મોત્સાર્ટ, વુલ્ફગેન્ગ એમિડિયસ (MOZART, WOLFGANG AMEDEUS) (જ. 27 જાન્યુઆરી 1756, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 5 જાન્યુઆરી 1791, વિયેના, ઑસ્ટ્રિયા) : યુરોપી સંગીતજગતના એક મહાન સંગીતનિયોજક (composer). પિતા લિયોપોલ્ડ મોત્સાર્ટ વાયોલિનિસ્ટ, તથા સાલ્ઝબર્ગના આર્ચબિશપના સંગીત-નિયોજક તથા વાદકવૃંદના ઉપસંચાલક (kapellmeister) હતા. માતાનું નામ આના મારિયા. યુગલનાં 7 સંતાનો પૈકી 2 જ બાળપણ ઓળંગી મોટાં થયાં, મારિયા આના તથા વુલ્ફગૅન્ગ. માતા બાળપણમાં જ મૃત્યુ પામી અને લિયોપૉલ્ડે બંને સંતાનોને ઉછેરીને મોટાં કર્યાં. બંને બાળકોમાં નાનપણથી સંગીતની ઊંડી સૂઝ તથા પ્રતિભા હતાં. લિયોપોલ્ડે તેમને બાળપણથી જ પદ્ધતિસરનું શિક્ષણ આપવું શરૂ કર્યું. 5 વરસની ઉંમરથી જ મોત્સાર્ટે સંગીતનિયોજનનું કાર્ય શરૂ કર્યું તથા 8 વરસની ઉંમરથી પોતાની સંગીતરચનાઓ પ્રગટ કરવા માંડી; તેમાંથી આજે પણ કેટલીક સંગીત-રચનાઓ બચી છે. 8 વર્ષની વયથી જ લિયોપોલ્ડે વુલ્ફગૅન્ગને યુરોપયાત્રાઓ શરૂ કરાવી દીધી. તેથી મૅન્હિમ, પૅરિસ, બ્રસેલ્સ, રહાઇનલૅન્ડ, લંડન, જિનીવા, બર્ન, મ્યૂનિક, મિલાન, પ્રાગ જેવાં નગરોના ટોચના સંગીતકારોનો પરિચય થતો ગયો તથા જે તે નગરના રાજદરબારમાં પોતાના સંગીતની રજૂઆત દ્વારા તેમણે ઘણા રાજપરિવારોનાં દિલ જીતી લીધાં. લિયોપોલ્ડની તીવ્ર ઇચ્છા છતાં આમાંથી એક પણ રાજપરિવારનો કાયમી આશ્રય (patronage) વુલ્ફગૅન્ગને સાંપડ્યો નહિ. આખરે 1770માં સાલ્ઝબર્ગના દરબારના વાદકવૃંદમાં તેમને નોકરી મળી; પરંતુ પ્રિન્સ-આર્ચબિશપ તેમને ગલીચ ભાષામાં સતત અપમાનિત કરતા રહ્યા. 1781માં તેમણે રાજીનામું આપ્યું. આ પછી તેમણે વિયેનામાં સ્વતંત્ર વ્યવસાયી પિયાનોવાદક અને સંગીતનિયોજક તરીકે જીવવા માંડ્યું. 1782માં પિતાની તીવ્ર અનિચ્છા છતાં તેમણે કૉન્સ્ટાન્ઝે વેબર સાથે લગ્ન કર્યું. યુરોપમાં તેમની ખ્યાતિ ધીમે ધીમે પ્રસરી રહી હતી. પરંતુ તેમની નાણાકીય હાલત એકંદરે ડામાડોળ રહી.
જીવનના પ્રારંભમાં વડીલ અને પીઢ સંગીતકાર જોસેફ હેડન ટૂંકા ગાળા માટે તેમના શિક્ષક હતા. પરંતુ 1783 પછી આ સંબંધ પરસ્પર ગાઢ મૈત્રીમાં પરિણમ્યો, અને પરસ્પરના સંગીત વિશે પણ પ્રભાવક બની રહ્યો. તેમણે વુલ્ફગૅન્ગના અકાળ અવસાન પછી તેમનાં સંતાનોના સંગીતશિક્ષણ અને ઉછેરમાં રસ લીધો હતો.
