મુરારિ (800 આસપાસ) : સંસ્કૃત ભાષાના નાટ્યલેખક. તેમના જીવન વિશે થોડીક માહિતી તેમણે લખેલા ‘અનર્ઘરાઘવ’ નામના નાટકની પ્રસ્તાવનામાંથી પ્રાપ્ત થાય છે. તેમના પિતાનું નામ વર્ધમાન ભટ્ટ હતું અને તેમની માતાનું નામ તંતુમતી હતું. તેઓ મૌદગલ્ય ગોત્રના બ્રાહ્મણ હતા. તેઓ જાણીતા મહાકવિ માઘ અને નાટ્યકાર ભવભૂતિ જેવા ઉત્તમ સાહિત્યકાર હોવાની પ્રશંસા કરતા અનેક શ્લોકો પ્રાચીન વિવેચકોએ રચ્યા છે. એક સુભાષિત મુજબ તેઓ ગુરુને ઘેર અનેક ક્લેશો સહન કરીને ભણ્યા હતા. માઘ અને ભવભૂતિનો તેમની રચના પર ઘણો પ્રભાવ રહેલો હોવાથી તેઓ માઘ અને ભવભૂતિના સમય પછી એટલે સાતમી સદી પછી થયેલા છે. જ્યારે ‘હરવિજય’ મહાકાવ્યમાં રત્નાકરે તેમનો ઉલ્લેખ કર્યો હોવાથી ઈ. સ. 850 પહેલાં તેમનો સમય નક્કી કરી શકાય. ‘શ્રીકંઠચરિત’ મહાકાવ્યમાં મંખે મુરારિને રાજશેખરના પુરોગામી ગણાવ્યા છે, તેથી તેમનો સમય ઈ. સ. 800ની આસપાસનો હોવાનું અનુમાન થયું છે. સંસ્કૃત નાટ્યકારોમાં તેમને ગીતિનાટ્ય રચનાર તરીકે યાદ કરવામાં આવે છે. સંસ્કૃત નાટકોના અવનતિકાળના તેઓ પ્રથમ નાટ્યકાર છે. દીર્ઘ અંકો, નાટ્યકુતૂહલનો અભાવ, વેરવિખેર કથાનક અને કૃત્રિમ શૈલી જેવી એ ગાળાનાં સંસ્કૃત નાટકોની મર્યાદાઓ એમના નાટકમાં જોવા મળે છે. મુરારિ માટે ઉક્તિ પ્રસિદ્ધ છે કે मुरारि पदचिना चनेता घेर रतिं कुस (माऽधे).
પ્ર. ઉ. શાસ્ત્રી