મેદાનો : ભૂમિસ્વરૂપોનો એક પ્રકાર. વિશાળ વિસ્તારમાં પથરાયેલા સપાટ લક્ષણવાળા ભૂમિભાગો. પૃથ્વીના પટ પરના ખંડીય ભૂમિભાગો જે ઘણો મોટો વિસ્તાર આવરી લેતા હોય, લગભગ સમતલ સપાટ લક્ષણ ધરાવતા હોય અથવા તદ્દન ઓછા તફાવતના ઊંચાણ-નીચાણવાળા તેમજ આછા ઢોળાવવાળા હોય તેમને સામાન્ય રીતે મેદાનો તરીકે ઓળખાવી શકાય, પછી તે સમુદ્રસપાટીથી નજીકની ઊંચાઈએ રહેલા હોય, વધુ ઊંચાઈએ આવેલા ઉચ્ચસપાટપ્રદેશના વિસ્તૃત શિરોભાગ હોય, કે પછી ખીણોના પહોળા તળપ્રદેશો હોય. ‘સમુદ્રસપાટીએ કે આશરે 200 મીટર સુધીની સાધારણ ઊંચાઈએ આવેલા વિશાળ સપાટ ભૂમિવિસ્તારને મેદાન કહે છે’. તેમ છતાં ક્યારેક તે 500 કે 600 મીટરની ઊંચાઈએ પણ મળે છે. દા.ત., 600 મીટરની ઊંચાઈએ આવેલાં અમેરિકાનાં પ્રેરિઝનાં મેદાનો.

સમતલ અને સપાટ હોવાના લક્ષણને કારણે મેદાની પ્રદેશો અન્ય અનુકૂળ સંજોગો મળી રહે તો, અનેકવિધ માનવ-પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બની રહે છે. દુનિયાના આગળ પડતા ખેતીપ્રધાન વિસ્તારો, વાહનવ્યવહારની ઘનિષ્ઠ ગૂંથણી અને વસ્તીની ગીચતા મેદાની પ્રદેશો પર જોવા મળે છે. ક્યાંક ક્યાંક વિશાળ મેદાની પ્રદેશો શુષ્ક આબોહવા, જમીનોની ફળદ્રૂપતાને અભાવે અથવા જળઅછતને કારણે ઉપયોગી બની શકતા નથી.

વિસ્તરણ અને પ્રકારો : પૃથ્વીના કુલ ભૂમિવિસ્તારનો ​13થી થોડોક વધુ ભાગ મેદાનોથી આવરી લેવાયેલો છે. હિમાચ્છાદિત ઍન્ટાર્ક્ટિકાના અપવાદને બાદ કરતાં, દુનિયાના પ્રત્યેક ખંડમાં નાના નાના અસંખ્ય વિભાગો ઉપરાંત ઓછામાં ઓછો એક વિસ્તૃત મુખ્ય મેદાની વિસ્તાર આવેલો છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ભારતના સિંધુ-ગંગાના વિશાળ વિસ્તાર સહિત યુરેશિયાનાં અફાટ મેદાનો ખંડોના અંદરના ભાગોમાં આવેલાં છે; ઍટલાન્ટિક અને આર્ક્ટિકના કિનારા પર પણ તે વિસ્તરણ પામેલાં છે. આફ્રિકાનાં અતિ વિસ્તૃત મેદાનો સહરાનો મોટો ભાગ આવરી લે છે, જે દક્ષિણ તરફ કૉંગો અને કલહરી-થાળા સુધી વિસ્તરેલાં છે. ઑસ્ટ્રેલિયાનો મોટો ભાગ સમતલ સપાટ છે, પરંતુ ત્યાંના પૂર્વ કિનારાના વિભાગો વિસ્તૃત મેદાનોથી વંચિત છે.

જે ખરેખર તદ્દન સમતલ હોય એવા મેદાની વિસ્તારો દુનિયાભરમાં ઓછું પ્રમાણ ધરાવે છે. આવા વિસ્તારો સમુદ્રકાંઠાના નીચાણવાળા ભાગોથી અથવા મુખ્ય નદીઓના હેઠવાસના પટપ્રદેશોથી બનેલા હોય છે. વળી ખંડોના અંદરના ભાગોમાં નદીજન્ય નિક્ષેપોથી પથરાયેલાં થાળાં પણ મેદાનરૂપનાં હોય છે. આવાં મેદાનો પૈકી ઘણાંખરાં, નદીઓ કે હિમનદીઓ દ્વારા રચાયેલા નિક્ષેપોવાળાં કે ઘસારાછેદિત ખીણવિભાગોથી રચાયેલાં અસમતળ સ્વરૂપોવાળાં છે.

સ્થાનસંજોગ મુજબ મેદાનોના પ્રકારોનાં નામ અપાતાં હોય છે. કંઠારપ્રદેશોમાં મળતાં મેદાનોને કિનારાનાં મેદાનો કહે છે, જેમ કે ભારતીય દ્વીપકલ્પની પૂર્વ-પશ્ચિમ દરિયાઈ કિનારાપટ્ટી. આવાં મેદાનો જૂના વખતનાં છીછરાં સમુદ્રતળ પણ હોઈ શકે. દક્ષિણ ઍટલાન્ટિક કંઠારપટ અને યુ.એસ.ની અખાતી કિનારી તેનાં ઉદાહરણો ગણાય. પર્વત હારમાળાઓ વચ્ચેનાં વિસ્તૃત મેદાનો આંતરપર્વતીય મેદાનો (intermontane plains) કહેવાય. ઊંચાણનીચાણવાળા ભૂમિભાગોની વચ્ચે આવેલા સમતલ વિસ્તારોને મેદાની થાળાં (basin plains) કહેવાય છે. સમુદ્રસપાટીથી વધુ ઊંચાઈએ રહેલાં મેદાનો (upland plains) ઉચ્ચસપાટપ્રદેશોના નામથી પણ ઓળખાય છે. સમુદ્રસપાટીથી બહુ ઓછી ઊંચાઈએ સમતલ વિસ્તારો હોય તો તેને અધોભૂમિનાં મેદાનો (low land plains) કહે છે, તે નજીકની અંતરિયાળ ભૂમિથી પ્રમાણમાં ઘણાં નીચાં હોય છે.

પૃથ્વી પર આવેલાં, વિવિધ ક્રિયા-પ્રક્રિયાઓથી બનેલાં મેદાનોના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે :

(i) ઘસારાનાં મેદાનો (erosional plains or peneplains) : નદી, હિમનદી, પવન વગેરે જેવાં ધોવાણનાં પરિબળો ભૂમિનું સતત ધોવાણ કરે છે. પરિણામે ઊંચાઈએ રહેલા ભૂમિભાગો પણ ઘસાઈને નીચા બની જાય છે અને સપાટ વિસ્તારોમાં ફેરવાય છે, આને ઘસારાનાં કે ધોવાણનાં મેદાનો કહે છે. આવાં મેદાનોમાં જમીનનું પડ ઘણું જ પાતળું હોય છે, તેથી તે ખેતી માટે ઓછાં ઉપયોગી નીવડે છે. પૂર્વ ઇંગ્લૅન્ડનું મેદાન, ઉત્તર એશિયાનું મેદાન વગેરે આ પ્રકારનાં મેદાનો છે.

