મૅડ્રિગલ : સોળમી સદીમાં ઉદભવ પામેલ યુરોપિયન સંગીતનો એક પ્રકાર. આ પ્રકારના સંગીતની સર્વપ્રથમ રચનાઓ (compositions) 1530માં રોમમાં વાલેરિયો ડોરિકો(Valerio Dorico)એ છાપેલી ‘મૅડ્રિગલી દ દિવર્સી ઑતોરી’ (Madrigali de Diversi Autori) નામના પુસ્તકમાં મળી આવી છે. આ પુસ્તકમાં કૉસ્ટાન્ઝો ફેસ્ટા (Costanzo Festa) અને ફિલિપ વેર્દેલો (Philippe Verdelot) નામના બે સ્વરનિયોજકો(composers)ની રચનાઓ મળે છે; તેઓ આ મૅડ્રિગલ-પ્રકારના જનક હતા. ફેસ્ટા ઇટાલિયન હતા અને વેર્દેલો ફ્રેન્ચ હતા. ઇટાલિયન અને ફ્રેન્ચ સંગીતમાં કેટલાંક પરસ્પર વિરોધાત્મક લક્ષણો છે; આમ છતાં બંનેના સુમેળથી સર્વસામાન્ય એવું મૅડ્રિગલ-સ્વરૂપ જન્મી શક્યું. ફ્રાંકો-ફ્લૅમિશ સંગીતસ્વરૂપ મોટેટ તથા ઇટાલિયન સંગીતસ્વરૂપ ફ્રોત્તોલા(frottola)ના સુભગ મિલનના પરિપાક રૂપે મૅડ્રિગલ-સ્વરૂપ જન્મ્યું; જેને યુરોપિયન સંગીતની સૌથી મહાન સિદ્ધિઓના એક શિખર સમું ગણવામાં આવે છે.
મૅડ્રિગલમાં સ્વરોનું સામંજસ્ય (harmony) નહિ, પણ વિવિધ સ્વરોનું સહઅસ્તિત્વ (polyphony) જોવા મળે છે. પહેલેથી જ મૅડ્રિગલના સ્વરનિયોજકો ઉત્તમ કોટિની શબ્દરચના(text)ની પસંદગી કરતા અને તેને સંગીત દ્વારા માત્ર ગાઈ જવાને બદલે તેના મર્મને અભિવ્યક્ત કરવાની નેમ રાખતા. તેથી અલગ અલગ કડીનું સંગીત તેના અલગ અલગ વિષય અને ભાવને અનુલક્ષીને અલગ અલગ સર્જાતું. આરંભકાળની મૅડ્રિગલ-રચનાઓમાં ઘણી વાર પૅટ્રાર્કના પદ્યનો ઉપયોગ જોવા મળે છે. પિયેત્રો બૅમ્બો નામના માનવતાવાદીએ પણ મૅડ્રિગલને ઉત્તેજન આપ્યું હતું. 1540 સુધીમાં તો ઉત્તર યુરોપના સ્વરનિયોજકો જેક્વીસ આર્કાડેલ્ટ (Jacques Arcadelt) અને ઍડ્રિયાનો વિલાર્ટે (Adriano Willaert) મૅડ્રિગલ લખવાં શરૂ કરી દીધાં.
વર્દેલો આશરે 1540માં મૃત્યુ પામ્યો અને તેણે પોતાની કારકિર્દી ફ્લૉરેન્સ અને વૅનિસમાં પૂરી કરેલી. 1530માં તેણે અને ફેસ્ટાએ મૅડ્રિગલ લખવાં શરૂ કરેલાં.
વિલાર્ટના બે શિષ્યો નિકોલો વિસેન્ટિનો (1511–72) અને સિપ્રિયાનો દ રોરે(Cypriano de Rore)એ મૅડ્રિગલના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. વિસેન્ટિનોએ સંગીતને જૂનાં સ્વરજૂથોનાં ચોકઠાં(model – belonging to modes)માંથી મુક્ત કરીને સપ્ત સ્વર (chromaticism) વડે મૅડ્રિગલ-સંરચનાઓ લખવી શરૂ કરી. તેણે પોતાના આ સિદ્ધાંતોને પોતે રચેલ ‘એન્તિકા મુઝિકા રિદોત્તા આલ્લા મોદેર્ના પ્રાત્તિચા’ (Antica Musica Ridotta Alla Moderna Prattica) નામના ગ્રંથમાં પણ પુષ્ટિ આપી. પ્રાચીન ગ્રીસના સંગીતમાં આ સિદ્ધાંતનું પાલન થતું હતું તેવી વિસેન્ટોની માન્યતા હતી.
