મુબિયસ, ઑગુસ્ત ફર્ડિનાન્ડ (જ. 17 નવેમ્બર 1790, શૂલફોર્ટા સૅક્સની; અ. 26 સપ્ટેમ્બર 1868, લાઇપઝિગ) : જર્મન ગણિતી અને સૈદ્ધાંતિક ખગોળવેત્તા. વૈશ્લેષિક ભૂમિતિ અને સંસ્થિતિવિદ્યા પરના કામ માટે તેઓ જાણીતા છે. સંસ્થિતિવિદ્યામાંયે ખાસ કરીને એક પૃષ્ઠવાળી સપાટી ‘મુબિયસ પટ્ટી’ના સંશોધન માટે તેઓ જાણીતા છે.
1815માં મુબિયસ લાઇપઝિગ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક થયા અને પાછળથી વિશ્વવિદ્યાલયની વેધશાળાના નિયામક બન્યા, જે ઈ. સ. 1818થી 1821ના ગાળામાં તેમના માર્ગદર્શન નીચે બાંધવામાં આવી હતી.
ગ્રહોની યુતિ અંગેની ગણતરીઓના લેખોના પ્રકાશન દ્વારા સૈદ્ધાંતિક ખગોળવેત્તા તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. ખગોળશાસ્ત્રના સિદ્ધાંતો, ખગોલીય યાંત્રિકી વગેરે તેમનાં પ્રકાશનો છે. સામયિક ‘ક્રેબેઝ’ જર્નલમાં તેમનાં ગાણિતિક સંશોધનપત્રો (papers) પ્રસિદ્ધ થયેલાં, જે મુખ્યત્વે ભૂમિતિ પરનાં હતાં. તેમાં ગુરુત્વમધ્યબિંદુની ગણતરી અંગેની વિગતો હતી. આ સંશોધનપત્રોમાં તેમણે વૈશ્લેષિક ભૂમિતિમાં સમઘાત યામો (homogeneous co-ordinates) દાખલ કર્યા. તેમણે ભૌમિતિક રૂપાંતરણો અને વિશેષત: પ્રક્ષેપી રૂપાંતરણો અંગે કાર્ય કર્યું છે. તેમણે ‘મુબિયસ નેટ’ તરીકે ઓળખાતી સંરચના અંગે વિશ્લેષણ કર્યું, જેણે આગળ ઉપર પ્રક્ષેપી ભૂમિતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો. સાયન્સ એકૅડેમીમાં મરણોત્તર પ્રગટ થયેલા તેમના સંશોધનલેખોમાં ‘મુબિયસ પટ્ટી’ જેવી એક પૃષ્ઠવાળી સપાટીઓના ગુણધર્મો અંગેની વિગતે ચર્ચા છે.
શિવપ્રસાદ મ. જાની