મુરારિ મિશ્ર : 12મી સદીમાં થઈ ગયેલા મીમાંસાદર્શનના આચાર્ય. તેમના જીવન વિશે કશી વિગતો મળતી નથી. તેમના ફક્ત બે જ ગ્રંથો પ્રકાશિત થયા છે કે જેમાં જૈમિનિના મીમાંસાદર્શનનાં પ્રારંભિક સૂત્રો વિશે ‘ત્રિપાદનીતિનય’નો અને મીમાંસાદર્શનના 11મા અધ્યાયનાં થોડાંક અધિકરણો વિશે ‘એકાદશાધ્યાયાધિકરણ’નો સમાવેશ થાય છે. તેમણે પ્રામાણ્યવાદ વિશે મૌલિક ચિંતન રજૂ કરેલું છે. આથી ગંગેશોપાધ્યાય અને વર્ધમાનોપાધ્યાય જેવા અનેક દાર્શનિકોએ મુરારિ મિશ્રને હંમેશાં પોતાની રચનાઓમાં યાદ કર્યા છે. એથી મુરારિ મિશ્રની મહત્તા સમજાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી