મેડેરા (નદી) : ઍમેઝોન નદીની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક. તેનું પૉર્ટુગીઝ નામ રિયો મેડેરા છે. બ્રાઝિલ-બોલિવિયાની સરહદે આવેલા વિલા બેલા ખાતે ભેગી થતી મામોરી અને બેની નદીઓમાંથી આ નદી બને છે. આ સંગમ પછીથી તે ઉત્તર તરફ આશરે 100 કિમી. સુધી વહે છે, અહીં તે બ્રાઝિલ-બોલિવિયાની સરહદ રચે છે. રિયો અબુના (નદી) તેને મળ્યા પછી તે ઈશાન તરફનો વળાંક લે છે અને મનૌસથી 144 કિમી. પૂર્વમાં તે ઍમેઝોનને જઈ મળે છે. મામોરીના ઉપરવાસથી ઍમેઝોન સાથેના તેના સંગમ સુધીની મેડેરા નદીની લંબાઈ 3,350 કિમી. જેટલી થાય છે. સંગમ નજીક તેના પટની પહોળાઈ 900 મીટર જેટલી બની રહે છે.
મેડેરા નદીખીણનો વિસ્તાર અયનવૃત્તીય વરસાદી જંગલોવાળો છે. આ બધો વિસ્તાર ઇન્ડિયનો અને મૅસ્ટિઝો જાતિના લોકોથી બનેલી છૂટીછવાઈ વસાહતો સિવાય લગભગ નિર્જન છે. આ લોકો માત્ર નદીકાંઠાના ભાગોમાં જ વસે છે અને બ્રાઝિલ નટ (એક પ્રકારની સિંગ) અને રબર જેવી વન્ય પેદાશો એકત્રિત કરી તેના આધારે પોતાનો જીવનનિર્વાહ કરે છે.
ગિરીશભાઈ પંડ્યા