રોરે(1516–65)એ વૅનિસમાં વિલાર્ટ પાસે તાલીમ લીધી હતી અને પછી ઇટાલીનાં ફેરારા (Ferrara) અને પાર્મા (Parma) નગરોમાં તાલીમ લીધી હતી. રોરેના મૅડ્રિગલમાં સપ્તસ્વરનો વધુ પ્રગલ્ભ ઉપયોગ જોવા મળે છે અને કેટલેક ઠેકાણે સ્વરોની સામંજસ્યપૂર્ણ ગોઠવણી જોવા મળે છે. જિયોવાની દેલ્લા કાસા(Giovanni Della Casa)ની ‘ઓ સોનો’ (O Sonno) કવિતાને સંગીત આપી, રોરેએ સુંદર મૅડ્રિગલનું સર્જન કર્યું છે. સ્વતંત્ર રીતે મૌલિક મૅડ્રિગલ-રચના કરનારા તે જિયોવાની નાસ્કો (Giovanni Nasco), વિન્સેન્ઝો રુસ્કો (Vincenzo Rusco) તથા ડૉમેનિકો ફૅરાબોસ્કો (Domenico Ferrabosco).
આ પછી ફ્લૅન્ડર્સના ફિલિપ દ મૉન્તેએ મૅડ્રિગલના ક્ષેત્રે સૌથી મહત્વનું પ્રદાન કર્યું. તેણે એક હજાર કરતાં પણ વધુ મૅડ્રિગલ રચ્યાં; એટલું જ નહિ, પણ તે બધાંમાં અલગ અલગ સુસ્વરરચનાઓ(melodies)નો તેમજ તેનાં વૈવિધ્યપૂર્ણ પ્રતિરૂપો(counterpoint)નો ઉપયોગ કર્યો. ફ્લૅન્ડર્સના સંગીતકાર જેક્વીસ દ વર્ટ (Jacques de Wert) (1535–96)ની પણ મૌલિક મૅડ્રિગલ-રચનાઓ જાણીતી બની.
સોળમી સદીના અંતમાં લુચા મૅરેન્ઝિયો (LU CA Marenzio) (1553–99), કાર્લો જેસુઆલ્ડો (Carlo Gesualdo) (1560–1613) અને ક્લોદિયો મૉન્તેવર્દી(Claudio Monteverdi)એ મૅડ્રિગલના સર્જનમાં મહત્વનું યોગદાન આપ્યું. મૅરિન્ઝિયોના મૅડ્રિગલમાં દુ:ખ, ઉદ્વેગ અને આસક્તિની અભિવ્યક્તિ થઈ છે. તેના સર્જનમાં બે કંઠથી માંડીને બે ગાયકવૃંદો (choirs) માટેનાં મૅડ્રિગલનું વૈવિધ્ય જોવા મળે છે. લાવણ્યસભર સુસ્વરરચનાઓ (melodies), મુક્ત પઠન-ગાન (recitations) તથા લંબરૂપ (vertical) સ્વરસામંજસ્ય – એ તેનાં મૅડ્રિગલની ખાસિયતો છે. તેના સંગીતમાં રહેલી મીઠાશને કારણે તેને ‘ધ જેન્ટલ સ્વૉન ઑવ્ ઇટાલી’ એવું ઉપનામ મળ્યું હતું.
જેસુઆલ્ડો તદ્દન ભિન્ન પ્રકૃતિનો સંગીતકાર હતો. તેણે તેની પ્રેમિકા, પત્ની તથા બાળકનાં ખૂન કરેલાં. તેના સંગીતમાં પણ આ હિંસક સ્વભાવનું પ્રતિબિંબ પડે છે. તેણે મોટેટ રચ્યાં હોવા છતાં તે મૅડ્રિગલના સર્જન માટે જાણીતો બન્યો. તેના સંગીતમાં દક્ષિણ યુરોપિયન જુસ્સો જોવા મળે છે. સપ્તસ્વર વડે રચેલા સામંજસ્ય (chromatic harmonies) તથા સુસ્વરરચનાઓની વિવિધ વૈવિધ્યપૂર્ણ પ્રતિરૂપ રચનાઓ તેનાં મૅડ્રિગલમાં ઠેર ઠેર જોવા મળે છે. સામંજસ્યને લગતી અસમતુલાઓ(harmonic imbalances)નો તે શોખીન હતો, જેનો ખ્યાલ તેનું સંગીત સાંભળતાં તુરત જ આવે છે. તેના સંગીતમાં જોરદાર ઊર્મિ હોવા બાબતે કોઈ સંશય નથી.
ક્લોદિયો મૉન્તેવર્દીના મૅડ્રિગલમાં નાટ્યાત્મક તણાવનું નવું તત્વ જોવા મળે છે. તેના સમકાલીન વિવેચકોએ તેનાં મૅડ્રિગલને આધુનિક (modern) કહી વખોડી કાઢ્યાં હતાં; પરંતુ હકીકતમાં તેની આ નાટ્યાત્મકતા શોભાનાં લટકણિયાં નથી, પણ શબ્દરચનાની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટેની પ્રયુક્તિ છે. તેનાં મૅડ્રિગલમાં ‘બાસો કન્ટિન્યુઓ’(basso continuo)ની નવી શૈલી જોવા મળે છે. આ પછીના યુગમાં સર્જાનાર બરોક (baroque) સંગીતનો પાયો આ શૈલીમાં જોવા મળે છે. મૉન્તેવર્દીનાં મૅડ્રિગલ કુલ છ પુસ્તકોમાં 1614 સુધીમાં પ્રકાશિત થયાં છે.
આ પછી સોળમી સદીના ઉત્તરાર્ધમાં રોરેના શિષ્ય લુઝાસ્કો લુઝાસ્કી (Luzzasco Luzzaschi) (1545–1607), માર્ક ઍન્તોનિયો ઇન્યેનેરી (Mark Antonio Ingegneri) (જ. ?……; અ. 1592) તથા આન્દ્રેયા ગૅબ્રિયેલી (Andrea Gabrieli) (1520–86) મૅડ્રિગલના સર્જકો તરીકે આગળ આવ્યા.
સોળમી સદીના છેલ્લા દસકામાં ‘ડાયલૉગ’ નામે ઓળખાતો મૅડ્રિગલનો નવો પ્રકાર પ્રચલિત થયો. ડાયલૉગ પર કૉમેડી અને બફૂન(buffoons)નો ઘણો જ પ્રભાવ હતો. તેમાં રોજિંદા જીવનની હાસ્યજનક પરિસ્થિતિઓ વણી લેવામાં આવી હતી. તેના પ્રમુખ સર્જકોમાં મિકેલ વેરોતો (Michele Verrotto) અને એલેસાન્દ્રો સ્ટ્રિગિયો (Alessandro Striggio) (1535–87) મુખ્ય હતા. સ્ટ્રિગિયોની જાણીતી રચના ‘ધ ચેટર ઑવ્ લૉન્ડ્રી વિમેન’માં ગ્રામજીવનની પંચાતો અને કૂથલીઓ દ્વારા જીવંત સંવાદ રચવામાં આવ્યો છે. આ ઉપરાંત વૅનિસના સંગીતકાર જિયોવાની ક્રૉચે(Giovanni Croce)ની મૅડ્રિગલ રચના ‘એમ્યૂઝિંગ મસ્કારાડ્સ ઍન્ડ બફૂનરીઝ ફૉર કાર્નિવલ’માં ભિખારીઓ, માછીમાર અને ખેડૂતોના જીવંત સંવાદોનો ઉપયોગ થયેલો છે. સંગીતકાર ઑરેઝિયો વેકી (Orazio Vecchi) (1550–1605)ની મૅડ્રિગલ-રચના ‘ઍમ્ફિપાર્નાસો’(Amfiparnasso) પણ મૅડ્રિગલ-રચનાના હાસ્યના ઉત્તમ નમૂનામાં સ્થાન પામે છે.
આ પછી પેલેસ્ટ્રિના [મૂળ નામ જિયોવાની પેર્લુઇગી (Giovanni Pierluigi)] (1524–1594)નું નામ મૅડ્રિગલના સર્જકોમાં મોખરે આવ્યું. 1555 અને 1594 વચ્ચે તેણે ચારથી પાંચ કંઠ માટેની મૅડ્રિગલનાં પાંચ પુસ્તકો લખ્યાં. શૈલી અને ટૅકનિકની ર્દષ્ટિએ પેલેસ્ટ્રિનાએ નવાં તત્વ દાખલ ન કર્યાં હોવા છતાં તેનાં મૅડ્રિગલ ભવ્ય સંગીતના નમૂના બને છે.
આ પછી જિયોવાની ગૅબ્રિયેલી (Giovanni Gabrieli) (1557–1612) મૅડ્રિગલનો મહત્વનો સર્જક ગણાય છે. તેના મૅડ્રિગલમાં બરોકતત્વો ઘણાં જ પ્રભાવક છે.
ઇંગ્લૅન્ડમાં સોળમી સદીમાં ઇટાલિયન સંગીતનો પ્રભાવ વધતો ચાલ્યો. ટૉમસ મૉર્લે (1557–1603), ટૉમસ વીલ્કિસ (1575–1623) અને જૉહન વિલ્બાય (John Wilbye) (1574–1638) પ્રમુખ ઇંગ્લિશ મૅડ્રિગલ-સર્જકો થઈ ગયા.
અમિતાભ મડિયા