મૉન્તેવર્દી, ક્લૉદિયો (જ. 15 મે 1567; અ. ક્રિમોઆ, ઇટાલી; અ. 29 નવેમ્બર 1643) : યુરોપના સર્વકાલીન મહાન સંગીતસર્જકોમાં સ્થાન પામનાર સોળમી સદીના ઇટાલિયન સંગીતસર્જક. ધાર્મિક સંગીત, નાટ્યસંગીત અને મૅડ્રિગલ દ્વારા તેમની સર્જનાત્મકતાનો આવિષ્કાર થયો. તે એક કેથલિક પાદરી, ગાયક અને રીઢા જુગારી પણ હતા.
ક્રિમોઆના કથીડ્રલમાં કૉયરબૉય તરીકે તેમણે કારકિર્દીનો આરંભ કર્યો. 23 વરસની ઉંમરે તેઓ માન્તુઆના ગોન્ઝાગા કુટુંબમાં સંગીતકાર અને સંગીતનિયોજક તરીકે સેવા આપવા માટે જોડાયા. અહીં તેમનો પરિચય સંગીતકારો દ વર્ટ, ગાસ્ટૉલ્ડી અને વિયાદાના સાથે થયો. ક્રિમોઆના ડ્યૂક સાથે તેમણે તુર્કોને તગેડી મૂકવા માટે હંગેરી તથા ત્યારપછી બ્રસેલ્સની યાત્રા કરી. બ્રસેલ્સનિવાસ દરમિયાન ફ્રાંકો–ફ્લેમિશ કલાપ્રવાહથી તેઓ ખાસા પરિચિત થયા. આને લીધે તેમના આરંભકાળના સંગીત પર તેમની (ફ્રાંકો–ફ્લેમિશ સંગીતશૈલીની) એટલે કે અનેક સ્વરના સહઅસ્તિત્વવાળી શૈલી (polyphonic style)ની અસર પડી. પણ આ અસર અલ્પાયુષી નીવડી. મૉન્તેવર્દીએ ક્રાંતિકારી બની આ જૂની શૈલી ફગાવી દીધી તથા ‘આવાં ગાર્દ’ના પ્રખર પુરસ્કર્તા બની રહ્યા. માન્તુઅન કૉયરના દિગ્દર્શક બેનેદેત્તો પાલ્લાવિચિનોના અવસાન બાદ મૉન્તેવર્દી માન્તુઅન કૉયરના દિગ્દર્શક બન્યા. તેમણે ક્લૉદિયા કાટ્ટાનિયો નામની યુવાન ગાયિકા સાથે લગ્ન કર્યું, પરંતુ ટૂંકસમયમાં જ તેનું અવસાન થતાં મૉન્તેવર્દીનું અંગત જીવન વેરાન બની રહ્યું. આ સમયે તે શક્તિશાળી નીવડેલા હોવા છતાં અને તેમની ખ્યાતિ પ્રસરી ચૂકી હોવા છતાં ડ્યૂકે પગારવધારાની માગણી સ્વીકારી નહિ તેથી કંટાળીને મૉન્તેવર્દીએ 1612માં ડ્યૂકને ત્યાંથી કૉયર દિગ્દર્શકના પદેથી રાજીનામું આપ્યું. બીજા જ વરસે ઇટાલિયન સંગીતની સૌથી વધુ પ્રતિષ્ઠિત પદવી એટલે કે વેનિસના સેંટ માર્કના દિગ્દર્શકની પદવી તેમને મળી. મૉન્તેવર્દી જીવનનાં અંતિમ વરસો સુધી અહીં જ રહ્યા. અહીં જોડાતાં જ તેમને માન્તુઆના કૉયરના દિગ્દર્શક કરતાં બમણો પગાર તેમજ અનેકગણી વધુ સારી કાર્ય-સુવિધાઓની પ્રાપ્તિ થઈ. અહીં તેમણે પોતાના જીવનની મહાન કલાકૃતિઓની રચના કરી તેમજ તે કલાકૃતિઓને વિવિધ દેવળો અને ઑપેરા-હાઉસોમાં હજારોની સંખ્યા ધરાવતા શ્રોતાવૃંદો સમક્ષ મંચન (perform) પામતી જોઈ શક્યા.
