રાજા કૃષ્ણન વી. (જ. 23 ડિસેમ્બર 1948, પાલઘાટ, કેરળ) : મલયાળમ લેખક અને ફિલ્મવિવેચક. તેમણે અંગ્રેજીમાં એમ.એ.ની અને અમેરિકન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે કેરળ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી.

1989માં તેઓ નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ્ઝ જૂરીના સભ્ય થયા હતા. તે પછી તેમણે ફિલ્મ-વિવેચક અને ફિલ્મનિર્માણ કરનાર તરીકે કારકિર્દી શરૂ કરી.

તેમણે મલયાળમ ભાષાના 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રોગાથિન્ટે પૂક્કલ’ (1979), ‘મૌનમ થેદુન્ના વડ્ડુ’ (1981), ‘આલ ઑળિન્જા આરંગમ’ (1990), ‘ચુળિકલ ચિપ્પિકલ’ (1990), ‘ચેરુ કથા યુડે ચંદાઝ’ (1997) (તમામ સાહિત્યિક વિવેચનના ગ્રંથો); ‘કળચાયુતે અસાન્તિ’ (1987), ‘ચલચિત્ર સુરુચિશાસ્ત્ર’, ‘ધ ક્રૂસિબલ ઍન્ડ ધ મિસ્ટી ટાવર’ (1987) (અમેરિકન નાટક વિશે વિવેચન) ઉલ્લેખનીય છે. તેમની ટેલિફિલ્મ ‘પંકજમ્’ને અનેક ઍવૉર્ડ મળ્યા છે.

તેમને શ્રેષ્ઠ ચલચિત્ર-પટકથા માટે નૅશનલ અને સ્ટેટ ઍવૉર્ડ મળ્યા છે. 1995માં શ્રેષ્ઠ ડેબૂ ફિલ્મ માટે તેમને સ્ટેટ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે અમેરિકા તથા હંગેરીનો પ્રવાસ ખેડ્યો છે.

બળદેવભાઈ કનીજિયા