(ii) નિક્ષેપનાં મેદાનો (depositional plains) : નદી, હિમનદી, પવન જેવાં ધોવાણનાં પરિબળો દ્વારા ઉદભવતો ઘસારાજન્ય દ્રવ્યજથ્થો ઘસડાઈને ઘણે દૂર સુધી જઈને પથરાય છે. નિક્ષેપક્રિયા દ્વારા બનતાં આ પ્રકારનાં મેદાનોને નિક્ષેપનાં મેદાનો કહે છે. નદીકિનારા આસપાસ બનતાં આવતાં મેદાનો કાંપનાં મેદાનો (alluvial plains) કહેવાય છે. પૂરને કારણે જમાવટ પામતા નિક્ષેપમાંથી બનતાં મેદાનોને પૂરનાં મેદાનો (flood plains) (જુઓ આકૃતિ-2) તથા ત્રિકોણપ્રદેશની આજુબાજુ જમાવટ પામતા નિક્ષેપમાંથી બનતાં મેદાનોને મુખત્રિકોણનાં મેદાનો (deltaic plains) કહે છે. ગંગા, નાઇલ, મિસિસિપી, યૂફ્રેટીસ-ટાઇગ્ર્રિસ, સિક્યાંગ, યાંગત્સેકયાંગ, હોઆંગહો વગેરે જેવી નદીઓએ આ પ્રકારનાં મેદાનો બનાવ્યાં છે. કેટલીક નદીઓ સરોવરોને મળતી હોય છે અથવા સરોવરોમાંથી પસાર થતી હોય છે. સમય જતાં આવાં સરોવરો કાંપથી પુરાઈ જાય છે અને મેદાનમાં ફેરવાય તો તેને સરોવરનિર્મિત મેદાન (lacustrine plains) કહે છે. કૅનેડાનું અગાસિઝ સરોવરનું મેદાન આ પ્રકારનું છે. કેટલીક વાર નદી પર્વતમાંથી બહાર નીકળતી વખતે તળેટી પાસે નિક્ષેપ જમા કરે તો ત્યાં પંખા આકારનાં મેદાનો બનાવે છે. આવાં મેદાનોને પર્વત-પ્રાન્તી મેદાનો (piedmont plains) કહે છે. હિમનદીઓ સાથે ઘસડાઈ આવતો હિમઅશ્માવલીનો જથ્થો જ્યાં તેમનો બરફ ઓગળે ત્યાં જમાવટ પામે છે. આવાં નિક્ષેપોનાં મેદાનો હિમનદીજન્ય મેદાનો (drift plains) કહેવાય છે. પવનનું પરિબળ એક જગાએથી રેતી કે માટીના કણો ઉઠાવી બીજા પ્રદેશમાં પાથરે ત્યાં જે મેદાનો બનાવે તેને લોએસનાં મેદાનો (Loess plains) કહે છે. ચીનમાં આવેલું પીળી માટીનું મેદાન આ પ્રકારનું છે. જમાવટથી રચાતાં આ વિવિધ પ્રકારનાં મેદાનો નિક્ષેપનાં મેદાનો કહેવાય છે.

(iii) કિનારાનાં મેદાનો (coastal plains) : ભૂમિખંડોના સમુદ્રકિનારાઓ પાસે સાંકડાં કે પહોળાં કાંપનાં મેદાનો રચાયેલાં જોવા મળે છે. કિનારા પાસે આવેલા ખંડીય છાજલીના પ્રદેશો ક્યારેક ઊર્ધ્વગમન જેવી ભૂસંચલનક્રિયાથી ઊંચા આવી જતાં કિનારાનાં મેદાનોમાં ફેરવાતા હોય છે. યુ.એસ.ના પૂર્વ કિનારાનું મેદાન આ રીતે બનેલું છે. કેટલીક વાર ભૂમિખંડોના કિનારાના પ્રદેશો નીચા બેસી જતાં પણ આ પ્રકારનાં મેદાનો બને છે. યુ.એસ.ના ઍટલાન્ટિક કિનારાનું મેદાન પહોળું છે, જ્યારે પૅસિફિક કિનારાનું મેદાન ઘણું સાંકડું છે. આફ્રિકાના કિનારાના તથા ભૂમધ્ય સમુદ્રના કિનારાના વિસ્તારોમાં પણ સાંકડાં મેદાનો બનેલાં છે.

ઉત્પત્તિ : પોપડામાં ઉદભવતાં વિવિધ પ્રતિબળો ભૂપૃષ્ઠમાં વિરૂપતા લાવી મૂકે છે. તેને પરિણામે કેટલાક વિસ્તારો ઉત્થાન પામે છે તો કેટલાક ભાગોમાં વિશાળ ગર્તો રચાય છે. લાંબા ભૂસ્તરીય કાળગાળા દરમિયાન ઉત્થાન પામેલા વિસ્તારો ઘસારાની અસર હેઠળ આવીને અથવા ગર્ત-વિસ્તારો નિક્ષેપ-જમાવટ પામીને છેવટે મેદાનો જેવાં ભૂમિસ્વરૂપોમાં ફેરવાય છે. ઉત્તર અમેરિકા અથવા વાયવ્ય યુરેશિયાના ખંડવિસ્તારોના અંદરના ભાગોમાં જોવા મળતાં મેદાનો લાંબા ગાળા સુધી ચાલુ રહેલી પોપડાની વિરૂપતાનું પરિણામ છે. મધ્ય આફ્રિકી અને દક્ષિણ-મધ્ય આફ્રિકી મેદાનો તેમજ પૂર્વ બ્રાઝિલનાં મેદાનો છેલ્લા ભૂસ્તરીય યુગમાં થયેલા મધ્યમ કક્ષાના ઉત્થાનનું પરિણામ છે. તેમાં હજી ઊંડી ખીણો વિકસી શકી નથી. પોપડાની વિરૂપતા જ્યાં વધુ પડતી થયેલી હોય ત્યાં ઓછો વિસ્તાર આવરી લેતાં મેદાનો બનતાં હોય છે. આજુબાજુના પર્વતીય પ્રદેશોમાંથી ઘસારાજન્ય શિલાચૂર્ણનું નદીઓ દ્વારા વહન પામવાથી કેટલાક ગર્ત નિક્ષેપજમાવટ પામેલાં છે. ઉત્તર ભારતનું સિંધુ-ગંગાનું મેદાન, પાકિસ્તાનનું પોટવારનું ઉચ્ચપ્રદેશીય મેદાન, હંગેરીનું મેદાન, ઉત્તર ઇટાલીનું પો મેદાન, મેસોપોટેમિયાનું મેદાન, મધ્ય-એશિયાનું તેરીમનું થાળું તથા કૅલિફૉર્નિયાનો મધ્ય ખીણ વિસ્તાર આ પ્રકારનાં મેદાનો છે.

મેદાનોનાં સપાટી લક્ષણો :

(i) નદીજન્ય મેદાનો : તાજેતરના ભૂસ્તરીય કાળ દરમિયાન તૈયાર થયેલાં મેદાનો વિવિધ પ્રકારનાં ઘસારાજન્ય અને નિક્ષેપજન્ય સપાટીલક્ષણો દર્શાવે છે. તે નદીઓ, હિમનદીઓ અને પવનની ક્રિયાઓને કારણે ઉદભવ્યાં હોય છે. ઘસારાજન્ય મેદાનો ઓછાં સપાટ અને ઓછાં ઊંચાણ-નીચાણવાળાં હોય છે. તેમને આકાર, કદ, ઊંચાણ-નીચાણ વચ્ચેનો અંતરલક્ષી તફાવત વગેરેથી જુદાં પાડી શકાય છે. તેમાં સાંકડી કે પહોળી ખીણો વિકસતી હોય છે. વહેતી નદીઓ અને શાખાનદીઓએ તેમની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની કક્ષાઓ દરમિયાન મેદાની સ્વરૂપો વિકસાવ્યાં હોય છે.  (જુઓ આકૃતિ 1) નદીજન્ય મેદાનોમાં જોવા મળતા ઘસારો પામેલા સ્થળર્દશ્યના ફેરફારો સ્થાનભેદ મુજબ વરસાદ, પૂર, વનસ્પતિઆવરણ વગેરેના ઓછાવત્તા પ્રમાણ પર આધારિત રહે છે. ઉત્તર મિસૂરી અને દક્ષિણ આયોવા(યુ.એસ.)નાં છેદાયેલાં હિમનદીજન્ય ટિલનાં મેદાનો આ પ્રકારનાં ગણાય. જ્યાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોય એવી ટેકરીઓના ઊંચા ભાગો પર થતો ઘસારો અને તેમની તળેટી તરફ થતી નિક્ષેપ-જમાવટ બંનેનાં મિશ્ર લક્ષણો દર્શાવતાં નાનાં મેદાનો ટેકરીઓના નમનઢોળાવો (cuesta – સ્તરોની નમનદિશા તરફના ઢોળાવો) પર રચાતાં હોય છે. આવાં મેદાનો હિમાલયના ઉત્તર ઢોળાવો પર તેમજ અરવલ્લીની હારમાળાના દક્ષિણ ભાગોમાં પણ જોવા મળે છે.

આકૃતિ 1 : નદીઘર્ષિત સ્થળર્દશ્યનો ક્રમિક વિકાસ દર્શાવતા આદર્શ તબક્કા : 1. બાલ્યાવસ્થા, 2. યુવાવસ્થા, 3. વૃદ્ધાવસ્થા

નિક્ષેપજન્ય લક્ષણો પૈકી નાળ-આકાર સરોવર, ગુંફિત ઝરણાં અને પંખાકાર કાંપનિક્ષેપોનો સમાવેશ કરી શકાય. આ કારણે વિવિધ પ્રકારના જળપરિવાહ (drainage patterns) પણ વિકસે છે. શુષ્ક તેમજ ભેજવાળા પ્રદેશોમાં જોવા મળતાં લક્ષણો જુદાં જુદાં હોય છે.

આકૃતિ 2 : પૂરનાં મેદાનોના પ્રકારો : 1. ગુંફિત ઝરણાં સહિતનું મેદાન; 2. નદીપટનિર્મિત વળાંકવાળું મેદાન; 3. નદીરચનાનિર્મિત નાળ-આકાર મેદાન

આકૃતિ 3 :  ક્ષારીય પંક-કળણભૂમિનું મેદાન

મેદાની વિસ્તારોમાં ભૂગર્ભજળજન્ય કે દ્રાવણજન્ય લક્ષણો પણ જોવા મળે છે. તે ઓછાં વિસ્તૃત, પણ સંખ્યામાં વધુ હોય છે. મેદાની તળવિભાગોમાં ડૂબક બખોલો, નીચેના ભાગોમાં રહેલી ગુફાઓની છત બેસી જવાથી ઉદભવતા નાનામોટા ગર્ત મુખ્ય છે. જ્યાં ચૂનાખડકોથી તળ બનેલાં હોય ત્યાં આ ક્રિયા વધુ જોવા મળે છે. કેટલાક ગર્ત સરોવરોમાં ફેરવાઈ જતા હોય છે. આ પ્રકારનાં દ્રાવણનિર્મિત સપાટીલક્ષણો યુ.એસ.ના ફ્લૉરિડા અને ટેક્સાસમાં, મધ્ય-પશ્ચિમી કેન્ટકીની મૅમથ ગુફા રૂપે અને યુગોસ્લાવિયાના ડાલ્મેટિયન કાર્સ્ટ સ્થળર્દશ્યમાં જોવા મળે છે. (જુઓ આકૃતિ-3)

(ii) સરોવરતળનાંદરિયાઈ કંઠારનાં મેદાનો : જૂનાં સરોવરતળ અને ખુલ્લા બનેલા દરિયાઈ કંઠાર-પ્રદેશોને કોઈ ખાસ લક્ષણવિહીન મેદાનોના પ્રકારમાં મૂકી શકાય. સરોવરતળ પર કાંપપૂરણી થતી રહેવાથી અને સમુદ્રસપાટીના પીછેહઠના ફેરફારો થવાથી આ મેદાનો રચાય છે. (જુઓ આકૃતિ 6) ડેટ્રૉઇટ, શિકાગો અને વિનિપેગ જ્યાં આજે સ્થિત છે ત્યાં અસલમાં જૂનાં સરોવરો હતાં; દક્ષિણ ઍટલાન્ટિક કિનારો, ગલ્ફ (અખાતી) કિનારો, અલાસ્કા અને સાઇબીરિયાના આર્ક્ટિક કિનારા ઉત્થાન પામવાથી મેદાનો બન્યાં છે. તે પૈકીના કેટલાક ભાગો ખેતીયોગ્ય બન્યા છે તો કેટલાક રેતાળ છે અને કેટલાક પંકભીના રહે છે.

આકૃતિ 4 : પંખાકાર કાંપનિર્મિત મેદાન

(iii) હિમક્રિયાનાં મેદાનો : ખંડીય હિમક્રિયાથી પણ કેટલાંક મેદાની સ્વરૂપો તૈયાર થતાં હોય છે. પ્લાયસ્ટોસીન કાલખંડનાં છેલ્લાં દસથી વીસ લાખ વર્ષો દરમિયાન વિસ્તૃત હિમજથ્થાઓ (આજે ઍન્ટાર્ક્ટિકામાં છે એવા) કૅનેડા અને સ્કૅન્ડિનેવિયામાં જામેલા, તે ઉત્તર અમેરિકાના ઉત્તર ભાગ તથા યુરેશિયાના વાયવ્ય ભાગ સુધી વિસ્તરેલા. છેલ્લામાં છેલ્લો આવો હિમપટ (ice sheet) આશરે 18,000 વર્ષ અગાઉ મહત્તમ વિસ્તૃતિ–વિકાસ પામેલો અને આજથી 5,000થી 6,000 વર્ષ પૂર્વે તે ઓગળીને અર્દશ્ય થયો ન હતો. ઉત્તર ગોળાર્ધમાં જ્યાં જ્યાં હિમચાદરો હતી ત્યાં ત્યાં આજે તેમના નિક્ષેપજન્ય જથ્થાઓ પથરાયેલા મળે છે અને તેમણે વિવિધ પ્રકારનાં ઊંચાં-નીચાં અનિયમિત મેદાનો બનાવેલાં છે. હિમઅશ્માવલીઓ, હિમનદ ટિંબા, ટિલ વગેરે તેનાં ઉદાહરણો છે. હિમનદીઓની બાહ્ય કિનારીઓ પર અમુક અંતર સુધી, બરફના પીગળવાથી સ્થાનાંતરિત થયેલો દ્રવ્યજથ્થો પહોળાઈમાં પથરાતાં ત્યાં વિસ્તૃત રેતાળ મેદાનો રચાયાં છે. દક્ષિણ મિશિગન, ઉત્તર ઇન્ડિયાના અને બાલ્ટિક સમુદ્રથી દક્ષિણ તરફનો યુરોપીય વિસ્તાર આ પ્રકારોનાં મેદાનોનાં ઉદાહરણો છે. હિમનદીઓની નજીક આવેલી નદીઓના વહનપથ આડે બરફનો અવરોધ થવાથી હિમનદીજન્ય સરોવર રચાય છે અને તેના તળ પર નિક્ષેપ-જમાવટ થતી રહે તો પૂરણીથી મેદાન તૈયાર થાય છે. છેલ્લા હિમપટની ઓગળવાની ક્રિયા શરૂ થઈ ત્યારે સેન્ટ લૉરેન્સ અને ઉત્તર તરફ વહેતી અન્ય નદીઓ હિમજથ્થાઓથી અવરોધાયેલી હતી, આજનાં ઉત્તર અમેરિકી સરોવરો (Great Lakes) આજે છે તે કરતાં વધુ ભરાયેલાં અને વધુ વિસ્તરેલાં હતાં. તે પછી પાણી ઘટતું ગયું તેમ બહારની કિનારીઓના ભાગો ખુલ્લા બનતા ગયા. હિમયુગના અંતિમ ચરણ વખતે ઉત્તર અમેરિકામાં અસ્તિત્વ ધરાવતું ‘અગાસિઝ સરોવર’ (જુઓ આકૃતિ-5). એક તરફ શિકાગો સુધી, બીજી તરફ સૅગિનૉ (Saginaw) ઉપસાગર સુધી કૅનેડાના પશ્ચિમ તેમજ દક્ષિણના કેટલાક વિસ્તારને આવરી લેતું એક અફાટ સરોવર હતું, હિમયુગ પૂરો થતાં તેના કદમાં ઘટાડો થયો, તેનાં પાણી હડસનના અખાતમાં વહી ગયાં. તેના જે ભાગો આજે જળવિહીન છે, તે આ પ્રકારનાં મેદાની લક્ષણોવાળા છે. દક્ષિણ મૅનિટોબા, વાયવ્ય મિનેસોટા અને ઉત્તર ડાકોટા પણ આ પ્રકારનાં લક્ષણો રજૂ કરે છે.

આકૃતિ 5 : પૂર્વ વિસ્કૉન્સિનનું હિમનદીજન્ય મેદાન

(iv) પવનનિર્મિત મેદાની લક્ષણો : પવનથી રચાતાં મેદાની સ્વરૂપો નદી કે હિમનદીની અપેક્ષાએ ઓછાં વિસ્તૃત હોય છે, કારણ કે પવનનું અસરકારક કાર્ય ત્યાં જ થઈ શકે જ્યાં વનસ્પતિ-આવરણ ઓછું હોય અને પ્રદેશ શુષ્ક હોય. રેતીના ઢૂવા આ લક્ષણનું ઉદાહરણ છે. રેતીના ઢૂવાના વાસ્તવિક વિસ્તૃત વિસ્તારો પૂર્વ ગોળાર્ધમાં, વિશેષે કરીને સહરા, અરેબિયા, મધ્ય એશિયા અને ઑસ્ટ્રેલિયાના અંદરના ભૂમિભાગોમાં આવેલા છે. દુનિયાના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને, નેબ્રાસ્કાના મધ્ય-ઉત્તરમાં, સહરાની દક્ષિણે મધ્ય અને પશ્ચિમ સુદાનમાં રેતીના ઢૂવા બન્યા છે ત્યારથી તેના પર વનસ્પતિ આચ્છાદિત થવાથી સ્થાયી બની ગયા છે અર્થાત્ ખસતા નથી, જે આબોહવાત્મક ફેરફાર થયો હોવાનો નિર્દેશ કરે છે.

પવનથી ઊડતી સૂક્ષ્મ રેતી તેનો વેગ ઘટે નહિ ત્યાં સુધી તે સ્થળોએ વિસ્તૃત સપાટી-આચ્છાદનો રચે છે, જે લોએસ તરીકે ઓળખાય છે. લોએસ-આવરણો મધ્ય યુ.એસ., પૂર્વ યુરોપ, દક્ષિણ રશિયા, તથા ઉત્તર ચીનમાં જોવા મળે છે. તે ઉપજાઉ હોઈ શકે છે.

આકૃતિ 6 : અગાસિઝ સરોવર

(V) ઉચ્ચસપાટપ્રદેશીય મેદાનો : ભૂસંચલનજન્ય વિરૂપતાથી ઉત્થાન પામેલા ઉચ્ચસપાટપ્રદેશો પણ મેદાની વિસ્તારનાં લક્ષણો રજૂ કરે છે. તે પૈકીના કેટલાક ટેકરીઓ કે ખીણપ્રદેશોથી અવરોધાયેલા હોય છે. તે સમુદ્રસપાટીથી અમુક સેંકડો કે હજાર મીટરની ઊંચાઈએ રહેલા હોય છે. આ પૈકી કેટલાક લાવાના થરથી પણ બન્યા હોય છે. તેમની બાજુઓ ક્યારેક સ્તરભંગને કારણે ઊભા, ઉગ્ર ઢોળાવોવાળી હોઈ, કરાડ, ભેખડ કે સમુત્પ્રપાતનાં લક્ષણો રજૂ કરે છે, તો ક્યારેક મેસા અને બુટેની રચના કરે છે.

અમેરિકાનો કૉલોરાડો ઉચ્ચપ્રદેશ, તિબેટનો ઉચ્ચપ્રદેશ ઉત્થાન પામેલા સપાટ શિરોભાગવાળા વિસ્તારો છે. પૂર્વ વૉશિંગ્ટનનો કોલંબિયા ઉચ્ચપ્રદેશ, પેટાગોનિયાનો ઉચ્ચપ્રદેશ અને દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ લાવારચિત ઉચ્ચપ્રદેશો છે. રૉકીઝ પર્વતોની પૂર્વે આવેલાં નેબ્રાસ્કાથી આલ્બર્ટા સુધીનાં ઉત્તરનાં વિશાળ મેદાનો ઘસારાજન્ય મેદાનો છે. ટેનેસીનો કંબરલૅન્ડ ઉચ્ચપ્રદેશ સખત રેતીખડકથી બનેલો છે. બ્રાઝિલના અંદરના ભાગનો ઊંચાણવાળો ભાગ રેતીખડક અને લાવાથી બનેલો છે.

