મોદી, ગુજરમલ મુલ્તાનીમલ (જ. ઑગસ્ટ 1902, પતિયાળા; અ. 22 જાન્યુઆરી 1976, મુંબઈ) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર.
ખાનગી ટ્યૂશનો દ્વારા નાનપણમાં ખપ પૂરતું ભણતર લઈને કુમળી વયે પિતા સાથે વ્યાપારમાં જોડાઈ ગયા. થોડા સમય માટે અનુભવ લઈ મોદી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના કરી અને તેનું ચૅરમૅનપદ સંભાળ્યું.
મોદી ગ્રૂપ ઑવ્ ઇન્ડસ્ટ્રીઝના નેજા નીચે મોદી શુગર લિ.; મોદી પેઇન્ટ્સ લિ.; મોદી ટેક્સ્ટાઇલ્સ લિ.; મોદી થ્રેડ્ઝ લિ.; મોદી વનસ્પતિ લિ.; મોદી ફ્લૉર મિલ્સ લિ.; મોદી સ્ટીલ લિ. તથા મોદી કાર્બન લિ.ની સ્થાપના કરી. અમેરિકાની રોહમ ઍન્ડ હૅસ (Rohm & Haas) નામની કંપની સાથેના સહયોગમાં મોદી યાર્ન લિ.માં નાયલૉન યાર્નનું ઉત્પાદન શરૂ કર્યું. કૉન્ટિનેન્ટલ લિમિટેડના તકનીકી સહયોગથી મોદી ઇન્ટરનેશનલ અને કૉન્ટિનેન્ટલ ટાયર્સ લિ.ની સ્થાપના કરી. ટાયરો બનાવવાની શરૂઆત કરી. વળી ઇંગ્લૅન્ડની ટેન્ક્ ઝેરૉક્સ કંપની સાથે સહયોગ સાધી ઝેરૉક્સ કૉપિયર મશીનો બનાવવાની પણ શરૂઆત કરી. આ રીતે મોદી ગ્રૂપ ઑવ્ ઇન્ડસ્ટ્રીઝમાં ખાંડ, વનસ્પતિ, આટો, બરફ, સાબુ, દોરા, ગૅસ, નાયલૉન યાર્ન, ટાયરો, લોખંડના સળિયા, રંગ અને વાર્નિશ, આલ્કોહૉલ અને સ્પિરિટ વગેરેનું ઉત્પાદન શરૂ કરી દેશના ઔદ્યોગિકીકરણમાં મહત્વનો ફાળો આપ્યો.
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં મોદીનગર અને મોદીપુરમ્ નામની બે ઔદ્યોગિક વસાહતોની તથા બરેલીમાં ગુજરમલ મોદીગ્રામની સ્થાપના કરી.
તેમણે 1968-69માં ફેડરેશન ઑવ્ ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝનું પ્રમુખપદ સંભાળ્યું. આ ઉપરાંત ઇન્ડિયન ગ્રેઇન મર્ચન્ટ્સ ઍસોસિયેશનના ચૅરમૅન તરીકે પણ તેમની વરણી થઈ હતી. ઉત્તર પ્રદેશ ચેમ્બર્સ ઑવ્ કૉમર્સના સંસ્થાપક પ્રમુખ તરીકે તેમણે કામગીરી કરી હતી.
આ ઉપરાંત તેઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રિઝર્વ બૅંક, આઇ. આઇ. ટી. – કાનપુર વગેરે સંસ્થાઓના નિયામક તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.
ગુજરમલ દાનવીર હતા. તેમણે મોદીનગર, પતિયાળા અને સુકરતાલમાં મંદિરો બંધાવ્યાં. આર. બી. મુલ્તાનીમલ ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. પશ્ચિમ પાકિસ્તાનમાંથી આવેલ હિજરતીઓ માટે તેમણે એક ઔદ્યોગિક નગર વસાવ્યું. શિક્ષણસંસ્થાઓની સ્થાપનામાં પણ તેમણે સક્રિય રસ લીધો હતો.
બ્રિટિશ સરકારે તેમને 1942માં રાયબહાદુરનો ઇલકાબ આપ્યો તથા ભારત સરકારે 1968માં તેમને ‘પદ્મભૂષણ’થી નવાજી તેમનું બહુમાન કર્યું હતું.
જિગીશ દેરાસરી