મોલારામ (જ. આશરે 1740, ગઢવાલ; અ. આશરે 1804 પછી, ગઢવાલ) : પહાડી લઘુચિત્રકલાની ગઢવાલ-શાખાના પ્રસિદ્ધ ચિત્રકાર. મોલારામના બાપદાદાઓ મુઘલ રાજદરબારના કુશળ ચિત્રકારો હતા. તેઓ સત્તરમી સદીની મધ્યમાં ગઢવાલમાં આવી વસ્યા. ગઢવાલની અલકનંદા નદીને કાંઠે આવેલ શ્રીનગરના રાજાઓ પ્રદીપ શાહ (1717–1772), લલાટ શાહ (1772–1780); જયકૃત શાહ (1780–1785) અને પ્રદ્યુમ્ન શાહે (1785–1803) મોલારામના બાપાદાદાઓને, ખુદ મોલારામને અને તેમના વંશજોને રાજ્યાશ્રય આપેલો. શ્રીનગરના રાજા લલાટ શાહના શાસનકાળ દરમિયાન મોલારામે રાજદ્વારી હોદ્દા પણ સ્વીકારેલા. મોલારામ કે તેમનાં ચિત્રોની સમકાલીનોએ કદર કરી જણાતી નથી. તેમણે ચીતરેલાં મોટા ભાગનાં ચિત્રો તેમની પાસે જ રહ્યાં. આ દુ:ખ વ્યક્ત કરવા તેઓ ચિત્રો પાછળ પદ્યમાં રોદણાં રજૂ કરતાં. ચિત્રો પાછળ તેમને સમયની નોંધ ટપકાવવાની ટેવ પણ હતી. તેમની મહત્વની કૃતિઓમાં ‘કન્યા અને મોર’ (1775) તથા ‘કન્યા અને તેતર’(1795)નો સમાવેશ થાય છે. પ્રદ્યુમ્ન શાહના અવસાન બાદ ગઢવાલના સત્તાધીશ બનેલ ગુરખા રાજવી સાથે પણ મોલારામને સારા સંબંધો રહ્યા હતા.
હાલ મોલારામનાં ચિત્રો દેશવિદેશનાં પ્રસિદ્ધ સંગ્રહાલયોમાં અને અંગત સંગ્રહોમાં સચવાયેલાં છે.
અમિતાભ મડિયા