મેન્ડલબોમ, ડૅવિડ જી. (જ. 22 ઑગસ્ટ 1911, શિકાગો; અ. 19 એપ્રિલ 1987, શિકાગો) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. તેમણે નૉર્થવેસ્ટ યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને યેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1938થી 1946ના સમય દરમિયાન મિનેસોટા યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ વર્ષ મિલિટરી અને સરકારી વિભાગમાં સેવાઓ આપી. 1946માં નૃવંશશાસ્ત્ર વિભાગના અધ્યાપક તરીકે તેમની નિમણૂક કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં કરવામાં આવી. ત્યાં તેઓ નૃવંશશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ બન્યા. સેન્ટર ફૉર સાઉથઈસ્ટ એશિયાના પ્રમુખ તરીકે 1965–68 દરમિયાન રહ્યા. અમેરિકન ઍન્થ્રૉપૉલૉજિકલ ઍસોસિયેશન, અમેરિકન ઍસોસિયેશન ફૉર ઍપ્લાઇડ ઍન્થ્રૉપૉલૉજી, ધી ઍસોસિયેશન ફૉર ધી એશિયન સ્ટડીઝ, ધી ઍસોસિયેશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સ, અમેરિકન ઇન્ટિસ્ટટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડીઝ, યુ. એસ. નૅશનલ કમિશન ફૉર યુનેસ્કો અને કેટલાંક વ્યાપારી સંગઠનો સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. 1978માં નિવૃત્તિ લીધા બાદ તેમણે પ્રાધ્યાપક, સંશોધક તેમજ લેખક તરીકે સક્રિય અને સંનિષ્ઠ સેવાઓ પૂરી પાડી.

તેમની કારકિર્દીનો પ્રારંભ 1933માં નાના સંશોધનકાર્યથી થયો. 1934–35 દરમિયાન તેમણે ‘પ્લેઇન્સ ક્રી ઇન્ડિયન્સ ઑવ્ કૅનેડા ઍન્ડ ધ યુ. એસ.’નો સઘન સંશોધન-અભ્યાસ કર્યો. આ અભ્યાસ પાછળથી તેમના ડૉક્ટરેટ ડેઝર્ટેશનની પદવીનો ભાગ બની ગયો. એનું પુસ્તક સ્વરૂપે ‘ધ પ્લેઇન્સ ક્રી’ (1940) પ્રકાશન થયું. આ જ અભ્યાસને વધુ વિશદ અને ગહન બનાવવામાં આવ્યો, જે પુસ્તક-સ્વરૂપે ‘ધ પ્લેઇન્સ ક્રી : એથ્નૉગ્રાફિક, હિસ્ટૉરિકલ ઍન્ડ કમ્પેરેટિવ સ્ટડીઝ’ (1979) પ્રકાશિત થયો. આ પુસ્તકમાં પ્રજાતિશાસ્ત્રીય માહિતીની છણાવટ કરવામાં આવી છે.

1935–38 દરમિયાન નગરીય બાબતોનો અપ્રાસંગિક અભ્યાસ કર્યો. ભારતમાં વિવિધ આદિવાસી જૂથોના પોતે કરેલ અભ્યાસોનો એ પ્રારંભ હતો. તેમણે ભારતમાં નીલગિરિ હિલના કોટા (1938), ત્રાવણકોરના ત્રણ આદિવાસી સમુદાયો, જૂઝ ઑવ્ કોચીન તથા ટોડા આદિવાસી સમુદાયનો અભ્યાસ કર્યો. વિશેષમાં તેમણે નૃવંશશાસ્ત્રના તુલનાત્મક અને સુગ્રથિત અભિગમોના પેટાવિભાગો બનાવીને કેટલાક અભ્યાસો કર્યા છે. ધાર્મિક ક્રિયાકાંડ, કુટુંબ અને લિંગ; જાતિ અને સગાઈસંબંધોનો વિકાસ; પરિવર્તન; વસ્તી અને પ્રજોત્પત્તિ; સમાજ અને સંસ્કૃતિ જેવી બાબતોને આવરી લેતા અનેક સંશોધન-અભ્યાસો કર્યા છે. તેની રજૂઆત ‘સોસાયટી ઇન ઇન્ડિયા’ (1974) એ પુસ્તકમાં કરવામાં આવી છે.

મેન્ડલબોમે દક્ષિણ એશિયા વિશે કેટલાંક પુસ્તકો લખ્યાં છે. નૃવંશશાસ્ત્રીય સંશોધનમાં ઉપયોગમાં લેવામાં આવતી જીવન-ઇતિહાસ(life history)ની પદ્ધતિનો ઉપયોગ કરીને તેમણે મહાત્મા ગાંધીજીના જીવનનો અભ્યાસ કર્યો. તે ‘ધ સ્ટડી ઑવ્ લાઇફ હિસ્ટરી : ગાંધી’ (1973) એ શીર્ષક નીચે પ્રગટ થયો હતો. મદ્યપાનના ઉપયોગ વિશેનાં સામાજિક-સાંસ્કૃતિક પાસાંઓને ધ્યાનમાં રાખીને તેમણે લખેલા કેટલાક લેખો ‘આલ્કોહૉલ ઍન્ડ કલ્ચર’ નામના પુસ્તક(1965)માં પ્રગટ થયા છે. અણુશસ્ત્રો વિશેના લેખો ‘ઍન્થ્રૉપૉલૉજી ફૉર ધ ન્યૂક્લિયર એજ’(1984)માં પ્રકાશિત થયા છે.

તેમણે લખેલા નિબંધોનું સંકલન ‘ધ ટ્રાન્સમિશન ઑવ્ ઍન્થ્રૉપૉલૉજિકલ કલ્ચર’ નામના પુસ્તક(1963)માં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે ‘ધ ટીચિંગ ઑવ્ ઍન્થ્રૉપૉલૉજી’ અને ‘રિસૉર્સિઝ ફૉર ધ ટીચિંગ ઑવ્ ઍન્થ્રૉપૉલૉજી’ (1966) નામનાં પુસ્તકો લખ્યાં છે.

મેન્ડલબોમને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન અનેક શિષ્યવૃત્તિઓ, સન્માનપત્રો તથા પુરસ્કારો પ્રાપ્ત થયાં છે. ક્રોબર ઍન્થ્રૉપૉલૉજિકલ સોસાયટીની 31મી વાર્ષિક બેઠકમાં તેમની સ્મૃતિના ભાગ રૂપે એક ગ્રંથ ‘ડાઇમેન્શન ઑવ્ ઍક્સિપીરિયન્સિઝ ઍન્ડ એસેઝ ઇન ઑનર ઑવ્ ડેવિડ જી. મેન્ડલબોમ’નું વિમોચન 1987માં કરવામાં આવ્યું.

હર્ષિદા દવે