. કઠિનતા : 1થી 1.5. વિ. ઘ. 4.62થી 5.06, સરેરાશ 4.7 ગણાય છે. પ્રકા. અચ. : ω = 4.336, ∈ = 2. પ્રકા. સંજ્ઞા : –Ve.

પ્રાપ્તિસ્થિતિ : તે કુદરતમાં પ્રાકૃત સ્થિતિમાં મળતું નથી, તેમજ ખનિજ તરીકે પણ તેની પ્રાપ્તિ વિરલ હોવા છતાં પોપડાના ખડકોમાં તે બહોળા પ્રમાણમાં વિતરણ પામેલું મળે છે. સામાન્ય રીતે તો તે ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટ કે ઍપ્લાઇટ સાથે મળે છે. ઊંચા તાપમાને તૈયાર થયેલી ઉષ્ણજળજન્ય શિરાઓમાં મળે, સંપર્ક-વિકૃતિ-નિક્ષેપો તરીકે મળે, કલાઈ-ટંગ્સ્ટનધારક શિરાઓમાં ફ્લોરાઇટ સાથે મળે. ગ્રૅનાઇટ કે સમકક્ષ ખડકોમાં (ટનદીઠ 2.3 ગ્રામ), બેસાલ્ટ ખડકોમાં (ટનદીઠ 2.4 ગ્રામ) અને સમુદ્રજળમાં (ટનદીઠ 0.001થી 0.0059 ગ્રામ) તે રહેલું હોય છે. વુલ્ફેનાઇટ ખનિજ(PbMoO4)માં પણ તે અમુક પ્રમાણમાં હોય છે.

પ્રાપ્તિસ્થાનો : મુખ્ય ઉત્પાદક દેશો યુ.એસ.(કૉલોરાડો, ન્યૂ મેક્સિકો અગ્રસ્થાને), કૅનેડા, ચિલી અને રશિયા છે. આ ઉપરાંત તે મેક્સિકો, પેરૂ, ઇંગ્લૅન્ડ, નૉર્વે, સ્વીડન, પૉર્ટુગલ, જર્મની, ચેકોસ્લોવેકિયા, મોરૉક્કો, આફ્રિકાના કેટલાક અન્ય ભાગો, ચીન, જાપાન અને ઑસ્ટ્રેલિયામાંથી પણ મળે છે.

ભારત : ભારતમાં તે ઈશાન ભાગમાં આવેલી ખાસી ટેકરીઓમાં, બિહારના હઝારીબાગ જિલ્લામાં, આંધ્રના ગોદાવરી જિલ્લામાં, તામિલનાડુના મદુરાઈ વિસ્તારમાં, મધ્યપ્રદેશમાં તેમજ કર્ણાટકમાં મળે છે. 1990ની આકારણી મુજબ આ ખનિજનો ખનનયોગ્ય ખાતરીબંધ અનામત જથ્થો 80.37 લાખ ટન જેટલો હોવાનો અંદાજ છે. દેશમાં તેનું ઉત્પાદન અનિયમિત રહે છે. કેટલીક કંપનીઓ ફેરો-મૉલિબ્ડિનમ બનાવે છે, જેનું ઉત્પાદન ´88–´89, ´89–´90 અને ´90–´91નાં વર્ષોમાં વાર્ષિક 180થી 185 ટન જેટલું રહેલું.

મૉલિબ્ડિનાઇટ

ઉપયોગો : લોખંડ–પોલાદઉદ્યોગમાં તેની (મૉલિબ્ડિનમની) ઉપયોગિતા માટેની વધતી જતી માંગને કારણે તેના ઉત્પાદનને વેગ મળ્યો છે. દુનિયાનું આ ધાતુનું ઉત્પાદન 1989માં 1,17,000 ટન સુધી પહોંચી ગયેલું. મૉલિબ્ડિનમનો મુખ્ય ઉપયોગ વિશિષ્ટ પ્રકારના પોલાદની બનાવટમાં ફેરોમૉલિબ્ડિનમ મિશ્રધાતુ-સ્વરૂપે થાય છે. સ્નેહક (ઊંજણ) તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા