મૃદુપેશી (મૃદૂતક) (Parenchyma) : વનસ્પતિનાં લગભગ બધાં જ અંગોમાં જોવા મળતી અત્યંત સામાન્ય પ્રકારની સરળ સ્થાયી પેશી. તે આધારોતક પેશીતંત્ર(ground tissue system)ની મુખ્ય પ્રતિનિધિ છે અને પ્રકાંડના બાહ્યક (cortex) અને મજ્જા(pith)માં મૂળના બાહ્યકમાં, પર્ણદંડની આધારોતક પેશીમાં, પર્ણની મધ્યપર્ણ (mesophyll) પેશીમાં અને જલવાહક (xylem) કે અન્નવાહક (phaloem) પેશીમાં કોષોના સમૂહ તરીકે સળંગ પેશી-પ્રકાર બનાવે છે.
કોષોના આકાર અને ગોઠવણી : મૃદૂતકના કોષો વિવિધ આકારના હોય છે; પરંતુ લાક્ષણિક આધારોતક પેશીના મૃદૂતક કોષો સમવ્યાસી (isodiametric) હોય છે. આ કોષો ગોળ હોતા નથી, પણ તે અનેક પાસાં (facets) ધરાવે છે. તેમના દ્વારા તે પાસેના કોષો સાથે સંપર્કમાં રહે છે. સમરૂપ (homogenous) મૃદૂતકોમાં 14 પાસાં જોવા મળે છે. કોષોના કદમાં ફેરફાર થતાં કે આંતરકોષીય અવકાશ (intercellular space) ઉત્પન્ન થતાં, અથવા સમવ્યાસીમાંથી બીજા પ્રકારના આકારમાં ફેરવાતાં પાસાની સંખ્યા બદલાય છે. કેટલાક કિસ્સામાં મૃદૂતકો ખંડમય (lobed) અથવા લંબિત (elongated) હોય છે.
જુદા જુદા મૃદૂતકોમાં કોષીય ગોઠવણી ભિન્ન હોય છે. માંસલ પ્રકાંડ અને મૂળના સંચાયક (storage) મૃદૂતકોમાં આંતરકોષીય અવકાશ પુષ્કળ પ્રમાણમાં હોય છે. બીજના ભ્રૂણપોષ-(endosperm)ના કોષો ખીચોખીચ રીતે ગોઠવાયેલા હોય છે અને ખૂબ ઓછો આંતરકોષીય અવકાશ ધરાવે છે. પર્ણની મધ્યપર્ણપેશીમાં આંતરકોષીય અવકાશો મોટા બને છે અને વાતવિનિમયમાં મદદ કરે છે. જલોદભિદ્ વનસ્પતિઓના નિમગ્ન (submerged) ભાગોમાં ખૂબ મોટા વાયુ-અવકાશો જોવા મળે છે. આવા મૃદૂતકોને વાયૂતક (aerenchyma) કહે છે. ઉદભવની ર્દષ્ટિએ સામાન્ય રીતે આ વાયુ-અવકાશો વિયુક્તિજાત (schizogenous) છે. કોષોના એકબીજા સાથેના સંપર્કો છૂટા પડતાં અવકાશોનું કદ વધે છે. તેથી પેશીનું કદ પણ વધે છે. કેટલાક કિસ્સામાં ઉદભવની ર્દષ્ટિએ આ વાયુ-અવકાશો ભંગજાત (lysigerous) હોય છે, એટલે કે કોષોના સંપૂર્ણ વિઘટનથી ઉદભવે છે.
