રાજેન્દ્રનાથ (જ. 1947) : હિંદીના જાણીતા નટ-દિગ્દર્શક. 1967માં એમણે દિલ્હીમાં ‘અભિયાન’ નાટ્યસંસ્થા શરૂ કરી, અને ગાંધીજીના જીવન અંગેનું વિવાદાસ્પદ નાટક ‘હત્યા એક આકારકી’ (લેખક : લલિત સેહગલ) પ્રસ્તુત કર્યું. બે દાયકા સુધી આ સંસ્થાને માર્ગદર્શન આપતા રાજેન્દ્રનાથે મુખ્યત્વે વિજય તેન્ડુલકરનાં નાટકો પ્રસ્તુત કર્યાં અને એ ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં બાદલ સરકારનું ‘બાકી ઇતિહાસ’, વિનાયક પુરોહિતનું ‘સ્ટીલ ફ્રેમ’, રોહિત ચટ્ટોપાધ્યાયનું ‘અલીબાબા’, મહાશ્ર્વેતા દેવીનું ‘એક હજાર ચોરાસી કી માં’ વગેરે એમનાં નોંધપાત્ર નાટ્ય-દિગ્દર્શનો છે.
એ પછી તેઓ દિલ્હીની નાટ્યસંસ્થા શ્રીરામ સેન્ટરની થિયેટર રેપર્ટરીમાં જોડાયા, ત્યાં એમણે સુરેન્દ્ર વર્માનું ‘એક દુની એક’, મોહન રાકેશનું ‘અષાઢ કા એક દિન’, બાદલ સરકારનું ‘પગલા ઘોડા’ અને ચંદ્રશેખર કામબારનું ‘તોતા બોલા’ નાટકો પ્રસ્તુત કર્યાં. પ્રયોગશીલ નાટ્ય-દિગ્દર્શક તરીકે તેમના દ્વારા રજૂ થયેલાં નાટકો-રાજેન્દ્રસિંહ બેદીનું ‘એક ચદ્દર મૈલી સી’, મોહન રાકેશનું ‘લહરોં કે રાજહંસ’ અને ગિરીશ કર્નાડનું ‘હયવદન’ નોંધપાત્ર ગણાય છે. હાલમાં તેઓ નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામાના નાટ્ય-સામયિક ‘રંગપ્રસંગ’ના તંત્રી છે.
હસમુખ બારાડી