મૃચ્છકટિક : સંસ્કૃત ભાષામાં પ્રકરણ પ્રકારનું શૂદ્રકે લખેલું પ્રકરણ પ્રકારનું રૂપક. ‘મૃચ્છકટિક’ના ગુજરાતી અનુવાદક શ્રી સુન્દરમ્ જણાવે છે તેમ, તેનું કથાવસ્તુ લોકસંશયવાળું છે અને તેમાં મૂર્ત થતું જનજીવન તેને વૈશિષ્ટ્ય બક્ષે છે, જેને પરિણામે સમગ્ર નાટક આધુનિક રુચિને વિશેષ આસ્વાદ્ય બની રહે તેવું જણાય છે.
તેના પ્રથમ અંકમાં ચારુદત્તનું દારિદ્ય્ર, શકાર દ્વારા વસંતસેનાને વશ કરવાનો પ્રયાસ, વિધિવશાત્ ચારુદત્ત પાસે પહોંચી ગયેલી વસંતસેના દ્વારા અલંકારોની થાપણ રૂપે સોંપણી વગેરે વિગતો રજૂ થઈ છે. બીજા અંકમાં જુગારી સંવાહકને નાયિકા દ્વારા કરાતી મદદનું ર્દશ્ય મુખ્ય છે, તો ત્રીજા અંકમાં શર્વિલક દ્વારા કરાતી ચોરીનું ર્દશ્ય આવે છે. વસંતસેનાએ થાપણ રૂપે મૂકેલાં ને પછી ચોરાયેલાં ઘરેણાં થકી શર્વિલક પોતાની પ્રિયા મદનિકાને વસંતસેનાના દાસીપણામાંથી મુક્ત કરાવે છે અને ચોરાયેલાં ઘરેણાંને સ્થાને સ્વમાની નાયક પોતાની પત્નીની રત્નમાલા વસંતસેનાને મોકલાવે છે. એ વિગતો ચોથો અંક આપે છે. પાંચમા અંકમાં નાયક-નાયિકાનું મિલન દર્શાવાયું છે, પરંતુ તે સાચા અર્થમાં વિઘ્નમુક્ત મિલન નથી. છઠ્ઠા અંકમાં આવતા માટીની ગાલ્લીના પ્રસંગને આધારે નાટકને શીર્ષક અપાયું છે, તો પ્રવહણવિપર્યય પ્રસંગ દ્વારા નાટકમાં વળાંક આવે છે. તે ઉપરાંત કર્ણાટકલહને નિમિત્તે રાજકેદી આર્યકનું સફળ રીતે નાસવાનું વર્ણવાયું છે. સાતમો અંક બંને કથાનાયકો –ચારુદત્ત અને આર્યક–નું મિલન વર્ણવે છે, જેના પરિણામે ઉદાર ને ઉદાત્ત ચરિત્રના ચારુદત્ત આર્યકને ભાગવામાં મદદ કરે છે. આઠમા અંકમાં પ્રિયતમને મળવા જતી નાયિકાનું ભાગ્યવશાત્ શકારના સકંજામાં સપડાવું ને તેને વશ ન થતાં છેવટે મૃત્યુના મુખમાં ધકેલાવું, પછી આકસ્મિક રીતે બૌદ્ધ સાધુ સંવાહક દ્વારા જીવતદાન પામવું – એ ઘટનાઓ નિરૂપાઈ છે. નવમા અંકમાં ચારુદત્ત સામે વસંતસેનાની હત્યાનો આરોપ મુકાય છે ને સઘળા પુરાવાઓ તેની વિરુદ્ધ જતાં, અંતે મૃત્યુદંડની તે સજા પામે છે. છેલ્લે દસમા અંકમાં વધસ્થાને લઈ જવાતા ચારુદત્તનું કરુણ શ્ય, તે પછી અણીના સમયે વસંતસેના ત્યાં પહોંચી જતાં તેનો છુટકારો અને બીજી બાજુ પાલકનો વધ કરી આર્યકનું રાજા થવું, દરમિયાન અગ્નિપ્રવેશ માટે તૈયાર થયેલ ચારુદત્તની પત્ની ધૂતાનો બચાવ અને અંતે ચારુદત્તને કુશાવતીનું રાજ્ય, વસંતસેનાને વધૂપદ તથા શકારને જીવતદાનની પ્રાપ્તિ વગેરે વિગતો રજૂ થઈ છે.
આ પ્રકરણમાં ગૌણ રૂપે સ્થાન પામતી રાજકીય કથામાં ક્રૂર ને ઘાતકી રાજા પાલકની સામે પ્રજાનો વિદ્રોહ, ક્રાન્તિ અને પરિણામે તેનો વધ તથા તેને સ્થાને નવા રાજા તરીકે આર્યકની પ્રતિષ્ઠા અંગેનું વૃત્તાંત આવે છે. આ સમગ્ર કાર્યનો સૂત્રધાર શર્વિલક છે.
આ ઉભય કથાવસ્તુની પસંદગી તથા ઉચિત પ્રસંગો અને ર્દશ્યો થકી તેનો વિકાસ તથા મુખ્ય અને ગૌણ કથાની કલાત્મક ગૂંથણી નાટ્યકારની સંવિધાનકલાનો પરિચય કરાવે છે. આ ઉપરાંત આરંભથી અંત સુધી ગતિશીલ કથાનક, વૈવિધ્યસભર રસાભિવ્યક્તિ, પાત્રો – પ્રસંગો ને ર્દશ્યોનું વૈવિધ્ય, ઘણે ભાગે વિસ્તૃત વર્ણનોનો અભાવ, સચોટ પાત્રાલેખન તેમજ ચમત્કૃતિપૂર્ણ સંવાદો કૃતિને સવિશેષ આસ્વાદ્ય બનાવે છે. તેમાં ઘણે સ્થળે શ્લોકોની ભરમાર નથી કે કાવ્યતત્વનો અતિરેક નથી. તેથી તે સાચા અર્થમાં નાટક બની રહે છે. વળી, અનેકવિધ પાત્રો, ભવ્ય પ્રસંગો, પાત્રગત-પ્રસંગગત ને સંવાદગત એમ ત્રણ પ્રકારનો વિનોદ એ શૂદ્રકની નાટ્યકલાનાં મહત્વપૂર્ણ પાસાં છે. તેમની, કૃત્રિમતાથી અસ્પૃષ્ટ આડંબરવિહીન શૈલી, પ્રાય: દીર્ઘસમાસરહિત રચના અને વર્ણનોનો અભાવ વિશેષ નાટ્યક્ષમ ને અસરકારક જણાય છે. રૂપકમાં નાયક-નાયિકા વચ્ચેનું વૈષમ્ય કથાનકના વિકાસ સાથે અંતે બંને વચ્ચે અજબ સમતોલન સાધી આપે છે. આ સમતોલન નાટ્યકારની ભાષા, તેમના વિચારો, પાત્રો, સંવાદો એ સર્વમાં પણ જોવા મળે છે. આ સમતોલનને મૂર્ત કરવામાં જ રૂપકનું સૌન્દર્ય રહેલું છે, જે તેને ચમત્કૃતિસભર બનાવે છે. તેનું સ્વરૂપ પ્રકરણ પ્રકારનું હોઈ, તેમાં જીવનને સંપૂર્ણ તેમજ વ્યાપકસ્વરૂપે રજૂ કરવાનો અવકાશ નાટ્યકારને પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત, નાટ્યશાસ્ત્રના કેટલાક નિયમોનો અનાદર, વિવિધ પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ, નાનકડા પ્રસંગને આધારે શીર્ષક, પ્રણયની સ્થૂળ અભિવ્યક્તિ વગેરે બાબતો મૃચ્છકટિકને વિશિષ્ટ પ્રકરણ બનાવે છે. વિદેશોમાં આ પ્રકરણ ખૂબ લોકપ્રિય બન્યું છે. ડૉ. રાયડરે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. પ્રા. ડૉ. જી. કે. ભટ્ટે તેના પર અંગ્રેજીમાં સુંદર વિવેચન લખ્યું છે. ‘ઉત્સવ’ નામે હિંદી ચલચિત્ર પણ ‘મૃચ્છકટિક’ પરથી ઊતર્યું છે.
જાગૃતિ પંડ્યા