મુગલે આઝમ (1960) : નિર્માતા કે. આસિફનું ઐતિહાસિક પશ્ચાદભૂવાળી સલીમ અને અનારકલીની પ્રણયકથા ઉપર આધારિત સીમાચિહ્નરૂપ ચલચિત્ર. ભાષા : ઉર્દૂ; શ્વેત અને શ્યામ (આંશિક રંગીન); નિર્માણસંસ્થા : સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન; દિગ્દર્શક : કે. આસિફ; પટકથા : કે. આસિફ, અમાન; સંવાદ : કમાલ અમરોહી, એહસાન રિઝવી, વઝાહત મિરઝા, અમાન; ગીતકાર : શકીલ બદાયૂની; સંગીત : નૌશાદ; છબિકલા : કે માથુર; મુખ્ય કલાકારો : પૃથ્વીરાજ કપૂર, દિલીપકુમાર, મધુબાલા, દુર્ગા ખોટે, નિગાર સુલતાના, મુરાદ, અજિત.

ભારતીય ચલચિત્રોમાં સર્વકાલીન મહાન ગણાયેલા આ ચિત્રનું દરેક પાસું તેની ભવ્યતા માટે કારણભૂત બન્યું છે. આ ચિત્રને ભવ્યાતિભવ્ય બનાવવા માટે કે. આસિફે નિર્માણના કોઈ પણ તબક્કે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી નહોતી, પરિણામે ક્યારેક આર્થિક કારણોસર તો ક્યારેક તક્નીકી, કારણોસર આ ચિત્રના નિર્માણમાં અડચણો આવી હતી, પણ અંતે આસિફે પોતે સેવેલા સપના મુજબનું જ ચિત્ર પ્રદર્શિત કર્યું હતું. આ ચિત્રના નિર્માણ સાથે અનેક કથાઓ પણ સંકળાયેલી છે, જેમ કે શાહજાદો સલીમ યુવાન થયા બાદ પહેલી વાર પોતાની માતા જોધાબાઈને મળવા આવે છે, ત્યારે જોધાબાઈ તેને સાચાં મોતીએ વધાવે છે. ચિત્રમાં આ ર્દશ્ય ભજવતી વખતે સાચાં મોતી જ હોવાં જોઈએ એવો આગ્રહ કે. આસિફે રાખ્યો હતો અને જ્યાં સુધી સાચાં મોતીની વ્યવસ્થા ન થઈ ત્યાં સુધી આ ર્દશ્ય ભજવાયું નહોતું. શીશમહેલનો જે સેટ બનાવાયો હતો તેમાં કાચનો એટલો બધો ઉપયોગ કરાયો હતો કે જ્યારે ત્યાં રોશની કરાતી ત્યારે ચારે તરફ કાચને કારણે તે ઝળાહળાં થઈ ઊઠતો હતો. આવા સેટ પર ચિત્રાંકન કદી ન થઈ શકે એવો અભિપ્રાય અનેક નિષ્ણાતોએ ઉચ્ચાર્યો હતો, પણ, કે. આસિફે પોતાની સૂઝથી આ સેટ પર જ ચિત્રાંકન કર્યું હતું તે જોઈને લોકો મોંમાં આંગળાં નાંખી ગયા હતા. આ સેટ એટલો ભવ્ય હતો કે 150થી વધુ કારીગરોએ સતત દસ મહિનાની મહેનત પછી તે તૈયાર કર્યો હતો. એ સમયના મહાન શાસ્ત્રીય ગાયક બડે ગુલામઅલીખાં ચલચિત્રોમાં ગાવા માટે કદી તૈયાર ન થતા, પણ, કે. આસિફે ‘મુગલે આઝમ’માં ગાવા માટે તેમને પણ મનાવી લીધા હતા.

ભારતનો નકશો પડદા પર આવે છે તે સાથે ‘મૈં હિન્દોસ્તાં હૂં………….’ શબ્દો સાથે ચિત્રની કહાણીનો આરંભ થાય છે. મુઘલ બાદશાહ અકબરના શાહજાદા સલીમ અને દરબારી નર્તકી અનારકલી વચ્ચેની સાચી કે કાલ્પનિક પ્રણયકથાનું આ ચિત્રમાં નિરૂપણ કરાયું છે. નર્તકી સાથેના પ્રેમનો અકબર વિરોધ કરે છે ત્યારે શાહજાદો પોતાના પ્રેમને ખાતર શહેનશાહ સામે બળવો કરે છે. યુદ્ધભૂમિમાં શાહજાદો કેદ થાય છે. તેને દેહાંતદંડની સજા કરવામાં આવે છે. દેહાંતદંડ આપવાની ક્રિયા વખતે જ અનારકલી આવી જતાં શાહજાદાને જીવતો રાખવામાં આવે છે, પણ અનારકલીને દીવાલમાં જીવતી ચણી લેવામાં આવે છે. જોકે આ સજા દુનિયાને બતાવવા માટે જ હોય છે. અકબરે અનારકલીની માતાને આપેલા વચન મુજબ તેને ગુપ્ત રસ્તે દેશની બહાર ગુમનામ જિંદગી જીવવા માટે મોકલી દેવામાં આવે છે. ચિત્રમાં આવી છૂટછાટો લેવાઈ છે.

‘મુગલે આઝમ’નું એક ભાવવાહી ર્દશ્ય

ચિત્રમાં માત્ર ર્દશ્યો જ નહિ, સંવાદોયે જીવંત બનાવાયા છે. અકબરના પાત્રમાં પૃથ્વીરાજ કપૂરે એવો જીવ રેડી દીધો છે અને અભિનયની એવી ઊંચાઈઓને આંબ્યો છે કે રૂપેરી પડદે આ પાત્ર આટલું સરસ રીતે ફરી કદી જીવંત ન થઈ શકે. આ ઉપરાંત શાહજાદાની ભૂમિકામાં દિલીપકુમાર, અનારકલીની ભૂમિકામાં મધુબાલા તથા અન્ય મુખ્ય પાત્રોએ પણ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. શુદ્ધ ઉર્દૂમાં જાનદાર સંવાદો તથા કર્ણપ્રિય ગીત-સંગીતે પણ ચિત્રની સફળતામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…’, ‘મુહબ્બત કી જૂઠી કહાની પે રોયે……’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા….’, ‘તેરી મહફિલ મેં કિસ્મત આઝમાકર હમ ભી દેખેંગે…..’, ‘અય મુહબ્બત ઝિંદાબાદ….’, ‘યે રાત હૈ ઐસી મતવાલી તો સુબ્હ કા આલમ કયા હોગા…..’ ગીતો નોંધપાત્ર છે. ચિત્રમાં યુદ્ધનાં ર્દશ્યોને વાસ્તવિક લાગે તેવાં દર્શાવવા કે. આસિફે 2,000 ઊંટ, 4,000 ઘોડા અને 8,000 સૈનિકોનો ઉપયોગ કર્યો હતો. એક ભવ્ય ચિત્ર બનાવવાનું સપનું સેવતા કે. આસિફે છેક 1944માં ‘મુગલે આઝમ’ બનાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેની તૈયારીમાં 7 વર્ષ લાગ્યાં હતાં અને 1951માં તેનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પણ ચિત્રને પૂરું થતાં 9 વર્ષ લાગ્યાં હતાં. 1960માં ચિત્ર પ્રદર્શિત થઈ શક્યું હતું. આ ચલચિત્રની બીજી (રંગીન) આવૃત્તિ વર્ષ 2004માં તૈયાર કરવામાં આવી છે.

હરસુખ થાનકી