સંગીત વડે ટેક્સ્ટ પર શણગાર કરવા સામે મૉન્તેવર્દીનો પહેલેથી જ વિરોધ હતો. મૉન્તેવર્દીએ ટેક્સ્ટના ભાવોને વધુ સ્ફુટ બનાવ્યા અને આ માટે જ તેમણે અનેક સ્વરોના સહઅસ્તિત્વ(polyphony)ને ફગાવી દીધું, અને મૉનૉડી (monody) (એક સ્વરને અનુરૂપ હાર્મનિઝ)ની પદ્ધતિને ઉત્તેજન આપ્યું. આને કારણે મૉન્તેવર્દીના સંગીતની અભિવ્યક્તિની શક્તિ (expressive power) તેમના પૂર્વસૂરિઓની તુલનામાં ઘણી વધી ગઈ. મૉન્તેવર્દીએ પૉલિફોનિસ્ટોની કડક શબ્દોમાં ઝાટકણી પણ કાઢી. મૉન્તેવર્દી નવી શૈલી(monody)ના સર્જક તરીકે પ્રતિષ્ઠિત થયા.
ઑપેરા : આલેસાન્દ્રો સ્ટ્રિજિયો(Alessandro Strigio)ના લિબ્રેટો (text) પર આધારિત મૉન્તેવર્દી-સર્જિત ઑપેરા ‘ઑર્ફિયો’ યુરોપિયન ઑપેરાના ઇતિહાસમાં પ્રથમ ઉત્તમ રચના ગણાય છે. મૉન્તેવર્દીએ તેમાં વિવિધ ગાયકવૃંદો, એકલકંઠો (solos) અને નૃત્યોનો ઉપયોગ કર્યો છે. મૉન્તેવર્દીએ લિબ્રેતોને નાટ્યાત્મક ઉઠાવ આપ્યો હોવા છતાં શાબ્દિક ટેક્સ્ટનું વળગણ સ્વીકાર્યા વિના સંગીત વડે આહલાદક અભિવ્યક્તિ કરી છે. માનવ-લાગણીઓના સમગ્ર ચિત્તતંત્રને અભિવ્યક્ત કરવાનું મૉન્તેવર્દીનું ધ્યેય અહીં સિદ્ધ થયું છે. આનંદ, હતાશા, ક્રોધ, કામ, ઈર્ષ્યા, શાંતિ, ઇત્યાદિ ભાવોને તેમણે વિશિષ્ટ ઉઠાવ આપ્યો છે.
બીજું, મૉન્તેવર્દીએ વાદ્યોના વિશિષ્ટ ઉપયોગ દ્વારા ભાવો અને વાતાવરણને ઉઠાવ આપવાની શરૂઆત કરી. દાખલા તરીકે, સૅકબટના (sackbut – ટ્રૉમ્બૉનનું પૂર્વજ) ઉપયોગ વડે તેઓ નાટ્યોચિત વાતાવરણ જમાવતા હતા.
આ પછી તેમણે રિનુચિની(Rinucini)ના લિબ્રેતો પર આધારિત ઑપેરા ‘એરિનુઆ’ (Arinua) લખ્યો. તેના પ્રથમ મંચન વખતે સામે બેઠેલું શ્રોતાવૃંદ રડી પડેલું ! આ હૃદયદ્રાવક ઑપેરામાંથી આજે માત્ર થોડો ભાગ જ બચેલો મળે છે. આ પછી મૉન્તેવર્દીએ રિનુચિનીના લિબ્રેતો પર આધારિત ઑપેરા ‘બૅલો દેલે ઇન્ગ્રાતે’ (Ballo delle Ingrate) લખ્યો. તેમાં મૃત્યુ અને મૃત્યુ પછીની પરિસ્થિતિની રજૂઆત કેન્દ્રસ્થાને છે.
મૉન્તેવર્દીની મોટાભાગની નાટ્યકૃતિઓ હાલમાં ખોવાઈ ગઈ છે. સદભાગ્યે, તેમાંથી ‘કૉમ્બેત્તિમેન્તો દિ તેન્ચ્રેદી ઇ ક્લૉરિન્દા’ નામની કૃતિ બચી ગઈ છે. આ કૃતિ ઑપેરા કરતાં બિનસાંપ્રદાયિક કેન્ટાટાને મળતી વધુ જણાય છે. તે એક વાયોલવૃંદ, કીબૉર્ડ અને ત્રણ કંઠ માટે છે. યુદ્ધનાં ર્દશ્યો માટે મૉન્તેવર્દીએ અહીં પિત્ઝિકૅટો (વાયોલના તાર ગજથી નહિ, પણ આંગળીથી વગાડવા તે) અને ટ્રેમોલો (tremolo – ગજ વડે વાયોલ પર ઝડપથી આગળપાછળ ગતિ કરી ધ્રુજારીની અસર ઊભી કરવી તે) વડે વાતાવરણ જમાવ્યું છે. તેમાં આધુનિક પ્રોગ્રામૅટિક સંગીતનાં લક્ષણો જોઈ શકાય છે. આ ઉપરાંત 74 વરસની ઉંમરે લખેલ અને પુરાકથાના વસ્તુ પર આધારિત બે ઑપેરા ‘ઇલ રિતૉર્નૉ દ્’ ઉલિસે ઇન્ પેટ્રિયા’ (1641) અને ‘લ્ ઇન્કૉરોનૅઝિયો દિ પૉપિયા’ (1642) પણ મૉન્તેવર્દીના સર્જનની ઉત્કૃષ્ટ કૃતિઓ ગણાય છે.
ધાર્મિક સંગીત : માત્ર 15 વર્ષની ઉંમરે જ મૉન્તેવર્દીએ પૉલિફોનિક શૈલીમાં ‘સાક્રાએ કૅન્ટિન્યૂલે’ શીર્ષક હેઠળ ત્રિઅંકી મોટટ સર્જ્યાં હતાં અને પ્રકાશિત કર્યાં હતાં. આ પછી 1610માં ‘વેસ્પર્સ’ શીર્ષક હેઠળ છઅંકી ‘માસ’ લખ્યો હતો.
આ પછી 1641માં ચાર-અંકી એ કૅપ્પેલા (વાદ્યવૃંદની સંગત વિનાના) ખાસ ‘સેલ્વા મોરાલે ઇ સ્પિરિચ્યુઆલે’નું સર્જન કર્યું. તે પછી 1650માં ‘મેસા ઇ સેલ્મી’ શીર્ષક હેઠળ છ કંઠ, બે વાયોલિન, બે સેક્બટ અને બે કુર્ટાલ (બાસૂન-bassoon-નું પૂર્વજ વાદ્ય) માટે માસ લખ્યો, જેનું મરણોત્તર પ્રકાશન થયું.
મૅડ્રિગલ : મૉન્તેવર્દીના મૅડ્રિગલમાં નાટ્યાત્મક તણાવનું નવું તત્વ જોવા મળે છે. તેમના સમકાલીન વિવેચકોએ તેમનાં મૅડ્રિગલને આધુનિક કહી વખોડી કાઢ્યાં હતાં; પરંતુ હકીકતમાં તેની આ નાટ્યાત્મકતા શોભાનાં લટકણિયાં નથી, પણ ટેક્સ્ટની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવાની પ્રયુક્તિ છે. તેમનાં મૅડ્રિગલમાં ‘બૅસો કન્ટિન્યૂઓ’ની નવી શૈલી જોવા મળે છે. આ શૈલીમાં કીબૉર્ડવાદક મંદ્ર સપ્તકના સ્વરો પર શીઘ્રસ્ફુરિત સ્વરસામંજસ્ય રચે છે. મૉન્તેવર્દીનાં મૅડ્રિગલ કુલ 6 પુસ્તકો 1614 સુધીમાં પ્રકાશિત થયાં છે.
અમિતાભ મડિયા