(VI) ટેકરીઓ અને પર્વતોની વચ્ચે આવેલાં મેદાનો : દરેક ખંડમાં પર્વતપ્રદેશોની વચ્ચે મેદાનો જેવા પહોળાઈવાળા વિસ્તારો આવેલા છે, તે ઉચ્ચસપાટપ્રદેશો કરતાં વિસ્તારની સરખામણીએ મોટા હોય છે, પરંતુ વચ્ચે વચ્ચે ટેકરીઓથી અવરોધાયેલા જોવા મળે છે. મૂળ પર્વતીય ભાગો કાળક્રમે ઘસારાથી નીચાણવાળા બન્યા હોય અને પછીથી નિક્ષેપજમાવટથી સપાટ બન્યા હોય; અથવા વિશાળ વિસ્તારો લાવાનાં પ્રસ્ફુટનોથી કે પોપડાની વિરૂપતાથી વચ્ચે વચ્ચે તૈયાર થયેલી ટેકરીઓથી અવરોધાયેલા હોય. ઍપેલેશિયન પર્વતમાળાના તળેટી-વિસ્તારો પ્રથમ પ્રકાર રજૂ કરે છે; ઉત્તર અને પૂર્વ કૅનેડાનો વિસ્તાર, ઉત્તર સ્વીડન અને ફિનલૅન્ડ, વેનેઝુએલા અને ગિયાનાનો દક્ષિણ ભાગ, પૂર્વ બ્રાઝિલ, પૂર્વ, મધ્ય અને દક્ષિણ આફ્રિકાના વિસ્તારો આછા ઊંચાણ-નીચાણવાળાં ઘસારાજન્ય-નિક્ષેપજન્ય મેદાની લક્ષણો રજૂ કરે છે. દરિયાઈ ટાપુઓની જેમ અવશિષ્ટ ટેકરીઓ (મોનાડનૉક્સ) વિશાળ મેદાનો વચ્ચે છૂટીછવાઈ નજરે પડતી હોય છે.

કૉર્ડિલેરન પર્વતમાળાના પટ્ટામાં લાવાની ટેકરીઓ મળે છે. ઉત્તર અમેરિકાનો પશ્ચિમ ભાગ છેક ઉત્તરથી મેક્સિકો સુધી લંબાયેલો છે, તેમાં ઘસારાજન્ય-નિક્ષેપજન્ય મેદાની ભાગો જોવા મળે છે, તેના તળેટી વિભાગમાં કાંપનાં મેદાનો રચાયાં છે. એ જ રીતે મધ્ય ઍન્ડીઝ, ટર્કી, મધ્યપૂર્વના દેશો, તિબેટ અને મધ્ય એશિયામાં પણ આવાં મેદાની લક્ષણો નજરે પડે છે. તિબેટ અને ઍન્ડીઝમાં તો ઘણી ઊંચાઈએ (4,000 થી 5,000 મીટર) તેમના તળભાગો વિસ્તરેલા છે.

મહત્વ : મોટાભાગનાં મેદાનોની જમીન દળદાર અને ફળદ્રૂપ હોય છે. અનુકૂળ આબોહવા અને પાણીની પૂરતી સગવડ મળી રહેતાં મેદાનોમાં ખૂબ સારી રીતે ખેતી થઈ શકે છે. સિંધુ-ગંગાનું મેદાન આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે દુનિયાની 75 % વસ્તી મેદાનોમાં વસે છે.

મેદાનોમાં વાહનવ્યવહાર માટેના માર્ગોનો સારી રીતે વિકાસ પણ થઈ શકે છે અને તેથી વેપાર તેમજ ઉદ્યોગોનો પણ વિકાસ થાય છે. આજે દુનિયાનાં મોટાં ઔદ્યોગિક કેન્દ્રો તથા વેપારી મથકો પણ મેદાનોમાં જ જોવા મળે છે. મેદાનોમાં મુક્ત અવરજવરની પૂરતી સુવિધાને લીધે એ પ્રદેશોનો આર્થિક ક્ષેત્રે તો સારો વિકાસ થાય જ છે, પરંતુ એ સાથે ત્યાંની સંસ્કૃતિમાં પણ વિકાસ જોવા મળે છે. ઊંચા અક્ષાંશોમાં આવેલાં મેદાનો બરફથી છવાયેલાં રહેતાં હોવાથી માનવ-વસવાટ માટે બિનઉપયોગી બને છે; જેમકે, ઉત્તર સાઇબીરિયા અને ઉત્તર કૅનેડાનાં મેદાનો આજે પણ લગભગ નિર્જન રહ્યાં છે. વિષુવવૃત્ત પર આવેલાં મેદાનોમાં આબોહવા ગરમ અને રોગિષ્ઠ હોવાથી ત્યાં પણ વસવાટ અશક્ય બને છે; જેમ કે, ઍમેઝોનનું મેદાન આજે પણ માનવવસવાટ માટે નિરુપયોગી રહ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા