રામચકલી : ભારતનું બીડ અને ઝાડીવાળા પ્રદેશનું સુઘડ ઠસ્સાદાર અને ઉપયોગી પંખી. તેનું અંગ્રેજી નામ grey tit છે અને તેનું શાસ્ત્રીય નામ Parus major છે. હિંદીમાં તેને રામગંગડા કહે છે.

તેનું કદ ચકલી જેવડું હોય છે. તે કલગી વિનાનું ચળકતું કાળું માથું અને ચળકતા ધોળા ગાલ ધરાવે છે. તેની પીઠ રાખોડી ભૂખરા રંગની હોય છે. નીચેનો ભાગ સફેદ અને તેની વચ્ચે આવેલ પહોળો કાળો પટ્ટો તેને ઓળખવાની નિશાની છે.

તેનો વસવાટ મુખ્યત્વે ઘટાદાર વૃક્ષોમાં જોવા મળે છે. તે એકલ-દોકલ અથવા જોડિયાં અથવા નાના જૂથમાં તેમજ બીજાં જીવાતભક્ષી પક્ષીઓ સાથે ભળીને પણ આહાર માટે ભટકે છે. વનસ્પતિની ઘટામાં ચારો ચરવા છૂટી પડી જઈને આનંદભર્યા ‘ચીં-ચીં’ અવાજ વડે તેઓ એકબીજાના સંસર્ગમાં રહે છે. તેઓ ડાળીઓ પર ચડઊતર કરીને અંકુરો અને ફૂલો ધરાવતી ડાળીઓ પર સરકસના ખેલાડીઓની જેમ બેસે છે ને ઝૂલે છે અને છાલની તિરાડોમાં, ખાંચાઓમાં, પાંદડાં નીચે અને ફૂલોમાં રહેલાં જીવડાં, તેમનાં ઈંડાં વગેરેને શોધીને ખાઈ જાય છે.

રામચકલી

વાડીમાંના ફળના પાકને નુકસાન પહોંચાડતાં ઉપદ્રવી જીવડાંનો મોટી સંખ્યામાં નાશ કરી, તેનું રક્ષણ કરે છે. જીવડાં ઉપરાંત કોટલાવાળાં ફળોનો ગર્ભ અને કઠણ આવરણવાળાં બી પણ તેનો ખોરાક છે. તે સખત કોટલાને પોતાના પગ નીચે દ્બાવી મજબૂત ચાંચ વડે હથોડીની જેમ તેના ઉપર ઉપરાછાપરી પ્રહારો કરી તોડી નાખે છે ને અંદરનો ખોરાક ખાઈ જાય છે.

પ્રજનન ઋતુમાં રામચકલો ‘વ્હી ચી ચી – વ્હી ચી ચી – વ્હી ચી ચી’ના સ્પષ્ટ સિસોટી જેવા મધુર અવાજ કાઢી ગાય છે. ઝાડ કે દીવાલની બખોલમાં વાળ, શેવાળ અને પીંછાં વડે તે ગાદી જેવો માળો બાંધે છે. તેમાંથી 4થી 6 સફેદ અથવા ગુલાબી સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. તેમના પર રતાશ પડતાં ભૂરાં છાંટણાં પણ હોય છે.

બળદેવભાઈ કનીજિયા