મોટો ઢોમડો (Great Blackheaded Gull) : મધ્ય રશિયા અને સાઇબીરિયાથી શિયાળામાં ભારત આવતા બધા ઢોમડાઓ પૈકી સૌથી મોટું અને દમામદાર પંખી. charadriiformes શ્રેણીના Laridae કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ છે : Larus inchthyaetus. તેનું કદ 66થી 72 સેમી. જેટલું હોય છે.

શિયાળામાં તેનું માથું કાળાને બદલે ભૂખરું બને છે. તેમાં કાળી કે બદામી રેખાઓ હોય છે. માર્ચ માસથી તેનું માથું કાળું થવા માંડે છે.  તેની ચાંચ મોટી, પીળી અને છેડે લાલ અને તેની આગળ કાળો ઊભો પટો હોય છે. તેના પગ પીળા હોય છે. પીઠ આછી રાખોડી અને બાકીનું શરીર સફેદ હોય છે. પાંખના છેડા સફેદ અને તેની ઉપર કાળો પટ્ટો અને તેથી ઉપર સફેદ પહોળી ફાચર જેવો ભાગ હોય છે.

મોટો ઢોમડો

તે મોટેભાગે એકલદોકલ જોવા મળે છે. તેની ઉડાન આકર્ષક હોય છે. તે મોટી પાંખો વડે હવામાં અનાયાસ સુંદર રીતે તરતો હોય તેમ જોવા મળે છે. તે જોરદાર સામા પવનમાંય આસાનીથી ઊડી શકે છે. હવાના પ્રવાહોનો લાભ લઈ સ્થિર પાંખે આકાશમાં તરતાં તરતાં, ભરતીમાં તણાઈ આવેલી મરેલી માછલી કે એવું કંઈ ખાદ્ય તરતું દેખાય તો અર્ધવર્તુળાકારે ઊડતાં નીચે આવી ચાંચથી તેને પકડી પાછો તે હવામાં ચડી જાય છે. પાણીમાં તરે ત્યારે તેના શરીરનો મોટો ભાગ પાણી બહાર દેખાય છે. મોટાં બંદરોમાં હોડી અને વહાણોની આસપાસ તે ઊડ્યા કરે છે. ત્યાંનો કચરો, એંઠવાડ આરોગી દરિયાના સફાઈ કામદારનું તે કામ કરે છે.

બળદેવભાઈ કનીજિયા