વુલ્ફગૅન્ગે માત્ર 35 વર્ષની નાનકડી જિંદગીમાં વિપુલ પ્રમાણમાં સંગીતસર્જન કર્યું હતું. તેમના જીવન દરમિયાન તેમને જે પ્રસિદ્ધિ મળી તે તેમના અવસાન પછી તેમનું મોટાભાગનું સંગીત પ્રગટ થવાને કારણે અનેકગણી વધી ગઈ. કૉચેલ નામના સંશોધકે તેમના સંગીતની પ્રતો એકઠી કરીને પ્રથમ વાર સમયાનુક્રમ અનુસાર ગોઠવવાનો પ્રયત્ન કરીને પ્રગટ કરી. આ યાદી અનુસાર વુલ્ફગૅન્ગની કુલ 626 સંગીતરચનાઓ મળે છે. આ ઉપરાંત ખોવાઈ ગયેલી અડધીપડધી હાલતમાં મળી આવેલી રચનાઓ અને શંકાસ્પદ કર્તૃત્વ ધરાવતી રચનાઓનાં પરિશિષ્ટ પણ તેમણે પ્રગટ કર્યાં. વીસમી સદીમાં આલ્ફ્રેડ આઇન્સ્ટાઇને કરેલા સંશોધન અનુસાર વુલ્ફગૅન્ગની અન્ય કેટલીક કૃતિઓ પણ મળી આવી છે.
વુલ્ફગૅન્ગની સંગીતરચનાઓમાં ઑપેરા (કુલ 16) તેમની સર્જનાત્મકતાનો ઉત્તમ ઉન્મેષ ગણાય છે, તેમાંથી ‘ઇડોમેન્યો’, ‘રે દી ક્રેટા’, ‘ડાય એન્ટ્ફુરુન્ગ ઓસ દૅમ સેરાઇલ’, ‘લ નોત્શે દ ફિગારો’, ‘ડૉન જિયોવાની’, ‘કોસી ફાન તુત્તી’, ‘ડાય ઝુપેરફ્લોટ’, ‘લ ક્લેમેન્ઝા’, ‘દી ટીટો’ મહત્વની છે. રંગમંચ માટેની અન્ય સંગીતરચનાઓમાં એક બૅલે, એક ઇન્ટરયેત્ઝો અને ત્રણ નાટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ચર્ચસંગીત તથા ધર્મેતર કંઠ્યસંગીતની પણ રચનાઓ કરી છે. (57 એક અવાજ, એરિયા ઑર્કેસ્ટ્રા સાથે. વાદ્ય સંગીત સાથે 9 કંઠ્ય ટ્રાયો. વાદ્યસંગીત સાથે 5 કંઠ્ય ડ્યુએટ, એક અવાજ અને પિયાનો માટે 36 જર્મન ગીતો. વાદ્યસંગીત વિના 35 કૅનન. એક મૅડ્રિગલ). સિમ્ફનીની રચનાઓમાં કુલ 41 સંપૂર્ણ સિમ્ફની તેમજ 7 અન્ય સિમ્ફનીના (બચેલા) ટુકડારૂપ રચનાઓ મળે છે. સિમ્ફની કન્ચર્ટોન્ટીની રચનાઓમાં વાદકવૃંદ સાથે વાયોલિન અને વાયોલા માટે અને વાદકવૃંદ સાથે ઓબો, ક્લૅરિનેટ, હૉર્ન અને બાસૂન માટે એક એમ કુલ 2 રચના સુલભ છે. કન્ચર્ટોમાં વાદકવૃંદ સાથે પિયાનો માટે 27, વાદકવૃંદ સાથે વાયોલિન માટે 5, ક્નચર્ટ રોન્ડો માટે 2, વાદકવૃંદ સાથે બાસૂન માટે 1, વાદકવૃંદ સાથે વાંસળી માટે 2, વાદકવૃંદ સાથે હૉર્ન માટે 4, વાદકવૃંદ સાથે ક્લૅરિનેટ માટે 1 એમ કુલ 42 ઉપરાંત રચનાઓ છે. આ ઉપરાંત વાદકવૃંદ સાથે વાયોલિનની કેટલીક ગતો પણ મળે છે.
અમિતાભ મડિયા