મુરિડેન, જેમ્સ : ખગોળવિજ્ઞાનના જાણીતા લેખક અને પ્રયોગશીલ, અવૈતનિક (ઍમેચ્યોર) ખગોળશાસ્ત્રી. જેમ્સ મુરિડેન ટેલિસ્કૉપનિર્માણમાં ઘણા કુશળ છે. ખગોળની બધી જ ઘટનાઓનું નિરીક્ષણ કરવાનો તેમને બહોળો અનુભવ છે. પોતાના અનુભવોના નિચોડરૂપ ઘણાં પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાંથી કેટલાંક તો આ ક્ષેત્રે પ્રમાણભૂત ગણાય છે. ખગોળ ઉપરનાં તેમનાં મહત્વનાં પુસ્તકોમાં 1963માં પ્રસિદ્ધ થયેલા Astronomy with Binoculars તથા 1985માં પ્રસિદ્ધ થયેલા Astronomy with a Small Telescopeનો સમાવેશ થાય છે. આ પુસ્તકોની એકથી વધુ આવૃત્તિઓ થઈ છે. ખગોળનો કક્કો પણ ન જાણનાર વાચક માટે આ પુસ્તકો નરી આંખે તથા બાયનૉક્યૂલર્સ જેવાં ઉપકરણોની મદદથી આકાશનિરીક્ષણ માટે જરૂરી તમામ માહિતી ઉપરાંત તે માટેનું જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તેમનાં કેટલાંક અન્ય જાણીતાં પુસ્તકો : Observer’s Guide to Halley’s Comet; Amateur Astronomer’s Handbook; Beginner’s Guide to Astronomical Telescope Making. આ પુસ્તકો પૈકી પહેલું પુસ્તક છેલ્લે 1986માં દેખાયેલા હેલીના ધૂમકેતુનું અવલોકન કરવા માટેની મહત્વની માર્ગદર્શિકા તરીકે જાણીતું બનેલું આ પુસ્તક તે કાળે બહુ ઉપયોગી થઈ પડેલું.
સુશ્રુત પટેલ