મુર્ડિયા, કિરણ (જ. 1951, ઉદયપુર, રાજસ્થાન) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1972માં ઉદયપુર યુનિવર્સિટીમાંથી ચિત્રકલાના વિષય સાથે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી મેળવી. એ પછી જયપુર અને દિલ્હીમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં તથા ઉદયપુર, મુંબઈ, દિલ્હી, ચંડીગઢ, અમદાવાદ અને ચેન્નાઈ ખાતે સમૂહ પ્રદર્શનોમાં ભાગ લીધો.

ચિત્રકલા માટે રાજસ્થાન લલિત કલા અકાદમી તથા તુલિકા કલાકાર પરિષદ તરફથી તેમનું સન્માન કરાયું છે.

મુર્ડિયાની ચિત્રકલામાં પ્રકૃતિનું નિરૂપણ શોભનશૈલીએ થયેલું છે. તાજેતરમાં તેઓ ઉદયપુરમાં કલાસર્જનમાં વ્યસ્ત છે.

અમિતાભ મડિયા