રાનડે, જી. એચ. (જ. 1 ઑક્ટોબર 1897, સાંગલી; અ. 10 માર્ચ 1966) : ભારતીય શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ તથા ગાયક કલાકાર. બાળપણથી સંગીતમાં રુચિ હોવાને કારણે શાલેય અભ્યાસની સાથોસાથ સંગીતનો અભ્યાસ પણ તેમણે ખૂબ લગન સાથે કર્યો. તેમની તાલીમ ગ્વાલિયર ગાયકીની હતી. પં. બાલકૃષ્ણબુવા ઈચલકરંજીકરના શિષ્ય પં. ગણપતિબુવા ભિલવડીકર તથા પં. ગુંડોપંત ઇંગળે – આ બે ગુરુઓ પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતની વિદ્યા પ્રાપ્ત કરી.
ગાયનકલા ઉપરાંત સંગીતશાસ્ત્રનો પણ તેમનો સારો અભ્યાસ હતો. આ કારણથી મુંબઈ સરકારે 1948-49માં તેમને મ્યૂઝિક એજ્યુકેશન કમિટીના સેક્રેટરી નીમ્યા હતા. ઈ. સ. 1951માં ઑલ ઇન્ડિયા કલ્ચરલ કૉન્ફરન્સ અંતર્ગત સંગીત-વિભાગના સદસ્ય તરીકે તેમની નિમણૂક થઈ. સંગીત નાટક અકાદમીના તેઓ એક સક્રિય કાર્યકર હતા. આકાશવાણી પરથી તેમનાં સંગીત-વિષયક વક્તવ્યો ઘણી વાર પ્રસારિત થતાં. ઈ. સ. 1955માં ભારત સરકારે તેમને ‘યુનેસ્કો મ્યૂઝિક કૉન્ફરન્સ’માં ભાગ લેવા ફિલિપાઇન્સના પાટનગર મનિલા મોકલ્યા હતા.
સંગીતશાસ્ત્રમાં પણ રાનડેજીનું પ્રદાન મહત્વનું છે. દેશભરમાં પ્રકાશિત થતી વિભિન્ન પત્રિકાઓમાં તેમના સંગીત-વિષયક લેખો પ્રકાશિત થતા. ‘સંગીતાચે આત્મચરિત્ર’ નામનું તેમનું પુસ્તક મરાઠીમાં પ્રકાશિત થયું છે. ઈ.સ. 1939માં ‘હિન્દુસ્તાની મ્યૂઝિક’ નામનું એક પુસ્તક તેમણે અંગ્રેજી ભાષામાં લખ્યું હતું, જેને જુદાં જુદાં સંગીત-વિદ્યાલયોના પાઠ્યક્રમમાં પણ સ્થાન મળ્યું હતું.
વ્યવસાયે તેઓ ફિઝિક્સ વિષયના વ્યાખ્યાતા હતા. તેમણે વિલિંગ્ડન કૉલેજ, સાંગલી તથા ત્યારબાદ ફર્ગ્યુસન કૉલેજ, પુણે ખાતે પોતાની સેવાઓ આપી હતી (1940-58).
નીના ઠાકોર