ઈડ્ઝ, જેમ્સ બુકાનન (જ. 23 મે 1820, લૉરેન્સબર્ગ; અ. 8 માર્ચ 1887, નસાઉ-બહામા) : પુલો માટેની કેન્ટિલીવર ડિઝાઇનના અમેરિકન શોધક. આગબોટમાં હિસાબનીશ તરીકે જીવનની શરૂઆત. ડૂબકી મારવા માટે ઘંટાકાર સાધન શોધી કાઢીને તેના ઉપયોગથી ડૂબી ગયેલાં વહાણો બહાર કાઢવાના ધંધામાં સારી કમાણી કરી. મિસિસિપી નદીના મુખ આગળ યોગ્ય રીતે ધક્કા (jetty) બાંધીને ન્યૂ ઑર્લિયન્સ શહેરને બારમાસી બંદર બનાવ્યું. મિસિસિપી નદી ઉપર 1874માં તેમણે એ સમયનો લાંબામાં લાંબો લોખંડનો કેન્ટિલીવર ડિઝાઇનનો સેંટ લુઈ નામનો પુલ બાંધ્યો. આ પુલ તે જમાનાનું આશ્ચર્ય ગણાય છે. લગભગ 152 મીટર લાંબા કમાનગાળાઓ(arch spans)ને થાંભલા ઉપર ગોઠવીને આ પુલ તૈયાર કરાયેલ છે.
વપરાયેલા માલસામાનની ગુણવત્તાની ઝીણવટભરી ચોકસાઈએ આ રાક્ષસી યોજનાની સફળતામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. એન્ડ્રુ કાર્નેગીના કારખાનાનું લોખંડ પણ હલકી ગુણવત્તાને કારણે કોઈ કોઈ વાર અસ્વીકાર પામ્યાનું નોંધાયું છે. તેને માટે દર ચોરસ સેન્ટીમિટરે 4,000 કિગ્રા.નું તાણસામર્થ્ય (tensile strength) હોવું જરૂરી હતું. યુદ્ધ માટે લોખંડનાં બખ્તરવાળાં વહાણો તૈયાર કરવાનું પણ ઈડ્ઝે શોધી કાઢ્યું હતું. બ્રિટનની રૉયલ સોસાયટી ઑવ્ આર્ટ્સે આલ્બર્ટ ચંદ્રક તેમના કાર્યની કદર રૂપે તેમને અર્પણ કર્યો હતો. આ માન મેળવનાર તેઓ પ્રથમ અમેરિકન હતા.
જયંતિલાલ જટાશંકર ત્રિવેદી