મોટાભાગના મૃદૂતક કોષોની કોષદીવાલ પાતળી હોય છે અને પ્રાથમિક દીવાલો(primary walls)ના સ્વરૂપમાં જોવા મળે છે. મધ્યપટલ (middle lamella) જુદું પાડી શકાય કે ન પણ પાડી શકાય. પાસપાસેના કોષો સામાન્યત: જીવરસ-તંતુઓ (plasmodesmata) દ્વારા સંપર્કમાં હોય છે. આ જીવરસ-તંતુઓ પ્રાથમિક ગર્તો(primary pits)માં અથવા સ્થૂલિત દીવાલના ભાગોમાં કેન્દ્રિત થયેલા હોય છે અથવા સમગ્ર દીવાલમાં એકસરખી રીતે વિતરણ પામેલા હોય છે. પ્રાથમિક દીવાલની ઉપસૂક્ષ્મદર્શીય (submicroscopic) રચના એક જ કોષમાં ઘણી ભિન્નતા દર્શાવે છે. લંબ અક્ષને સમાંતર દીવાલોમાં સેલ્યુલોસના સૂક્ષ્મતંતુકો (microfibrils) સમક્ષિતિજ ગોઠવાયેલા હોય છે અને મૂળની આવી દીવાલોમાં તણાવ સહન કરવા કુંતલાકાર રીતે ગોઠવાયેલા હોય છે. આડી દીવાલોમાં તે એકબીજા સાથે સ્વસ્તિકાકારે કે ગોળાકારે (spheroidal) ગોઠવાય છે. બીજના સંચાયક મૃદૂતકોમાં કોષ-દીવાલ જાડી બને છે. કાષ્ઠ અને મજ્જામાં મૃદૂતક કોષો લિગ્નીભવન પામેલી દ્વિતીયક દીવાલો ધરાવે છે. આવા કિસ્સામાં મૃદૂતકોને કઠકો(sclereids)થી જુદા પાડવા મુશ્કેલ હોય છે.
કોષના ઘટકો : કાર્યને અનુલક્ષીને મૃદૂતક કોષોમાં જુદા જુદા ઘટકો જોવા મળે છે. પ્રકાશ-સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ મૃદૂતક કોષો અસંખ્ય હરિતકણો ધરાવે છે. આવા મૃદૂતકોને હરિતકણોતક (chlorenchyma) કહે છે. હરિતકણોતક મુખ્યત્વે મધ્યપર્ણપેશીમાં મળી આવે છે. તે કેટલીક વનસ્પતિઓના પ્રકાંડના બાહ્યબાહ્યકમાં પણ હોય છે. દ્વિદળીઓનાં પર્ણોમાં મધ્યપર્ણપેશીમાં લંબોતક (palisade) અને શિથિલોતક (spongy tissue) પ્રકારના હરિતકણોતક જોવા મળે છે. આ કોષો પુષ્કળ પ્રમાણમાં રસધાનીઓ અને મોટા કે નાના આંતરકોષીય અવકાશો ધરાવે છે.
સ્રાવનું કાર્ય કરતા મૃદૂતકો ઘટ્ટ કોષરસ ધરાવે છે. આ કોષોમાં પુષ્કળ પ્રમાણમાં રિબોઝોમ અને ડિક્ટિયોસોમ હોય છે અને અત્યંત સઘન સ્વરૂપે વિકસિત અંત:કોષરસજાલ ધરાવે છે. કાંજી-સંચાયક મૃદૂતકોમાં આવેલા શ્વેતકણો (leucoplasts) સાદું આંતરિક સંગઠન ધરાવે છે. તેમને મંડકણો (amyloplasts) કહે છે. કેટલાંક બીજમાં ચરબી કે પ્રોટીનનો સંગ્રહ થાય છે. પુષ્પનાં દલપત્રો અને ફળોમાં મૃદૂતક કોષો રંગકણો (chromoplasts) ધરાવે છે.
મૃદૂતકનાં કાર્યો : વનસ્પતિનાં વિવિધ અંગોનું તે મુખ્ય માળખું બનાવે છે. તે ખોરાક અને પાણીના સંગ્રહ અને વહનમાં અગત્યનો ભાગ ભજવે છે. જલીય વનસ્પતિઓમાં વાયૂતકો વનસ્પતિને તારકશક્તિ અર્પે છે અને વાતવિનિમયની પ્રક્રિયામાં મદદરૂપ બને છે. હરિતકણોતક પેશી પ્રકાશ-સંશ્લેષણની પ્રક્રિયા માટે અત્યંત મહત્ત્વની પેશી છે. મૃદૂતકો વર્ધનશીલ બની ઘા-રૂઝ (wound healing), પુનર્જનન (regeneration), આગંતુક કલિકાઓ કે આગંતુક મૂળના નિર્માણમાં અને કલમ(graft)ના વિકાસમાં મદદ કરે છે. અલગીકૃત મૃદૂતક કોષ કે કોષસમૂહ સમગ્ર વનસ્પતિના નિર્માણ માટેની ક્ષમતા ધરાવે છે.
વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર