મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો છોડી 1901માં મુંબઈમાં ઝવેરાતના દલાલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને વ્યાપારીઓનો વિશ્વાસ સંપાદન કર્યો. પરંતુ દલાલીનું કામ પસંદ ન પડતાં 1906માં મુંબઈમાં જ ભાગીદારીમાં મોતીના વ્યાપારની શરૂઆત કરી, પરંતુ તે જ વર્ષમાં મોતીના ધંધામાં મોટી ઊથલપાથલ થતાં આર્થિક નુકસાનને કારણે ધંધો સમેટી લેવો પડ્યો હતો.
1908માં તેમના મિત્ર ભીખાભાઈ પુરુષોત્તમ સાથે ભાગીદારીમાં અમદાવાદમાં રાજનગર જ્વેલરી માર્ટ નામની દુકાન કરી. સોના, ચાંદી અને ઝવેરાતના દાગીના બનાવવાની શરૂઆત કરી અને થોડા સમયમાં જ તેને પ્રતિષ્ઠા મળી. 1912માં ભાગીદારનો સ્વર્ગવાસ થવાથી ‘રૉયલ જ્વેલરી માર્ટ’ નામની પોતાની સ્વતંત્ર દુકાન શરૂ કરી.
ધંધાના વિકાસ અર્થે તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા વગેરે પ્રદેશોમાં રાજાઓ, ઠાકોરો, દરબારો વગેરે સાથે પરિચય કેળવી તેમનો વિશ્વાસ સંપાદન કરી, વ્યાપારમાં ગણનાપાત્ર પ્રગતિ કરી. મૂળચંદભાઈની સોના-ચાંદી ઝવેરાતના દાગીનાના વ્યાપારી મંડળના પ્રમુખપદે અને અમદાવાદ ઝવેરી-મંડળના ઉપપ્રમુખપદે વરણી થઈ હતી. તેઓ ભારતીય જૈન સ્વયંસેવક પરિષદની કાર્યવાહક સમિતિના સભ્ય હતા. મુંબઈમાં ભરાયેલ જૈન શ્વેતાંબર સભા દ્વારા તેમનું સન્માન થયું હતું. વર્ષો સુધી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના સામાન્ય મંત્રી અને પ્રાંતિક મંત્રી રહ્યા હતા અને ઘણી ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય સેવા આપતા હતા.
તેમણે ‘જૈન મિત્રમંડળ’ અને ‘વક્તૃત્વ કલાપ્રસારક’ નામની સંસ્થાઓની સ્થાપના કરી સમાજમાં પ્રગતિશીલ વિચારોનો ફેલાવો કરવા અગ્રભાગ ભજવ્યો હતો. તેઓ અગ્રગણ્ય દૈનિકો અને સામયિકોમાં અભ્યાસપૂર્ણ લેખો લખતા અને વ્યાખ્યાનો આપતા. ‘જૈન વસ્તીની વર્તમાન સ્થિતિ’ નામની પુસ્તિકાનું તેમણે સંપાદન અને પ્રકાશન (1928) કર્યું હતું.
મૂળચંદભાઈએ કેળવણી અને સમાજસુધારણાની પ્રવૃત્તિ માટે ‘પ્રભાત મંડળ’ અને ‘ઉપદેશ પ્રસારક મંડળ’ની સ્થાપના કરી. તેઓ વટવા જૈન આશ્રમ સમિતિના માનાર્હ સભ્ય નિમાયા હતા. તેમણે ‘સુઘોષા’ નામના પાક્ષિકની શરૂઆત કરી અને જીવન પર્યંત તેના તંત્રી અને પ્રકાશક તરીકે જૈન સમાજમાં પ્રગતિશીલ વિચારો ફેલાવવામાં ગણનાપાત્ર પ્રદાન કર્યું. ગુજરાત સાહિત્ય સભાએ પણ તેમની સેવાઓ બિરદાવી હતી.
તેમને પિતાનો વારસો મળતાં તેમાંથી તેમણે અમદાવાદમાં પાંજરાપોળ માટે 50 વીઘાં જમીન દાનમાં આપી હતી. તેમના જન્મસ્થાન ધોળકા(વૈરાટનગર)માં મકાન ખરીદી, જૈન યાત્રાળુઓ અને મુનિઓને રહેવાજમવાની વ્યવસ્થા કરી હતી. ધોળકામાં એક જૈન દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને બીજાં બે માટે ફંડફાળો એકત્રિત કરવામાં રસ લીધો હતો. તેમણે પાલિતાણામાં જૈન શ્રાવિકાશ્રમની સ્થાપના કરી, જ્ઞાતિબંધુઓ માટે એક સહકારી બકની પણ શરૂઆત કરી હતી.
1930–32 અને 1940–42ના આઝાદીના આંદોલન સમયે તેમની પેઢી આઝાદી માટેની પ્રવૃત્તિનું કેન્દ્ર હતી; જેને કારણે તેમને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું.
જિગીશ દેરાસરી