મોના લીસા : રેનેસાં યુગના મહાન વિચારક અને કલાકાર લિયોનાર્દો દ વિન્ચી દ્વારા 1503–06 દરમિયાન આલેખાયેલું જગમશહૂર ચિત્ર. હાલમાં તે પૅરિસના લૂવ્ર મ્યુઝિયમમાં પ્રદર્શિત થયેલું છે. 77 × 53 સેન્ટિમીટર ફલકનું આ ચિત્ર લાકડાની સપાટી પર તૈલરંગો વડે ચીતરાયેલું છે. ચિત્રની સપાટીને ઘણું નુકસાન થયું હોવાથી તે ખરાબ હાલતમાં છે.
આ વ્યક્તિચિત્ર મોના લીસા નામની સ્ત્રીનું હોવાની માન્યતા વ્યાપક છે; પરંતુ આ મોના લીસા કોણ અથવા તો આ મોના લીસાના છદ્મવેશમાં કઈ વ્યક્તિ છે તે એક કોયડો છે અને કલા-ઇતિહાસકારોમાં આ અંગે વિવાદ છે.
આ ચિત્રમાં ઊંચાનીચા ખડકો ધરાવતા પર્વતો અને નદીઓ દ્વારા રચાયેલ નિસર્ગની પશ્ચાદભૂમિકામાં યુવાન સ્ત્રીને અગ્રભૂમિકામાં ગોઠવી છે. પ્રકૃતિ અને માનવ-આકૃતિનું લિયોનાર્દોએ અહીં યોજેલું સંયોજન દર્શકો માટે સંમોહક નીવડ્યું છે. લૂવ્ર મ્યુઝિયમમાં આ ચિત્ર સામે ટોળેટોળાં ઊમટે છે અને તેની પ્રતિકૃતિઓ લાખો-કરોડો લોકોનાં ઘરોમાં, ઑફિસમાં, ટી-શર્ટ પર, વૉલેટમાં, ગળાના પેન્ડન્ટ પર તથા વ્યવસાયી વિજ્ઞાપનમાં એમ વિવિધ હેતુએ વિવિધ સ્થળોએ જોવા મળે છે. ધંધાદારી ઉત્પાદકોએ પોતાની સેવા કે પોતાના માલની જાહેરાતોમાં વિકૃત કરીને આ કલાકૃતિનો ઘણો ઉપયોગ કર્યો છે. કલા પ્રત્યે સહેજ પણ રુચિ કે આકર્ષણ નહિ ધરાવતા લાખો લોકો પણ મોના લીસા ચિત્રની પ્રતિકૃતિને જોતાં જ તેને ઓળખી કાઢતા જોવા મળે છે અને લાગણીસહજ પ્રતિભાવ દાખવતા પણ જણાય છે.
પશ્ચાદભૂમિકામાં રહેલી પ્રકૃતિને લિયોનાર્દોએ માનવીને થતા ચાક્ષુષ ભ્રમ (optical illusion) અનુસાર ચીતરી છે. કોઈ પણ પદાર્થ પરથી પરાવર્તિત પ્રકાશ હવામાં લાંબું અંતર કાપે ત્યારે તે મૂળમાં ગમે તે રંગનો હોવા છતાં નીલ (blue) રંગ ધારણ કરે છે અને જેટલે દૂરથી પ્રકાશ આવતો હોય તેટલા પ્રમાણમાં તે વધુ નીલ બને છે. વળી પદાર્થો જેમ દૂર હોય તેમ પદાર્થોની ધાર (edge) વધુ અસ્પષ્ટ અને ધૂંધળી દેખાય છે. આ બે વૈજ્ઞાનિક અનુભવજન્ય તથ્યોને અનુલક્ષીને અહીં પ્રકૃતિનું ચિત્રણ કરાયું છે. અગ્રભૂમિકામાં બેઠેલી રૂપાળી યુવતી પર પડતો પ્રકાશ ઘણો જ સૌમ્ય છે, તેથી યુવતીના ચહેરા અને હાથ પર પડછાયા ચોક્કસ રેખાંકિત દેખાતા નથી, પણ પ્રકાશિત ભાગથી પડછાયા તરફ વધતી છાયાઓની સમગ્ર શ્રેણી જોવા મળે છે. સ્ફુમૅટો (sfumato) નામે ઓળખાતી આ પ્રકાશ-છાયાના મિશ્રણની ક્રિયાના, ઉત્તર ગ્રેકોરોમન સમયમાં પ્રથમ પુરસ્કર્તા લિયોનાર્દો હતા. યુવતીના હોઠનો ડાબો ખૂણો ગાલ તરફ સહેજ ખેંચાયેલો હોવાથી મુખ પર એક રહસ્યમય સ્મિતની રચના થઈ છે. સદીઓથી કરોડો લોકોને આ ચિત્ર તરફ ખેંચાણ થતું રહ્યું છે તેની પાછળ આ જાદુઈ સ્મિત નિર્ણાયક કારણ છે, તેવું મનોવિજ્ઞાનીઓનું માનવું છે. યુવતીની આંખો નિસર્ગમાં નહિ, પણ ચિત્રની બહાર દર્શકો સામે સીધી તાકી રહેલી જણાય છે. યુવતીનાં કપડાં ઘેરા ભૂખરા રંગનાં છે. કલા-ઇતિહાસકાર વૉલ્ફિલનના મતે તે મૂળમાં પીળા રંગની બાંયવાળાં લીલા રંગનાં હતાં; પરંતુ સપાટી પર રંગરક્ષક વાર્નિશનાં પડ ઉપર પડ ચડવાને કારણે હાલમાં રંગો ભૂખરા પડી ગયા છે.
કલા-ઇતિહાસકાર વસારીને મતે ફ્રાન્ચેસ્કો દે લ જ્યોકોન્ડોની પત્ની મોના લીસા દે લ જિયોકૉન્ડો નામની યુવતી આ વ્યક્તિચિત્રનું મૉડલ હતી, તેથી આ ચિત્ર ‘મોના લીસા’ નામે ખ્યાતિ પામ્યું; પરંતુ વૉલ્ફિલન અને અન્ય ઘણા વિદ્વાનો લિયોનાર્દોના વૃદ્ધ ઉંમરના આત્મવ્યક્તિચિત્રનાં મુખગત (facial) લક્ષણોને આધારે માને છે કે આ યુવતીનો ચહેરો લિયોનાર્દોની યુવાવસ્થાનો જ ચહેરો છે. બંને ચહેરાનાં લક્ષણો આબેહૂબ મળતાં આવે છે. લિયોનાર્દો સમલિંગકામી (homosexual) હતો, તેની સાબિતીઓ મળી આવેલ છે. તેથી આ શક્યતા નકારી કાઢવામાં આવતી નથી. જીવનના અંત લગી જુદાં જુદાં બહાનાં આગળ ધરીને લિયોનાર્દોએ આ ચિત્ર વેચ્યું નહિ, પણ પોતાની પાસે જ રાખ્યું હતું.
આ અણમોલ ચિત્ર 1911માં લૂવ્રમાંથી ચોરાયું હતું અને 1913માં તે પાછું પણ મળ્યું હતું. 1963માં અમેરિકાનાં વિવિધ મ્યુઝિયમોને પ્રદર્શન કરવા માટે તે ચિત્ર લોન તરીકે પણ અપાયું હતું.
વળી કેટલાક મહાન ચિત્રકારોએ આ અંગે જુદો જ પ્રતિભાવ દાખવ્યો છે. દા.ત., દાદા શૈલીના એક ચિત્રકાર માર્સેલ ડ્યૂશાંએ આ મહાન કૃતિની વિડંબના કરવાના હેતુથી તેમજ પરાવાસ્તવવાદી ચિત્રકાર સાલ્વાડોર ડાલીએ પોતાના કલા-વિષયક હેતુના સમર્થન રૂપે ‘મોના લીસા’ના ચિત્રની પ્રતિકૃતિ આલેખી તેના પર મૂછોનું ચિતરામણ કરવાની ચેષ્ટા પણ કરી હતી.
અમિતાભ મડિયા