ઈસ્ટર : ખ્રિસ્તીઓ દ્વારા ભક્તિભાવથી ઊજવાતો ઈસુના પુનરુત્થાનનો તહેવાર. પુનરુત્થાનને લીધે એમનો જન્મ તથા જીવન માનવ માટે આદર્શરૂપ બન્યાં. અંગ્રેજી શબ્દ ઈસ્ટર, ‘ટ્યૂટૉનિક’ (Teutonic) લોકોના વસંતોત્સવ ‘એવોસ્ટર’ (Eoustur) પરથી આવેલો છે. ઈસ્ટરની તિથિ બદલાય છે. તોપણ માર્ચ 22 તથા એપ્રિલ 25 વચ્ચેના રવિવારે હોય છે. સંકુચિત અર્થમાં લઈએ તો ઈસ્ટર તે રવિવાર પૂરતો જ મર્યાદિત છે, પરંતુ વ્યાપક અર્થમાં તેમાં તેની આગળના ત્રણ દિવસો અને વધારે વિશાળ અર્થમાં ભસ્મ બુધવાર(Ash Wednesday)થી માંડીને ઈસ્ટર પછીના રવિવાર સુધીના 47 દિવસો ઈસ્ટર પર્વમાં સામેલ છે.
ખ્રિસ્તીઓને મન ઈસુ એટલે ભગવાનનો અવતાર જ નહીં, પરંતુ માનવી માટેનું આદર્શ જીવન; આ આદર્શ મૂર્તિનું જીવન એટલે સત્ય અને પ્રેમનું જીવન. પણ સત્ય અને પ્રેમનો પંથ એટલે કસોટીનો, ક્રૂસનો પંથ. આ પંથ પુનરુત્થાન દ્વારા અનંત જીવનમાં પરિણમે છે. દેશ તેમજ ખ્રિસ્તી સંપ્રદાયોને આધારે ઈસ્ટરની ધાર્મિક અને સામાજિક ઉજવણીઓમાં વિવિધતા છે. ઈસ્ટર જાગરણાં સર્વસામાન્ય પ્રથા છે. મીણબત્તીધારીઓનું સરઘસ, સ્નાનસંસ્કાર, બાઇબલના પાઠોનું વાચન, ખ્રિસ્તયજ્ઞ વગેરે ઈસ્ટરની ધાર્મિક પ્રથાઓ છે.
ઘણા દેશોમાં શણગારેલાં ઈંડાં ભેટ આપવાનો રિવાજ છે. ઈંડાનું કવચ તોડીને બચ્ચું બહાર નીકળે એ પ્રક્રિયાને ઈસુના પુનરુત્થાન જોડે સરખાવવામાં આવે છે. શુભ્રવસ્ત્રધારી નવદીક્ષિતોની કૂચ, ‘ઈસુ ખરેખર ઊઠ્યા છે’નું અભિવાદન, ભાતભાતની રમતો વગેરે ઈસ્ટરની સામાજિક વિધિઓ છે.
ઈશાનંદ